For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

અફઘાનિસ્તાનના પંજશીરમાં ૬૦૦ તાલિબાનો ઠાર, ગૃહયુદ્ધની આશંકા

સરકારની રચના પહેલાં તાલિબાનોમાં આંતરિક સંઘર્ષ ચરમસીમાએ

તાલિબાન-હક્કાની જૂથમાં પદોની વહેંચણી મુદ્દે તડાં, હક્કાની જૂથના ગોળીબારમાં પીએમપદના દાવેદાર મુલ્લા બરાદર ઘાયલ

Updated: Sep 5th, 2021

Article Content Image 

કાબુલ, તા. ૫

તાલિબાનોએ ભલે માત્ર એક પખવાડિયામાં આખા અફઘાનિસ્તા પર કબજો કરી લીધો પરંતુ પંજશીર પર કબજો કરવાનું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે. કાબુલ કબજે કર્યાના ૨૦ દિવસ પછી પણ તાલિબાનો પંજશીરમાં સફળ થઈ શક્યા નથી. અફઘાનિસ્તાનમાં એકમાત્ર પંજશીર પ્રાંતે તાલિબાનો સામે વિરોધનો ઝંડો ફરકાવ્યો છે. તેના એનઆરએફ દળે રવિવારે ૬૦૦ તાલિબાનોને ઠાર કર્યાનો અને એક હજારથી વધુ તાલિબાનોને કેદ કર્યાનો દાવો કર્યો છે. પરિણામે અફઘાનિસ્તાનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળવાની આશંકા સેવાઈ રહી છે. બીજીબાજુ સરકારમાં પદોની વહેંચણી મુદ્દે હક્કાની જૂથ અને તાલિબાનો વચ્ચે આંતરિક સંઘર્ષ થતાં હક્કાની જૂથે કરેલા ગોળીબારમાં વડાપ્રધાનપદના દાવેદાર મુલ્લા અબ્દુલ ગની બરાદર ઘાયલ થયા છે.

અમેરિકન દળોની ૩૧મી ઓગસ્ટે અફઘાનિસ્તાનમાંથી વિદાયની જાહેરાત પછી એકંદરે કોઈપણ વિરોધ વિના તાલિબાનોએ માત્ર એક પખવાડિયામાં અફઘાનિસ્તાનના મોટાભાગના પ્રાંતો પર કબજો કરી લીધો હતો. તેમણે ૧૫મી ઑગસ્ટે કાબુલ પર પણ કબજો કરી લીધો હતો, પરંતુ એકમાત્ર પંજશીર પ્રાંતે તાલિબાનોનો વિરોધ કરવાનું ચાલુ રાખ્યું છે. પરીણામે પંજશીર કબજે કરવા ગયેલા તાલિબાનોએ અહેમદ મસૂદ અને કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહના નેતૃત્વમાં નેશનલ રેસિસ્ટન્સ ફોર્સ (એનઆરએફ)એ ભારે વિરોધનો સામનો કરવો પડયો છે.

તાલિબાનોએ શનિવારે પંજશીરના ગવર્નર હાઉસ પર કબજો કર્યાનો દાવો કર્યો હતો, પરંતુ એનઆરએફના પ્રવક્તા ફહીમ દશતીએ રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,પંજશીરના અલગ અલગ જિલ્લામાં સવારે લગભગ ૬૦૦ તાલિબાન આતંકવાદીઓનો સફાયો કરી દેવાયો છે. ૧,૦૦૦થી વધુ તાલિબાનોને કેદ કરી લેવાયા છે અથવા તેમણે આત્મસમર્પણ કરી દીધું છે.

બીજીબાજુ તાલિબાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે પંજશીરમાં લડાઈ ચાલુ હતી, પરંતુ રાજધાની બઝારક અને પ્રાંતીય ગવર્નરના પરિસર તરફ જતા રોડ પર લેન્ડમાઈન્સ પથરાયેલી હોવાના કારણે તેમની ગતિ ધીમી પડી છે. તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ ખિંજ અને ઉનાબા જિલ્લા પર કબજા સાથે સાતમાંથી ચાર જિલ્લા પર તેમનું નિયંત્રણ હોવાનો દાવો કર્યો છે.

તાલિબાનો માટે પંજશીર જ એકમાત્ર સમસ્યા નથી. તેઓ અમેરિકન દળોની વિદાયના પાંચ દિવસ પછી પણ અફઘાનિસ્તાનમાં સરકારની રચના કરવામાં નિષ્ફળ ગયા છે. તાલિબાનોની સરકારની રચના અંગે આંતરિક સંઘર્ષ સામે આવ્યો છે. તાલિબાનો અને હક્કાની જૂથ વચ્ચે પદોની વહેંચણી મુદ્દે મડાગાંઠના અહેવાલ હતા. એવામાં આ બંને જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં તાલિબાનના નેતા અબ્દુલ ગની બરાદર ઘાયલ થઈ ગયા છે. બરાદરને તાલિબાન સરકારના ભાવી વડા માનવામાં આવે છે. હાલ પાકિસ્તાનમાં તેમની સારવાર થઈ રહી છે. પંજશીર ઓબ્ઝર્વરના અહેવાલ મુજબ હક્કાની જૂથ અને તાલિબાનો વચ્ચે શનિવારે મોડી રાતે ગોળીબાર થયો હતો. બંને જૂથો વચ્ચે સત્તા અંગે ખેંચતાણ સતત ચાલુ છે.

પંજશીર ઘાટીમાં એનઆરએફ અને તાલિબાનો વચ્ચે લડાઈ ચાલુ છે. બીજીબાજુ તાલિબાનો સરકારની રચનાની જાહેરાત નથી કરી શકતા. એવામાં અમેરિકન જનરલ માર્ક મિલેએ ચેતવણી આપતાં કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં ગમે ત્યારે ગૃહયુદ્ધ ફાટી નીકળવાની આશંકા છે. તેનાથી પણ ખતરનાક બાબત એ છે કે આવી સ્થિતિમાં આઈએસ અને અલકાયદાને ફરીથી બેઠા થવાની તક મળી શકે છે.

દરમિયાન અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે જણાવ્યું હતું કે, તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાનમાં તેનું બધું જ કામ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ જોઈ રહી છે. તેમણે પંજશીરમાં લડાઈ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રને તુરંત દરમિયાનગીરી કરવા માગણી કરી હતી. તેમણે કહ્યું કે આઈએસઆઈ જ તાલિબાનનું સંચાલન કરી રહ્યું છે. તેમણે પશ્ચિમી દેશો પર અફઘાનિસ્તાન સાથે વિશ્વાસઘાતનો આક્ષેપ કર્યો હતો.

Gujarat