પાકિસ્તાન પરમાણુ હથિયારોનું ટેસ્ટિંગ કરી રહ્યું છે, ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો

Pakistan is Testing Nuclear Weapons: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના દાવા મુજબ, દુનિયામાં પરમાણુ હરીફાઈ ફરી તેજ થઈ રહી છે, કારણ કે પાકિસ્તાન અને રશિયા સહિત ઘણા દેશો પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે, જેની તેઓ જાહેરાત કરતા નથી. આ ટિપ્પણી ટ્રમ્પે યુદ્ધ વિભાગને પરમાણુ હથિયારોના પરીક્ષણનો નિર્દેશ આપ્યાના એક અઠવાડિયા પછી આવી છે, જે ભારત માટે પણ ચિંતાજનક હોઈ શકે છે.
ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે રશિયા અને ચીન ગુપ્ત રીતે પરીક્ષણ કરી રહ્યા છે અને મીડિયાને તેના વિશે લખવા દેતા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, પરમાણુ હથિયારો ધરાવતા દેશો 'અંડરગ્રાઉન્ડ ટેસ્ટ' કરે છે, જેના વિશે દુનિયાને માત્ર કંપન દ્વારા જાણ થાય છે.
ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પરિક્ષણ કરી રહ્યા છે
ટ્રમ્પે અન્ય દેશોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પણ પરમાણુ પરીક્ષણ કરી રહ્યા છે. તેમણે વધુમાં દાવો કર્યો કે તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાનને પરમાણુ યુદ્ધની અણી પરથી રોક્યા હતા, જેના માટે તેમણે ટેરિફ અને ટ્રેડનો ઉપયોગ કર્યો હતો અને જો તેઓએ હસ્તક્ષેપ ન કર્યો હોત તો લાખો લોકોના મોત થયા હોત.
ટ્રમ્પે સમજાવ્યું કે આ પરમાણુ શક્તિઓ તેમની પ્રવૃત્તિઓ ગુપ્ત રાખે છે, ભૂગર્ભમાં પરીક્ષણ કરે છે, જેની જાણ લોકોને માત્ર કંપન દ્વારા જ થાય છે. જોકે, તેમનો દાવો છે કે કેટલાક પરીક્ષણો એટલા ગુપ્ત હોય છે કે તેનો પત્તો પણ લાગતો નથી.
અધિકારીઓના વિરોધાભાસી નિવેદનો
ટ્રમ્પના આદેશો પર અધિકારીઓના વિરોધાભાસી સૂર જોવા મળ્યા. અમેરિકાના ઉર્જા મંત્રી ક્રિસ રાઇટે સ્પષ્ટતા કરી કે ટ્રમ્પના નિર્દેશ પર થનારા નવા પરમાણુ હથિયાર પ્રણાલીના પરીક્ષણોમાં પરમાણુ વિસ્ફોટ સામેલ નહીં હોય. જોકે, ટ્રમ્પે પોતે 'ટ્રુથ સોશિયલ' પર સંકેત આપ્યો હતો કે તેઓ દેશના પરમાણુ પરીક્ષણો પરના દાયકાઓ જૂના પ્રતિબંધને સમાપ્ત કરવાની યોજના બનાવી રહ્યા છે.
આ પણ વાંચો: પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે તણાવનું ઠીકરૂં ભારતના માથે ફોડ્યું, મૂક્યો ષડયંત્રનો આરોપ
આપણે આ પૃથ્વીનો 150 વાર નાશ કરી શકીએ છીએ: ટ્રમ્પ
ટ્રમ્પે જણાવ્યું કે તેમણે આ મુદ્દા પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બંને સાથે વાતચીત કરી છે. તેમણે કહ્યું કે જો આ ત્રણેય દેશો મળીને પરમાણુ હથિયારો પર નિયંત્રણની દિશામાં પગલાં ભરે તો તે દુનિયા માટે ખૂબ મોટો સંદેશ હશે.
ટ્રમ્પે કહ્યું, 'નિશસ્ત્રીકરણ ખૂબ મોટો મુદ્દો છે. આપણી પાસે એટલા પરમાણુ હથિયારો છે કે આપણે આ પૃથ્વીનો 150 વાર નાશ કરી શકીએ છીએ. રશિયા પાસે પણ મોટી સંખ્યામાં પરમાણુ હથિયારો છે અને ચીન પાસે પણ જલ્દી જ પૂરતા હથિયારો હશે. તેમની પાસે હજી પણ સારી એવી સંખ્યામાં હથિયારો છે.'
પોતાના તાજેતરના પરમાણુ પરીક્ષણ આદેશનો બચાવ કરતા ટ્રમ્પે કહ્યું, 'ચીન અને રશિયા પણ પોતાના પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી રહ્યા છે, બસ તમને તેની જાણકારી નથી.'

