World

જિનપિંગ અમેરિકા પહોંચે એ પહેલા જ ટ્રમ્પે 'બોમ્બ' ફોડ્યો, કહ્યું - અમે ચીનની જાસૂસી કરીએ છીએ..

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાત અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે, શી જિનપિંગ આવતા અઠવાડિયે અમેરિકા આવશે અને તેમની સાથે સારા સંબંધો છે. આ મુલાકાત વોશિંગ્ટન ડીસીમાં થશે, જ્યાં ટ્રમ્પ પોતે એરપોર્ટ પર તેમનું સ્વાગત કરશે અને વ્હાઇટ હાઉસમાં ભવ્ય સ્ટેટ ડિનર યોજાશે. આ દરમિયાન વેપાર, AI જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જિનપિંગ અમેરિકા પહોંચે એ પહેલા જ ટ્રમ્પે 'બોમ્બ' ફોડ્યો, કહ્યું - અમે ચીનની જાસૂસી કરીએ છીએ..
IMAGE - IANS

Xi Jinping US visit: ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાતને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્ત્વના નિવેદનો આપ્યા છે. બંને દેશો વચ્ચેના સંબંધો અને આગામી મુલાકાતને લઈને અનેક મોટા ખુલાસા સામે આવ્યા છે.

ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેના સંબંધો અને મુલાકાત

ચીનના પ્રમુખ શી જિનપિંગની આગામી અમેરિકા મુલાકાત વિશે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, 'બંને દેશો વચ્ચે સારા સંબંધો છે અને મને પૂરી આશા છે કે શી જિનપિંગ આવતા અઠવાડિયે અમેરિકા આવશે. પ્રમુખ શી સાથે અમારા સારા સંબંધ રહ્યા છે અને તેમની આ મુલાકાત ખૂબ જ સારી રહેશે. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા અલગ-અલગ મહત્ત્વપૂર્ણ કરારો અને સમજુતીઓ થવાની સંભાવના છે.' ચીન સાથેના વેપાર અંગે વાત કરતા તેમણે કહ્યું કે ચીન અમેરિકાને ભારે ટેરિફ આપી રહ્યું છે, જેના કારણે ચીનને મોટું નુકસાન થઈ રહ્યું છે અને અમેરિકા આવું કરવા માંગતુ ન હતુ.

ચીનની જાસૂસી અંગે ટ્રમ્પનું નિવેદન

ચીન દ્વારા જાસૂસી કરવાના સવાલ પર ડોનાલ્ડ ટ્રમ્પે હળવાશથી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, 'કોઈએ મને જણાવ્યું હતું કે ચીન અમેરિકાની જાસૂસી કરે છે, કદાચ ચીન આવું કરતું હશે, પરંતુ અમેરિકા પણ તેમની જાસૂસી કરે છે.'

એરપોર્ટ પર સ્વાગત અને ભવ્ય સ્ટેટ ડિનરનું આયોજન

મીડિયા રિપોર્ટ મુજબ, એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ શુક્રવારે માહિતી આપી હતી કે પ્રમુખ ટ્રમ્પ આવતા અઠવાડિયે વૉશિંગ્ટન ડીસીની બહાર આવેલા 'જૉઇન્ટ બેઝ એન્ડ્રૂઝ' ખાતે પહોંચતી વખતે શી જિનપિંગનું એરપોર્ટ પર જાતે સ્વાગત કરવાની યોજના બનાવી રહ્યા છે. સામાન્ય રીતે કોઈ વિદેશી નેતાનું એરપોર્ટ પર અમેરિકન પ્રમુખ દ્વારા સ્વાગત કરવું ખૂબ જ દુર્લભ બાબત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ યાત્રા દરમિયાન વ્હાઇટ હાઉસની અંદર સ્વાગત સમારોહ, રોઝ ગાર્ડનમાં સૈન્ય સમીક્ષા અને સાંજના સમયે સ્ટેટ ડિનરનું ભવ્ય આયોજન કરવામાં આવશે.

ટેક્નોલોજી ક્ષેત્રના દિગ્ગજો હાજરી આપશે અને મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા

આ સ્ટેટ ડિનરમાં વિશ્વભરની અગ્રણી ટેક્નોલોજી કંપનીઓના સીઇઓ (CEO) પણ સામેલ થશે. જેમાં એમેઝોનના જેફ બેઝોસ, આલ્ફાબેટના સુંદર પિચાઈ, ઓપનએઆઈના સૅમ આલ્ટમેન, એપલના ટિમ કુક, ટેસ્લાના ઈલોન મસ્ક, એનવીડિયાના જેન્સન હુઆંગ અને ડેલ ટેક્નોલોજીસના માઈકલ ડેલ જેવા દિગ્ગજો સામેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય વેપાર, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં રેર અર્થ (દુર્લભ ખનિજ)નો પૂરવઠો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થવાની અપેક્ષા છે.