પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે તણાવનું ઠીકરૂં ભારતના માથે ફોડ્યું, મૂક્યો ષડયંત્રનો આરોપ

Defense Minister Khawaja Asif: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પર ચાલી રહેલો તણાવ બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. દરવખતની જેમ આ વખતે પણ પાકિસ્તાન પોતાના કારસ્તાનનું ઠીકરૂ ભારત પર ફોડી રહ્યો છે. પાકિસ્તાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે જણાવ્યું કે, નવી દિલ્હી પાકિસ્તાન વિરૂદ્ધ ષડયંત્ર રચી રહ્યું છે. પાકિસ્તાનને પૂર્વ અને પશ્ચિમી મોરચા પર વ્યસ્ત રાખવા માગે છે. ડુરંડ લાઈન પર ચાલી રહેલો તણાવ તેના આ ષડયંત્રનો જ એક ભાગ છે.
ભારત પર સાધ્યું નિશાન
ખ્વાજા આસિફે ભારત પર નિશાન સાધ્યું કે, જો પુરાવાની જરૂર પડશે, તો અમારી પાસે પુરાવો છે કે, પાકિસ્તાનમાં અસ્થિરતા ફેલાવવામાં ભારતનો હાથ છે, ભારત પૂર્વ અને પશ્ચિમી બંને મોરચા પર પાકિસ્તાનને વ્યસ્ત રાખવા માગે છે. ઉલ્લેખનીય છે, ખ્વાજા આસિફે પોતાના આ નિવેદનને સાચું સાબિત કરવા માટે કોઈ પુરાવો રજૂ કર્યો નથી. તેમણે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવવા માટે કતાર અને તૂર્કિયેની મધ્યસ્થીને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનનું માનવુ છે કે, અફઘાનિસ્તાનનો મુદ્દો ઝડપથી ઉકેલવો જરૂરી છે, અફઘાનની ધરતી પર વિકસી રહેલા આતંકવાદને ખતમ કરવો પડશે.
ભારતે તાલિબાનને ગેરમાર્ગે દોર્યું
આસિફનું કહેવું છે કે, ભારતે તાલિબાનને ગેરમાર્ગે દોરતાં પાકિસ્તાન વિરૂદ્ધ ભડકાવ્યું છે. કાબુલના સત્તાધીશો નવી દિલ્હીની કઠપૂતળીની જેમ વર્તન કરી રહ્યા છે. પાકિસ્તાને આતંકવાદનો હવાલો આપતાં કાબુલ પર એર સ્ટ્રાઈક કરી હતી. જેના જવાબમાં અફઘાની સેનાએ પાક. સૈનિકો પર હુમલો કર્યો હતો. 9 ઓક્ટોબરના રોજ કાબુલમાં હુમલા બાદ હિંસા ભડકી ઉઠી હતી. આ ઘટનામાં 70થી વધુ લોકોના મોત થયા હતા. તાલિબાનના નેતૃત્વ હેઠળની અફઘાની સરકારે આ હુમલા પાછળ ઈસ્લામાબાદનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.

