World

ભારત અમારો વિશ્વાસુ પાડોશી, મુશ્કેલ સમયમાં હંમેશા પહેલા મદદે આવ્યું: નેપાળના PM બાલેન્દ્ર શાહ

By GS Team
23 Nov 20262 mins read
TukuTouch Logo
નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે ભારતનો આભાર માન્યો. તેમણે ભારતને 'ભરોસાપાત્ર અને વિશ્વાસુ' પાડોશી ગણાવ્યું. શાહે જણાવ્યું કે મુશ્કેલ સમયમાં ભારત હંમેશા મદદ માટે આગળ આવ્યું છે. દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા વાતચીત થઈ અને અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરાયું. શાહે પીએમ મોદીને નેપાળ આવવા આમંત્રણ આપ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત અમારો વિશ્વાસુ પાડોશી, મુશ્કેલ સમયમાં હંમેશા પહેલા મદદે આવ્યું: નેપાળના PM બાલેન્દ્ર શાહ
IMAGE - IANS

Nepal PM Balendra Shah: નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત અને પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ નેપાળના વડાપ્રધાન બાલેન્દ્ર શાહે ભારતનો આભાર માન્યો છે. તેમણે ભારતને 'ભરોસાપાત્ર અને વિશ્વાસુ' પાડોશી ગણાવતા કહ્યું કે, 'મુશ્કેલ સમય અને કુદરતી આફતોમાં ભારત હંમેશા સૌથી પહેલા મદદ માટે આગળ આવ્યું છે.' સંયુક્ત મીડિયા નિવેદન દરમિયાન તેમણે બંને દેશોના સંબંધોનો પાયો પરસ્પર સન્માન, વિશ્વાસ અને સદ્ભાવના હોવાનું જણાવતા પીએમ મોદીના આમંત્રણ અને ઉષ્માભરી આગતા-સ્વાગતા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

દ્વિપક્ષીય સંબંધો અને વિકાસ ભાગીદારી પર ભાર

બાલેન્દ્ર શાહે જણાવ્યું કે, 'બંને દેશો વચ્ચે સદીઓ જૂના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે વાતચીત થઈ છે. આ ચર્ચા ખુલ્લા મને, અર્થપૂર્ણ અને ભવિષ્યલક્ષી રહી હતી, જેમાં સહયોગના વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ સમજૂતી થઈ છે તથા મુખ્ય માળખાકીય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરાયો છે. આ સમજૂતી અને પ્રોજેક્ટ્સના પરિણામો ખેડૂતોની સમૃદ્ધિ, યુવાનો માટે રોજગાર અને તકો, વિદ્યાર્થીઓના સપના તેમજ ઉદ્યોગસાહસિકો માટે નવા બજારો અને રોકાણના માર્ગ ખોલનારા હોવા જોઈએ.'

રામ-જાનકી યુગના સંબંધો અને ક્લાઈમેટ ચેન્જનો ઉલ્લેખ

નેપાળના વડાપ્રધાને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સભ્યતાગત સંબંધોને ભગવાન રામ અને માતા જાનકીના પવિત્ર યુગ સાથે જોડ્યા હતા. તેમણે કહ્યું કે, 'હિમાલયમાંથી નીકળીને ગંગામાં ભળતી સ્વચ્છ નદીઓ આપણા ભવિષ્યની યાદ અપાવે છે અને ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા સામૂહિક પગલાં લેવાની જરૂરિયાત દર્શાવે છે.'

રેલ કનેક્ટિવિટીનું ઉદ્ઘાટન અને પીએમ મોદીને આમંત્રણ

સોમવારે રેલ કનેક્ટિવિટીના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કરતાં બાલેન્દ્ર શાહે જણાવ્યું કે આ પગલું દ્વિપક્ષીય સંબંધોને વધુ જીવંત બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ છે. તેમણે ઐતિહાસિક સંબંધોને પરસ્પર વિશ્વાસ, સહયોગ અને સહિયારી સમૃદ્ધિ આધારિત વિકાસ ભાગીદારીમાં બદલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અંતમાં, તેમણે નેપાળના તમામ નાગરિકો વતી પીએમ મોદીને નેપાળ આવવાનું આમંત્રણ આપ્યું અને બંને દેશો વચ્ચેની મિત્રતા તથા સમૃદ્ધિ સતત વધતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.