કાઠમંડુ,૨૭ ડિસેમ્બર,૨૦૨૬,શુક્રવાર
નેપાળમાં જેન-ઝી આંદોલન પછી સત્તાપલટો થયા પછી યોજાયેલી ચુંટણીમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી)ના બાલેન્દ્ર શાહ વડાપ્રધાન બન્યા છે. ૩૫ વર્ષના બાલેન્દ્ર શાહ નેપાળના સૌથી યુવા વડાપ્રધાન છે જેમને ૨૭ માર્ચના રોજ રાજકિય મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં પીએમ પદના શપથ લીધા હતા. કાળા ચશ્મા અને કાળી ટોપી બાલેન્દ્ર શાહની ઓળખ બની ગઇ છે. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર બાલેન્દ્ર શાહ શપથ સમારોહમાં હિંદુ માન્યતાઓને ખૂબ મહત્વ આપે છે આથી જ તો રામનવમીના દિવસે ૧૨.૩૪ મિનિટે પદના શપથ લીધા હતા. આ જયોતિષી ગણના મુજબ શુભ માનવામાં આવે છે.
શપથગ્રહણ દરમિયાન શંખ પણ વગાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હિંદુ પુજારીઓ અને બૌધ્ધ લામાઓ અને ધાર્મિક મંત્રોનો પણ ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. નેપાળમાં ૫ માર્ચના રોજ સંસદીય ચુંટણીનું મતદાન થયું હતું. આરએસપીના બાલેન્દ્ર શાહને નેતૃત્વમાં ૨૭૫માંથી ૧૮૨ બેઠકો પર વિજય મેળવીને બહુમતિ મેળવી હતી. નેપાળની આ ઐતિહાસિક ચુંટણીની ખાસિયત હતી કે જુના અને જાણીતા રાજકિય પક્ષો અને મહાનુભાવોનો પરાજય થયો હતો. બાલેન્દ્ર શાહે ખુદ ઝાપા સીટ -૫ પર ઉમેદવારી નોંધાવીને પૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને હરાવ્યા હતા. ઓલીના કાર્યકાળમાં જ ગત વર્ષ નેપાળમાં ભ્રષ્ટ્રાચાર અને બેરોજગારીના વિરોધમાં આંદોલન થયું હતું. નેપાળમાં ૧૯૯૦થી અત્યાર સુધીમાં ૩૦ કરતા વધુ સરકારો બની છે જેમાંથી કોઇ પણ સરકાર પોતાના કાર્યકાળનો પુરો કરી શકી નથી.


