UNમાં નેતન્યાહૂના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ, પોલીસ સાથે અથડામણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Benjamin Netanyahu UNGA speech: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂના સંબોધન દરમિયાન ન્યુયોર્ક શહેરમાં ભારે હોબાળો થયો હતો. નેતન્યાહૂના ભાષણ સમયે જ ગાઝા યુદ્ધ અને નીતિઓ સામે વિરોધ પ્રદર્શિત કરવા માટે રસ્તાઓ પર ઉતરેલા જાણીતા ચહેરાઓ અને પ્રદર્શનકારીઓ પર પોલીસે સકંજો કસ્યો હતો. આ દરમિયાન જાણીતી હોલિવૂડ અભિનેત્રી સુસાન સરંડન અને 'હેક્સ' સિરીઝની અભિનેત્રી હન્ના આઇબાઇન્ડર સહિતના પ્રદર્શનકારીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
'સ્ટોપ આર્મિંગ ઈઝરાયલ'ના બેનરો સાથે રસ્તા પર ધરણાં
યહૂદી શાંતિ સંગઠન 'જૂઇશ વૉઇસ ફોર પીસ' દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ હાથમાં 'સ્ટોપ આર્મિંગ ઈઝરાયલ' અને 'એન્ડ ધ જેનોસાઇડ' જેવા સૂત્રો લખેલા બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર ઉગ્ર દેખાવો કર્યા હતા અને ધરણાં પર બેઠા હતા. તેમજ પ્રખ્યાત ફિલ્મ 'થેલમા એન્ડ લુઇસ' ફેમ અભિનેત્રી સુસાન સરંડનને પોલીસ હાથકડી પહેરાવતી જોવા મળી હતી, જ્યારે ન્યુયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ હન્ના આઇબાઇન્ડરને પણ પોલીસે સ્થળ પરથી હટાવીને કસ્ટડીમાં લીધી હતી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની અંદર પણ ભારે વિરોધ અને વૉકઆઉટ
એક તરફ ન્યુયોર્કના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રની અંદર પણ નેતન્યાહૂના આગમન અને ભાષણ વખતે દુનિયાભરના દેશોના દર્શનો પ્રતિનિધિઓ સભાસ્થળ છોડીને વૉકઆઉટ કરી ગયા હતા. પોતાના ભાષણ દરમિયાન નેતન્યાહૂએ બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો પર આકરા પ્રહાર કર્યા હતા, જેમણે તાજેતરમાં જ પેલેસ્ટાઈન દેશને માન્યતા આપી છે. તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, આ દેશો નાના એવા ઈઝરાયલ પર સંસ્થાનવાદ (કોલોનિયાલિઝમ)નો આરોપ લગાવે છે, પરંતુ વાસ્તવમાં આ શબ્દની રચના કરનારાઓ જ બ્રિટન અને ફ્રાન્સના લોકો છે.
અગાઉ પણ વિરોધ પ્રદર્શનોમાં સામેલ રહી ચૂકી છે સુસાન સરંડન
સુસાન સરંડન ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ અને સંઘર્ષને લઈને અગાઉ પણ અનેક વખત જાહેરમાં વિરોધ પ્રદર્શનોમાં સક્રિયપણે ભાગ લેતી રહી છે. પોતાના બેબાક વિચારો અને રાજકીય મુદ્દાઓ પર સ્પષ્ટ મત રાખવા માટે જાણીતી આ અભિનેત્રીએ તાજેતરમાં જ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન નિવેદન આપ્યું હતું કે પોતાના ખુલ્લા વિચારો અને અભિપ્રાયો વ્યક્ત કરવાના કારણે તેમને પોતાના કરિયરમાં કામ ગુમાવવાનો વારો આવ્યો છે.




