'ચીનને ટેરિફથી બચાવવા ભારત સહિત 40 દેશો મદદ કરી રહ્યાં છે...', અમેરિકાનો ગંભીર આરોપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shadow Transshipment Network: અમેરિકાએ ભારત સહિત દુનિયાના 40થી વધુ દેશો પર એક મોટો આરોપ લગાવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે આ દેશો ચીનને તેના પર લાગતા ભારે ટેરિફમાંથી બચાવવામાં મદદ કરી રહ્યા છે. આ માટે ચીન એક 'ગુપ્ત માલ વહન નેટવર્ક' (Shadow Transshipment Network) ચલાવી રહ્યું છે, જેમાં ચીનની વસ્તુઓ પહેલા ભારત કે અન્ય દેશોમાં મોકલવામાં આવે છે અને ત્યાંથી આ દેશોના નામે અમેરિકામાં વેચવામાં આવે છે. વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નવારકાએ તેમના રિપોર્ટ 'ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ'માં આ ખુલાસો કરતા દાવો કર્યો છે કે આ રીતે ચીન અમેરિકાના કડક વેપાર નિયમો અને ટેરિફથી બચી રહ્યું છે.
શું છે 'ધ ગ્રેટ ટ્રાન્સશિપમેન્ટ સ્કેમ' અને ક્યારથી શરૂ થયું?
રિપોર્ટ અનુસાર, વર્ષ 2018માં જ્યારે તત્કાલીન ટ્રમ્પ વહીવટીતંત્રે ચીન પર અન્યાયી વેપાર નીતિઓ બદલ કલમ 301 હેઠળ ભારે ટેરિફ લાદ્યા હતા, ત્યારથી ચીને ટેરિફથી બચવા માટે આ ગેરકાયદેસર રસ્તો અપનાવ્યો હતો. પીટર નવારકાએ દાવો કર્યો છે કે આ ગેરકાયદેસર ટ્રાન્સશિપમેન્ટનું વાર્ષિક મૂલ્ય $40 અબજથી $303 અબજ (લગભગ ₹3.3 લાખ કરોડથી ₹25 લાખ કરોડ) વચ્ચે હોવાનું અનુમાન છે. આ કૌભાંડ દ્વારા કમ્યુનિસ્ટ ચીન દાયકાઓથી ત્રીજા દેશો મારફતે પોતાની નિકાસને કાયદેસર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
ભારત, કેનેડા અને યુરોપિયન યુનિયન પણ નિશાના પર
અમેરિકન પ્રમુખના વેપાર અને ઉત્પાદન સલાહકારે સ્પષ્ટ કર્યું કે ચીનના આ 'શેડો ટ્રાન્સશિપમેન્ટ નેટવર્ક'માં ભારત સિવાય અમેરિકાના સૌથી મોટા વેપારી ભાગીદારો જેવા કે મેક્સિકો, કેનેડા, યુરોપિયન યુનિયન, જાપાન અને સાઉથ કોરિયા પણ સામેલ છે. ચીન આ દેશોના ઉદાર ફ્રી ઝોન, નબળા કસ્ટમ્સ ચેકિંગ અને સસ્તા શ્રમનો લાભ ઉઠાવીને અમેરિકન બજાર સુધી સરળતાથી માલ પહોંચાડી રહ્યું છે.
ચીન ટેરિફમાંથી બચવા કેવી રીતે કરે છે ગોલમાલ?
રિપોર્ટમાં જણાવાયું છે કે ચીન પોતાના સામાનને ભારત જેવા ત્રીજા દેશોમાં મોકલે છે. ત્યાં માત્ર થોડું રિ-પેકેજિંગ, લેબલ બદલવું (Re-labeling), નવું બિલ બનાવવું (Re-invoicing) કે રૂટ બદલવા જેવા નજીવા ફેરફારો કરીને સામાન પરથી 'મેડ ઇન ચાઇના'નું બ્રાન્ડિંગ હટાવી દેવામાં આવે છે. દાખલા તરીકે, ભારતની પૂણે-ગુજરાત-ચેન્નાઈ પ્રોડક્શન બેલ્ટમાં વપરાતા પંપ અને કમ્પ્રેસર જેવા ચીની સામાનનો ઉપયોગ કરીને તેને આગળ મોકલવામાં આવે છે, જેનાથી અમેરિકાની ટેકનોલોજી સપ્લાય ચેઈન પ્રભાવિત થાય છે.
ગેરકાયદેસર શિપમેન્ટ પકડવા અમેરિકા AIનો ઉપયોગ કરશે
પીટર નવારકાએ જણાવ્યું છે કે આ પ્રકારની ગેરકાયદેસર અને શંકાસ્પદ ખેપોને ઓળખવા અને તેમની સામે સખત કાર્યવાહી કરવા માટે અમેરિકા હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ કડક પગલાંથી ચીનની સાથે સાથે આ નેટવર્કમાં સામેલ દેશો પર પણ અમેરિકાનો વેપારી દબાણ વધવાની શક્યતા છે.









