બલૂચો પર અત્યાચાર ! 121 હત્યા, 785 લોકો ગુમ... માનવાધિકાર સંગઠને જાહેર કર્યો 2025નો રિપોર્ટ
Balochistan : પાકિસ્તાન સ્થિત બલૂચ રાષ્ટ્રીય આંદોલનના માનવાધિકાર વિભાગ ‘પાંક’ દ્વારા તાજેતરમાં બલૂચિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન અંગેના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટમાં પાકિસ્તાની સુરક્ષા દળો અને રાજ્ય-સમર્થિત ‘ડેથ સ્ક્વોડ’ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં સુરક્ષા દળો અને ડેથ સ્કવોડે બલુચિસ્તાનમાં બળજબરીથી 785 લોકોને ગુમ અને 121 લોકોની હત્યા કરી દીધી છે.
785 વ્યક્તિઓને ગુમ કરાયા
બલૂચિસ્તાનમાં માનવાધિકારની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. રિપોર્ટ મુજબ, વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં 785 વ્યક્તિઓને બળજબરીપૂર્વક ગુમ કરવામાં આવી છે. આમાં વિદ્યાર્થીઓ, પત્રકારો અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓનો સમાવેશ થાય છે. આમાંથી ઘણાને કરાચી અને ઇસ્લામાબાદ જેવા મોટા શહેરોમાંથી પણ અપહરણ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ....તો ભારતમાં ઈન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો ગૂગલ, જિયો અને એરટેલને કઈ વાતનો ડર પેઠો
બલૂચો પર અત્યાચાર પાછળ પાકિસ્તાની સેના પણ જવાબદાર
આ જ સમયગાળામાં 121 વ્યક્તિઓની ન્યાયિક પ્રક્રિયા વિના હત્યા કરવામાં આવી છે. આમાંના ઘણા લોકો એવા છે જેમને પહેલા બળજબરીપૂર્વક ગુમ કરવામાં આવ્યા હતા અને પછી તેમના મૃતદેહો મળી આવ્યા હતા. રિપોર્ટ મુજબ, આ કૃત્યો પાકિસ્તાની સેના, ફ્રન્ટિયર કોર્પ્સ, કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય-સમર્થિત 'ડેથ સ્ક્વોડ' દ્વારા કરવામાં આવ્યા છે.
સંગઠનોએ આંતરરાષ્ટ્રીય તપાસ કરવાની માંગ કરી
યુએન (UN) ના માનવાધિકાર નિષ્ણાતોએ પાકિસ્તાનને બલૂચ માનવાધિકાર કાર્યકરો સામેની કાર્યવાહી બંધ કરવા અને ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવા વિનંતી કરી છે. જુલાઈ 2025માં બલૂચ યાકજેહતી સમિતિએ દાવો કર્યો હતો કે, ડીલ જાન બલૂચને કેચ જિલ્લામાંથી ગુમ કરવામાં આવ્યા બાદ ડેથ સ્ક્વોડ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી. ડિસેમ્બર 2024માં ગુમ થયેલા ઇનાયત ખૈર મોહમ્મદની પણ જુલાઈ 2025માં પાકિસ્તાન-સમર્થિત ડેથ સ્ક્વોડ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો સતત બલૂચિસ્તાનમાં થતા અત્યાચારો પર ધ્યાન દોરી રહ્યા છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો પહલગામ હુમલાનું નવું સત્ય, ભારતને હુમલાખોરો વિરુદ્ધ પહેલીવાર મળ્યા નક્કર પુરાવા