જિબૂતીથી યમન જતી બોટ પલટી જતાં 15 બાળકો સહિત 139 શરણાર્થીઓના મોતથી હડકંપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Djibouti Boat Accident: સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, જિબૂતી નજીક દરિયામાં એક અત્યંત દુઃખદ અકસ્માત સર્જાયો છે. 300થી વધુ માઇગ્રન્ટ્સને લઈને જઈ રહેલી એક બોટ જિબૂતીના ઓબોક શહેરની ઉત્તરે આવેલા ગુહેરે વિસ્તાર નજીક અકસ્માતનો ભોગ બનીને દરિયામાં ડૂબી ગઈ હતી. આ હોનારતમાં 15 બાળકો સહિત ઓછામાં ઓછા 139 માઇગ્રન્ટ્સના કરુણ મોત નીપજ્યા છે.
8-9 ઓક્ટોબરની રાત્રે સર્જાયો અકસ્માત: સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
IOMના અહેવાલ મુજબ, આ બોટમાં કુલ 305 લોકો સવાર હતા અને આ અકસ્માત 8 અને 9 ઓક્ટોબરની મધ્યરાત્રિએ થયો હતો. ઘટના બની તે બાદ ચલાવવામાં આવેલા બચાવ અભિયાનમાં અત્યાર સુધીમાં આશરે 82 લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવાયા છે, જ્યારે 84 જેટલા લોકો હજુ પણ લાપતા છે. સ્થાનિક સત્તાધીશો અને રાહત ટીમો દ્વારા દરિયામાં લાપતા લોકોની શોધખોળ માટે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સ્થાનિક તંત્ર દ્વારા ઈમરજન્સી મેડિકલ સહાય અને અંતિમ સંસ્કારની વ્યવસ્થા
જિબૂતીમાં IOMના મિશન ચીફ એલેક્ઝાન્ડ્રે કોઇસેકે જણાવ્યું હતું કે, અમારી ટીમો સ્થાનિક સત્તાધીશો સાથે મળીને ગ્રાઉન્ડ લેવલ પર ઈમરજન્સી મદદ પૂરી પાડી રહી છે. આ અકસ્માત દર્શાવે છે કે આર્થિક તકો અને સારા ભવિષ્યની શોધમાં આ રૂટ પરથી પસાર થતાં માઇગ્રન્ટ્સને કેટલું મોટું જોખમ ઉઠાવવું પડે છે. સ્થાનિક સત્તાધીશો જીવિત બચેલા લોકોને તબીબી સારવાર પૂરી પાડી રહ્યા છે અને મૃતકોના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરી રહ્યા છે.
ખાડી દેશોમાં પહોંચવાની ઘેલછામાં લીધો જોખમી માર્ગ
મળતી માહિતી મુજબ, આ તમામ માઇગ્રન્ટ્સ જિબૂતીથી બોટ મારફતે યમન તરફ જઈ રહ્યા હતા, જેથી તેઓ ત્યાંથી સમૃદ્ધ ગલ્ફ (ખાડી) દેશો સુધી પહોંચી શકે. એકતરફ ખુદ યમનના નાગરિકો પોતાનો દેશ છોડીને ભાગી રહ્યા છે, કારણ કે વર્ષ 2022ના યુએન-મધ્યસ્થતા વાળા યુદ્ધવિરામ બાદ પણ ત્યાં સાઉદી અરેબિયા સમર્થિત સરકારી દળો અને ઈરાન સમર્થિત હૂથી બળવાખોરો વચ્ચેની લડાઈ અત્યંત ગંભીર સ્તરે પહોંચી ગઈ છે. છતાં પણ અન્ય દેશોના લોકો સારો રોજગાર મેળવવાની આશામાં પોતાના જીવના જોખમે આ ક્રોસિંગ કરી રહ્યા છે.




