World

Explainer: સાઉદી પર હુથીઓના મિસાઇલ હુમલાથી હાહાકાર, જાણો કોણ છે રિયાધ સુધી હુમલા કરનારા આ લડવૈયા

By GS Team
13 Oct 20264 mins read
TukuTouch Logo
મધ્ય-પૂર્વમાં સાઉદી અરેબિયા અને યમનના હુથી વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધે ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું છે. હુથીઓએ સાઉદીના કિંગ ખાલિદ સહિત અન્ય એરપોર્ટ પર મિસાઇલ હુમલા કર્યા છે, જેમાં 13 લોકોના મોત થયા છે. આ ઉપરાંત, રાતા સમુદ્રમાંથી પસાર થતા વૈશ્વિક વેપારી જહાજોને પણ નિશાન બનાવાઈ રહ્યા છે. ઈરાનના સમર્થનથી હુથીઓ યમનના 30% વિસ્તાર પર નિયંત્રણ ધરાવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: સાઉદી પર હુથીઓના મિસાઇલ હુમલાથી હાહાકાર, જાણો કોણ છે રિયાધ સુધી હુમલા કરનારા આ લડવૈયા

Saudi and Houthi Conflict: દુનિયાના નકશામાં દેખાતો મધ્ય-પૂર્વ એટલે કે મિડલ ઈસ્ટ વિસ્તાર હંમેશાંથી સંઘર્ષોનું કેન્દ્ર રહ્યો છે. હવે અહીં સાઉદી અરેબિયા અને યમનના હુથી વિદ્રોહીઓ વચ્ચેની દુશ્મનાવટ અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. એક તરફ દુનિયાનું સૌથી મોટું ક્રૂડ ઓઇલ ઉત્પાદક સાઉદી અરેબિયા છે, તો બીજી તરફ પહાડોમાંથી ગેરીલા યુદ્ધ લડવામાં માહેર હુથી લડવૈયા છે. હુથીઓએ માત્ર સાઉદીના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર જ નહીં, પરંતુ રાતા સમુદ્ર (Red Sea)માંથી પસાર થતા વૈશ્વિક વેપારી જહાજો પર પણ હુમલા વધારી દીધા છે. આ કારણસર દુનિયાભરના ક્રૂડ ઓઇલ માર્કેટ અને દરિયાઈ વેપારમાં ખળભળાટ મચી ગયો છે.
ચાલો સમજીએ કે આ હુથીઓ આખરે કોણ છે, તેમની પાસે કેટલી તાકાત છે અને તેઓ સાઉદી પર કેમ મિસાઇલો વરસાવી રહ્યા છે.

હુથીઓ કોણ છે અને તેમનો ઉદ્ભવ કેવી રીતે થયો?

હુથી એ યમનનું એક રાજકીય, સૈન્ય અને ધાર્મિક સંગઠન છે, જેઓ સત્તાવાર રીતે પોતાને 'અંસાર અલ્લાહ' (ઈશ્વરના રક્ષકો) તરીકે ઓળખાવે છે.

  • ઝૈદી ચળવળ: 1990ના દાયકામાં ઉત્તર યમનમાં શિયા મુસ્લિમોના 'ઝૈદી' સંપ્રદાયના લોકોએ તેમના અધિકારો માટે ચળવળ શરૂ કરી હતી. તેના સ્થાપક નેતા હુસૈન બદરુદ્દીન હુથી હતા, જેમના નામ પરથી આ જૂથ 'હુથી' તરીકે ઓળખાયું.
  • સત્તા પર કબજો: એક સમયે યમન પર ઝૈદી સંપ્રદાયનું શાસન હતું, પરંતુ પાછળથી તેમને હાંસિયામાં ધકેલીને આર્થિક રીતે બરબાદ કરી દેવાયા. વર્ષ 2011ની 'આરબ સ્પ્રિંગ' ક્રાંતિ દરમિયાન રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહને હટાવાયા, ત્યારે હુથીઓએ તક ઝડપી લીધી.
  • સાના પર કંટ્રોલ: વર્ષ 2014માં હુથીઓએ યમનની રાજધાની સાના પર કબજો કરી લીધો, જેના કારણે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત યમન સરકારને દક્ષિણના 'એડન' શહેરમાં ભાગવાની ફરજ પડી.

સાઉદી અને હુથીઓ વચ્ચે ખટરાગનું મૂળ કારણ

સાઉદી 'સુન્ની' બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે ઈરાન 'શિયા' બહુમતી ધરાવે છે. મધ્ય-પૂર્વમાં વર્ચસ્વ સ્થાપવા બંને દેશો વચ્ચે દાયકાઓથી સ્પર્ધા ચાલે છે. હુથીઓ પણ શિયા (ઝૈદી) હોવાથી તેમને ઈરાનનો સીધો ટેકો છે.

  1. ઈરાનનો ડર: હુથીઓએ સાના પર કબજો કર્યો, ત્યારે સાઉદી અરેબિયાને ડર લાગ્યો કે તેની સરહદ પર ઈરાનનો પ્રભાવ વધી જશે.
  2. 2015નું સૈન્ય અભિયાન: હુથીઓને ખતમ કરવા સાઉદીએ 2015થી હવાઈ હુમલા શરૂ કર્યા. પરિણામે યમનમાં ભયાનક ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું અને દુનિયાની સૌથી મોટી માનવીય કટોકટી સર્જાઈ.
  3. અસફળ શાંતિ પ્રયાસો: વર્ષોની લડાઈ છતાં હુથીઓ ઝૂક્યા નહીં. વર્ષ 2022માં સંયુક્ત રાષ્ટ્રો (UN) દ્વારા કરાવાયેલો યુદ્ધવિરામ પણ હવે તૂટી ચૂક્યો છે.

