પાકિસ્તાન-અફઘાનિસ્તાન યુદ્ધમાં ચીનની એન્ટ્રી, ટ્રમ્પને પણ આડે હાથ લીધા, જાણો શું આપી પ્રતિક્રિયા

China's Reaction To The Afghanistan-Pakistan Ceasefire : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે એક સપ્તાહ ઘર્ષણ થયા બાદ બંને દેશો શાંત પડી ગયા છે અને 48 કલાકનું અસ્થાયી યુદ્ધવિરામ લાગુ કર્યું છે. બીજીતરફ બંને તરફથી આંશિક અથડામણ ચાલુ હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ચીને અફઘાન-પાકિસ્તાન યુદ્ધવિરામ અંગે મહત્ત્વની પ્રતિક્રિયા આપી છે. આ સાથે ચીને અમેરિકા પર પણ નિશાન સાધ્યું છે.
ચીને યુદ્ધવિરામનું સમર્થન કર્યું
ચીનના વિદેશ મંત્રાવલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે, ‘અમે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કરીએ છીએ. બંને દેશોના હિતો માટે યુદ્ધવિરામ, શાંતિ અને સ્થિરતા ખૂબ મહત્ત્વના છે. અમે બંને દેશોને સંયમ જાળવવાની અને વ્યાપક તેમજ કાયમી યુદ્ધવિરામ કરવા માટે વિનંતી કરીએ છીએ.
બંને અમારા પાડોશી દેશો : ચીન
તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને ચીનના મિત્રતાપૂર્ણ પડોશીઓ છે, એવા પડોશીઓ જેમને બદલી શકાય નહીં. ચીન બંને દેશોને સંવાદ અને વાતચીત દ્વારા પારસ્પરિક મતભેદો ઉકેલવા અને રાજકીય સમાધાનના માર્ગે પાછા ફરવા માટે સમર્થન આપે છે.’
આ પણ વાંચો : ઓઇલ મુદ્દે બણગાં ફૂંકતા ટ્રમ્પને રશિયાનો જવાબ, કહ્યું- ભારત સૌથી ભરોસાપાત્ર પાર્ટનર
અફઘાન-પાકિસ્તાન વચ્ચે 8 ઑક્ટોબરે શરુ થયું હતું ઘર્ષણ
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને કાબુલમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન(TTP)ના ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા, જેના કારણે બંને દેશો વચ્ચે 8 ઑક્ટોબરના રોજ ઘર્ષણ શરુ થયું હતું. પાકિસ્તાની સેનાના મીડિયા વિંગે દાવો કર્યો હતો કે, સુરક્ષા દળોએ બલૂચિસ્તાન બોર્ડર પર અફઘાન તાલિબાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ કંધારના સ્પિન બોલ્ડક વિસ્તારમાં હુમલો કર્યો હતો. બુધવારે થયેલા પાકિસ્તાની હવાઈ હુમલાઓમાં કાબુલ અને કંધારમાં 15 અફઘાન નાગરિકો માર્યા ગયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા. આ ઘટના બાદ અફઘાનિસ્તાને સરહદ પર ટેન્ક મોકલી હતી, જેના કારણે તણાવ વધી ગયો હતો. બંને વચ્ચે એક અઠવાડિયા સુધી ચાલેલા ઘર્ષણ બાદ બુધવારે સાંજે 48 કલાકના યુદ્ધવિરામની જાહેરાત કરાઈ હતી.
ચીને અમેરિકા પર સાધ્યું નિશાન
ચીને અફઘાન-પાકિસ્તાન યુદ્ધવિરામ પર નિવેદન આપવાની સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump)ની ટેરિફ નીતિઓ પર પણ પ્રહાર કર્યા છે. ચીનના પ્રવક્તા લીન જિયાને ‘અમેરિકાનું વલણ એકતરફી અને ધમકીભર્યું રહ્યું છે. તેમની નીતિના કારણે આંતરરાષ્ટ્રીય વેપાર નિયમોને અસર થઈ છે અને વિશ્વભરના ઉદ્યોગોની સ્થિરતા તથા સપ્લાય ચેઈનને પણ અવરોધિત થઈ છે.’