‘અમારું અફઘાનિસ્તાન સાથેનું યુદ્ધ પણ અટકાવી દો...', ટ્રમ્પને પાકિસ્તાનની વિનંતી, ભારતનો પણ કર્યો ઉલ્લેખ

Afghanistan-Pakistan War : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે એક અઠવાડિયા સુધી ભયાનક અથડામણ ચાલ્યા બાદ બંને વચ્ચે 48 કલાકનું યુદ્ધવિરામ જાહેર કરાયું છે. પાકિસ્તાની મંત્રીના નિવેદન મુજબ, ઘર્ષણના કારણે પાકિસ્તાન અફઘાનિસ્તાનથી ફફડી ગયું હોય તેવું લાગે છે. આ જ કારણે પાકિસ્તાની મંત્રીએ ટ્રમ્પને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.
પાકિસ્તાને ટ્રમ્પના કર્યા ભરપૂર વખાણ
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે (Khwaja Asif) અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ને બંને દેશો વચ્ચે ચાલી રહેલો જંગ રોકવા માટે મધ્યસ્થી કરવા વિનંતી કરી છે. ખ્વાજા આસિફે જીઓ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પના ભરપૂર વખાણ કરતાં કહ્યું છે કે, ‘મને લાગે છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ યુદ્ધો માટે જવાબદાર રહ્યા છે, પરંતુ ટ્રમ્પ અમેરિકાના એવા પ્રથમ રાષ્ટ્રપ્રમુખ છે, જેમણે યુદ્ધો રોક્યા છે. છેલ્લા 15થી 20 વર્ષમાં અમેરિકા યુદ્ધનું સ્પોન્સર હતું, જોકે ટ્રમ્પ પહેલા રાષ્ટ્રપ્રમુખ છે, જેમણે શાંતિ વાર્તા કરી છે. જો તેઓ પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં મધ્યસ્થી કરવા માગે છે, તો તેમનું સ્વાગત છે.’
પાકિસ્તાને ભારત પર સાધ્યું નિશાન
પાકિસ્તાની મંત્રી આસિફે ભારત પર પણ નિશાન સાધ્યું છે. તેણે શંકા વ્યક્ત કરતા કહ્યું કે, ‘તાલિબાન સરકાર ભારત તરફથી પ્રોક્સી વોર લડી રહી છે. મને શંકા છે કે, ભારતે તાલિબાન સાથેનું યુદ્ધ સ્પોન્સર કર્યું છે, જો તાલિબાન યુદ્ધવિરામનો સમયગાળો વધારવાનો નિર્ણય કરે છે તો તે ભારત પર નિર્ભર છે. હાલ કાબુલ ભારત માટે પ્રોક્સી વોર લડી રહ્યું છે.’