હુથી વિદ્રોહીઓ પાસે કેટલી તાકાત છે?

દુર્ગમ પહાડી અને રણ વિસ્તારોમાં છુપાઈને ગેરીલા વોર લડતા હુથીઓને હરાવવા અત્યંત મુશ્કેલ છે.

  • લશ્કરી બળ: તેમની પાસે 1,80,000થી 2,00,000 જેટલા સશસ્ત્ર લડવૈયા છે. તેઓ યમનના 30% વિસ્તાર પર કંટ્રોલ ધરાવે છે, જ્યાં દેશની 70% વસ્તી રહે છે.
  • ઘાતક શસ્ત્રાગાર: હુથીઓ પાસે ટેન્ક, અત્યાધુનિક ડ્રોન અને હાઇપરસોનિક મિસાઇલ તેમજ 'તુફાન', 'બુરકાન' તથા 'બદર' જેવી બેલિસ્ટિક મિસાઇલો છે. આ મિસાઇલો 2000 કિ.મી. દૂર આવેલા ઈઝરાયલ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
  • ઈરાનનું પીઠબળ: સાઉદી અને અમેરિકાનો આરોપ છે કે ઈરાન આ તમામ શસ્ત્રો અને આર્થિક ભંડોળ પૂરું પાડે છે. જો કે, હુથીઓનો દાવો છે કે, તેઓ પોતાના શસ્ત્રો જાતે બનાવે છે.

યમન 'બાબ અલ-મંદેબ' સામુદ્રધુની પાસે આવેલું છે, જ્યાંથી વિશ્વનો 10થી 12% દરિયાઈ વેપાર થાય છે.

રાતા સમુદ્ર પર ખતરો: વૈશ્વિક વેપાર અને ક્રૂડ માર્કેટ ડામાડોળ

યમન 'બાબ અલ-મંદેબ' સામુદ્રધુની પાસે આવેલું છે, જ્યાંથી વિશ્વનો 10થી 12% દરિયાઈ વેપાર થાય છે.

  • ગાઝા સમર્થનમાં હુમલા: નવેમ્બર 2023થી પેલેસ્ટિનિયનોના સમર્થનમાં હુથીઓએ વેપારી જહાજો પર હુમલા શરૂ કર્યા હતા. તાજેતરમાં તેમણે પેરિમ ટાપુ અને મોચા બંદર પર પણ કબજો કરી લીધો છે.
  • મોંઘા દરિયાઈ માર્ગો: હુમલાના ડરે યુરોપ-એશિયા જતા માલવાહક જહાજોને આફ્રિકા ફરીને લાંબો અને અત્યંત મોંઘો રસ્તો લેવો પડે છે.
  • ઓઇલ સંકટ: વિશ્વનું 11% ઓઇલ ઉત્પન્ન કરતા સાઉદી અરેબિયાની નિકાસ પર આની સીધી માઠાં અસરો પડી છે.

હાલમાં સાઉદી ઍરપૉર્ટ પર ઘાતક હુમલા

આ દરમિયાન 6થી 12 ઑક્ટોબરે હુથીઓએ સાઉદી પર સીધા પ્રહારો તેજ કર્યા છે. 1000 કિ.મી.થી વધુ અંતર કાપીને આવતી મિસાઇલોને રોકવામાં સાઉદીની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ પણ નિષ્ફળ રહી છે.

  • કિંગ ખાલિદ ઍરપૉર્ટ પર હુમલો: રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના ટર્મિનલ 3 અને 4 પર થયેલા મિસાઇલ હુમલામાં 13 લોકોના મોત થયા છે, જેમાં ભારતીય, પાકિસ્તાની, અમેરિકન અને બાંગ્લાદેશી નાગરિકો સામેલ છે.
  • અન્ય એરબેઝ લક્ષ્ય પર: ખામિસ મુશૈતમાં કિંગ ખાલિદ એર બેઝ અને દમ્મામમાં કિંગ ફહદ ઍરપૉર્ટ પર પણ ડ્રોન-મિસાઇલ એટેક કરાયા છે.
  • WPC એનર્જી કોંગ્રેસ: આ હુમલા રિયાધમાં યોજાયેલી 'WPC Energy Congress'થી માત્ર 10 કિ.મી. દૂર થયા હતા. સાઉદીના ઊર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને આનો ‘કઠોર’ જવાબ આપવાની પ્રતિજ્ઞા લીધી છે.

નાકાબંધીના બદલામાં નાકાબંધીની હુથીઓની ચીમકી

હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સારેઆએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સાઉદી દ્વારા યમન પર કરાયેલા 124 હવાઈ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરાઈ છે. તેમણે 'નાકાબંધીના બદલામાં નાકાબંધી'ની નીતિ જાહેર કરી તમામ એરલાઇન્સને સાઉદી ઍરપૉર્ટનો ઉપયોગ નહીં કરવાની ધમકી આપી છે. સામે પક્ષે, યમન સરકારે પણ પોતાના વિસ્તારો પાછા મેળવવા હુમલા શરૂ કરી દીધા છે.

નોંધનીય છે કે, યમનનું આ યુદ્ધ હવે બે દેશો વચ્ચે સીમિત ન રહેતા વૈશ્વિક આર્થિક અને ઊર્જા સુરક્ષા માટે ખતરો બની ગયું છે. જો આ યુદ્ધનો સમયસર ઉકેલ નહીં આવે, તો આખી દુનિયાએ મોંઘવારી અને ઓઇલ સંકટનો સામનો કરવો પડશે.