ઈઝરાયલી વડાપ્રધાનના દીકરાએ કર્યો કાંડ, ટેક્સથી બચવા માટે નામ જ બદલી કાઢ્યાનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Yair Netanyahu name change: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના પરિવાર સાથે જોડાયેલો વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે. નેતન્યાહૂના મોટા પુત્ર યાયર નેતન્યાહૂએ સત્તાવાર રીતે પોતાનું નામ બદલીને 'યોનાતન હુન' કરી લીધું છે. લીક થયેલા સરકારી ડેટા અનુસાર, તેણે આ ફેરફાર છેલ્લા બે વર્ષમાં જ કર્યો છે, કારણ કે વર્ષ 2024માં ટેક્સ ભરતી વખતે તેણે પોતાના અસલી નામનો જ ઉપયોગ કર્યો હતો, પરંતુ વર્ષ 2026ની ટેક્સ ફાઇલિંગમાં તેનું નામ 'યોનાતન હુન' જોવા મળ્યું છે.
પીએમના પુત્રનો શંકાસ્પદ નિર્ણય
ઈઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર, નેતન્યાહૂ પરિવાર હાલમાં ટેક્સ ચોરી અને ભ્રષ્ટાચારના અનેક કેસોમાં ફસાયેલો છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનના 34 વર્ષના પુત્ર દ્વારા અચાનક લેવાયેલા નામ બદલવાના આ નિર્ણયને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે. જોકે, તેણે કયા ચોક્કસ કારણોસર પોતાનું નામ બદલ્યું છે તેની કોઈ સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી. રિપોર્ટ અનુસાર, આ ફેરફાર તેના જૂના નેશનલ આઇડેન્ટિફિકેશન નંબર પર જ કરવામાં આવ્યો છે, જેમાં તેણે પોતાના ઘરનું સરનામું 'બાલ્ફોર 0' લખાવ્યું છે, જે ઈઝરાયલના પ્રધાનમંત્રી આવાસ તરફ ઇશારો કરે છે.
યુદ્ધ અને ટેક્સથી બચવાની ચર્ચા
છેલ્લા ઘણા સમયથી યુદ્ધમાં અટવાયેલા ઈઝરાયલના સામાન્ય લોકોમાં પીએમના પુત્રના આ નિર્ણયને લઈને ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં દેશની રક્ષા માટે ઈઝરાયલના તમામ રિઝર્વ સૈનિકોને યુદ્ધમાં બોલાવી લેવામાં આવ્યા છે, ત્યાં પીએમનો પુત્ર વર્ષ 2023થી અમેરિકાના ફ્લોરિડામાં આરામદાયક જીવન જીવી રહ્યો છે. વિદેશમાં રહેવા બદલ ઈઝરાયલમાં તેની પહેલેથી જ ઘણી ટીકા થઈ રહી છે, ત્યારે હવે લોકોનું કહેવું છે કે તેણે યુદ્ધમાં લડવા જવાથી બચવા માટે અથવા તો ટેક્સની ગરબડો છુપાવવા માટે આ નવો કીમિયો અપનાવ્યો છે.
'યોનાતન હુન' નામ પાછળનો ઇતિહાસ
ભલે આ મામલે નેતન્યાહૂ પરિવારે મૌન સેવ્યું હોય, પરંતુ મીડિયાએ આ નામના ઐતિહાસિક સંદર્ભો શોધી કાઢ્યા છે:
યોનાતન: આ નામ તેના કાકા 'યોની નેતન્યાહૂ' પરથી પ્રેરિત માનવામાં આવે છે, જેઓ વર્ષ 1976માં યુગાન્ડાના એક સૈન્ય મિશન દરમિયાન શહીદ થયા હતા અને ઈઝરાયલમાં હીરો તરીકે પૂજાય છે.
હુન: આ શબ્દ તેના પરિવારના જૂના મૂળ સાથે જોડાયેલો છે. નેતન્યાહૂ પરિવારના વડીલ બેન આર્ટઝી જ્યારે ઈઝરાયલમાં આવીને વસ્યા, ત્યારે તેમનું અસલી નામ 'સેમ્યુઅલ હુન' હતું, જે તેમણે પાછળથી બદલી નાખ્યું હતું. પોતાના દાદાની યાદમાં તેણે આ શબ્દ પસંદ કર્યો છે.
અગાઉ એક પોડકાસ્ટ દરમિયાન પણ તેણે 'યાયર હુન' નામનો ઉપયોગ કર્યો હતો, પરંતુ હવે સરકારી દસ્તાવેજો અને ટેક્સ ફાઇલિંગમાં તેનો ઉપયોગ થતાં આ નામ પાકું થઈ ગયું છે. આ સમગ્ર વિવાદ અંગે હજુ સુધી વડાપ્રધાન કાર્યાલય તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.









