World

'નેતન્યાહુએ જ ફ્લાયદુબઈ વિમાન હાઈજેકનું કાવતરું ઘડ્યું...', ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો આરોપ

By GS Team
2 Oct 20262 mins read
TukuTouch Logo
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાની મીડિયાએ મોટો દાવો કર્યો છે. ઈઝરાયલ જતી ફ્લાયદુબઈ ફ્લાઈટમાં ઓમાની કો-પાઈલટે ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર ચપ્પુથી હુમલો કર્યો હતો. 182 યાત્રીઓ સાથેનું વિમાન 17,000 ફૂટ નીચે આવ્યું હતું. ઈરાની મીડિયા મુજબ, આ નેતન્યાહૂ અને UAEના રાષ્ટ્રપતિનું ષડયંત્ર હોઈ શકે છે. અમેરિકા આ મામલે ઈરાનની ભૂમિકાની તપાસ કરી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'નેતન્યાહુએ જ ફ્લાયદુબઈ વિમાન હાઈજેકનું કાવતરું ઘડ્યું...', ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો આરોપ
IMAGE - IANS

Flydubai Cockpit Incident: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાની મીડિયા દ્વારા એક મોટો દાવો રજૂ કરવામાં આવ્યો છે. ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, ઈઝરાયલ તરફ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં બનેલી ઘટના પાછળ ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહુ અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહિયાનની કોઈ પૂર્વ-આયોજિત સાજીશ હોવાની શક્યતા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કથિત ષડયંત્રનો મુખ્ય હેતુ 7 ઓક્ટોબરના હમાસ હુમલાને લઈને વધી રહેલા સવાલોથી લોકોનું ધ્યાન ભટકાવવાનો, 27 ઓક્ટોબરની ઈઝરાયલી ચૂંટણી પહેલા નેતન્યાહૂની રાજકીય સ્થિતિ મજબૂત કરવાનો તેમજ ઈરાન સામે નવા સંઘર્ષનું બહાનું ઊભું કરવાનો હોઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી અને તપાસ

આ આરોપ એવા સમયે સામે આવ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, 'જો ફ્લાયદુબઈ વિમાનના કો-પાયલટ અને ઈરાન વચ્ચે કોઈ જોડાણ સામે આવશે, તો ઈરાન વિરુદ્ધ ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે. અમેરિકા આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે અને પ્રાથમિક માહિતી મુજબ તેમાં ઈરાનની ભૂમિકા હોઈ શકે છે.' જોકે તેમણે આ વિશે કોઈ વિગતવાર ખુલાસો કર્યો નથી.

શું હતી ફ્લાયદુબઈ વિમાનની ઘટના?

UAEથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં એક ઓમાની કો-પાઈલટે કથિત રીતે કેપ્ટન પર ચપ્પુથી હુમલો કર્યો હતો, જેના કારણે વિમાન ઝડપથી નીચે આવવા લાગ્યું હતું. વિમાનમાં સવાર મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બરોએ કોકપીટમાં પહોંચીને કો-પાઈલટને કાબૂમાં લીધો હતો અને વિમાનને સંભાળ્યું હતું. આ વિમાનમાં 182 લોકો સવાર હતા, જેમાં મોટાભાગના ઈઝરાયલી નાગરિકો હતા. આ હુમલામાં ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પણ ઘાયલ થયા હતા અને બાદમાં અબુ ધાબીમાં તેમની સારવાર કરવામાં આવી હતી. વિમાને સાઉદી અરેબિયાના તબુક શહેરમાં સુરક્ષિત રીતે ઈમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

કોકપીટમાંથી મોકલવામાં આવ્યા હતા ઈમરજન્સી કોડ

ફ્લાઇટ રડારના ડેટા અનુસાર, વિમાનના કોકપીટમાંથી બે ઈમરજન્સી કોડ મોકલવામાં આવ્યા હતા. પહેલો કોડ 7700 મોકલવામાં આવ્યો હતો જે સામાન્ય કટોકટી સિગ્નલ છે અને ત્યારબાદ 7500 કોડ મોકલવામાં આવ્યો હતો જે વિમાનમાં ગેરકાયદે દખલ કે હાઈજેકિંગની સંભાવના દર્શાવે છે. અહેવાલો મુજબ, વિમાન 33 હજાર ફૂટની ઉંચાઈથી માત્ર એક જ મિનિટમાં આશરે 17 હજાર ફૂટ સુધી નીચે આવી ગયું હતું.

આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ શરૂ

આ મામલે ઈઝરાયલી ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓ સાઉદી અરેબિયામાં ચાલી રહેલી તપાસમાં મદદ કરી રહ્યા છે અને ઈઝરાયલે કો-પાઈલટને પૂછપરછ માટે પોતાના દેશમાં મોકલવાની માંગ પણ કરી છે. બીજી તરફ, UAEએ પણ પોતાની તપાસ શરૂ કરી દીધી છે કે આ હુમલા પાછળ કોઈ આતંકવાદી હેતુ હતો કે નહીં. વડાપ્રધાન નેતન્યાહૂએ દાવો કર્યો છે કે ઓમાની કો-પાઈલટ ઇસ્લામિક કટ્ટરવાદી વિચારધારાથી પ્રભાવિત હતો, જોકે આ મામલે ઈરાનની ભૂમિકા વિશે હાલ કંઈપણ કહેવું વહેલું ગણાશે.