ભારતીય મૂળના નાવી પિલ્લઈને શાંતિનો નોબેલ પુરસ્કાર, શાંતિ અને આંતરરાષ્ટ્રીય કાયદાને પ્રોત્સાહિત કરવા બદલ મળ્યું સન્માન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Navanethem 'Navi' Pillay: નોર્વેજીયન નોબેલ સમિતિ દ્વારા વર્ષ 2026નો પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કાર ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકી ન્યાયાધીશ નવનીતમ 'નાવી' પિલ્લઈને (Navanethem “Navi” Pillay) આંતરરાષ્ટ્રીય કાયદાને મજબૂત કરવા અને શાંતિના પ્રચાર માટે તેમના અમૂલ્ય પ્રદાન બદલ એનાયત કરવામાં આવ્યો છે. સાહિત્ય, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને તબીબી ક્ષેત્ર બાદ આ વર્ષનો પાંચમો નોબેલ પુરસ્કાર શાંતિ ક્ષેત્ર માટે જાહેર કરવામાં આવ્યો છે. ગત વર્ષે (2025માં) આ પુરસ્કાર વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને મળ્યો હતો.
દક્ષિણ આફ્રિકાના સંઘર્ષથી લઈને આંતરરાષ્ટ્રીય અદાલત સુધીની પ્રેરણાદાયી સફર
દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં રંગભેદ (અપાર્થાઇડ) નીતિના સમયગાળા દરમિયાન ભારતીય તમિલ મૂળના પરિવારમાં જન્મેલા નાવી પિલ્લઈએ એક વકીલ અને કાનૂની અગ્રેસર તરીકે માળખાકીય ભેદભાવ, સામાજિક અસમાનતા અને બહિષ્કાર સામે મજબૂતાઈથી લડત આપી હતી. રંગભેદ સામે અવાજ ઉઠાવનાર નેલ્સન મંડેલા અને અન્ય સાથીઓનો બચાવ કરવાની તેમની શરૂઆતની કામગીરીથી લઈને આજના સમયની મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કોર્ટના કેસોમાં જજ તરીકે સેવા આપવા સુધીની સફર ખૂબ જ પ્રેરણાદાયી રહી છે.
નોબેલ સમિતિના સત્તાવાર નિવેદન અનુસાર, તેમણે રંગભેદ વિરોધી કાર્યકરોનો બચાવ કર્યો હતો અને 1967માં પોતાની લો ફર્મની સ્થાપના કરી હતી. ત્યારબાદ તેમણે 1988માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી 'ડૉક્ટર ઓફ જ્યુડિશિયલ સાઈન્સ'ની ડિગ્રી મેળવી અને 1995માં દક્ષિણ આફ્રિકાની હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થઈને ઈતિહાસ રચ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યાયિક સંસ્થાઓમાં નવનીતમ 'નાવી' પિલ્લઈ સફર અવિરત રહી.
- તેઓએ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના જજ તરીકે સેવાઓ આપી.
- વર્ષ 2008થી 2014 દરમિયાન તેઓ સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર હાઈ કમિશનર રહ્યા.
- 2019માં મ્યાનમાર સામેના નરસંહારના આરોપોની કાર્યવાહીમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં તેમની એડહોક જજ તરીકે નિમણૂક કરાઈ હતી.
- વર્ષ 2021થી 2025 દરમિયાન તેમણે ઓક્યુપાઈડ પેલેસ્ટિનિયન ટેરેટરી પર બનેલા UN ઈન્ડિપેન્ડન્ટ ઈન્ટરનેશનલ કમિશન ઓફ ઈન્ક્વાયરીના અધ્યક્ષ તરીકે મહત્ત્વની જવાબદારી સંભાળી હતી.
10 ડિસેમ્બરે ઓસ્લોમાં એનાયત થશે પુરસ્કાર
આ નોબેલ શાંતિ પુરસ્કાર અંતર્ગત 12 મિલિયન સ્વીડિશ ક્રાઉનની ઈનામી રકમ આપવામાં આવશે. આ સન્માન સ્વીડિશ ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબેલની પુણ્યતિથિ નિમિત્તે 10 ડિસેમ્બરના રોજ નોર્વેના ઓસ્લો ખાતે ઔપચારિક રીતે અર્પણ કરવામાં આવશે.




