મારો ગુજરાતી વીરો અહીં ક્યાંથી ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- વિદ્યાર્થીનું મન એક ગુર્જરીના સ્નેહભાવથી ભર્યું ભર્યું બની ગયું
- કોઈ જૂઠોં કા સૌદા કરતા બૈઠા રહા,
મૈં સચ લેકર શામ તક બૈઠા રહા. - સ્ત્રીએ સાહજિક વાણીમાં કહ્યું, 'તો જુઓ, આસપાસ આટલી બધી દુકાનો છે.
- બસ, ખાઓ-પીઓ.' વિદ્યાર્થી જયભિખ્ખુએ કહ્યું, 'ના, પણ હું તો શાકાહારી છું અને અહીંની શાકાહારી દુકાનોમાં માંસ-માછલી વેચાય છે. ત્યાં મારાથી ખાઈ શકાય નહીં.'
કેટલાંક સ્મરણો કદી ભૂંસાતા નથી. સર્જક 'જયભિખ્ખુ' એમના જીવનકાળમાં વારંવાર ભૂતકાળની સ્મૃતિઓમાં વિહાર કરતા પોતાના અનુભવોની રસલહાણ કરાવતા હતા.
એમના વિદ્યાર્થીકાળ સમયે ગ્વાલિયર પાસે આવેલી શિવપુરી સંસ્થામાં એ અભ્યાસ કરતા હતા, ત્યારે જર્મનીથી જૈન વિદ્યાઓનો અભ્યાસ કરવા આવેલા શેરલૉટ ક્રાઉઝે સાથે અનેક સ્થળોનો પ્રવાસ કર્યો. આ જર્મન વિદુષીને સહુ કોઈ 'સુભદ્રાદેવી'ને નામે ઓળખતા અને સુભદ્રાદેવી પોતાના સંશોધનને માટે લાંબા પ્રવાસો ખેડવા પડે કે પછી કેટલાય માઈલો દૂર જઈને ગ્રંથ મેળવવા પડે, તો પણ સહેજે કંટાળો અનુભવતા નહોતા.
શાકાહારી ડૉ. શેરલૉટ ક્રાઉઝે સાથે વિદ્યાર્થી જયભિખ્ખુ મૈસુર રાજ્યમાં થતી દશેરાની ભવ્ય ઉજવણીનો ઉત્સવ જોવા ગયા. સુભદ્રાદેવી આ જોઈને આઘાત પામ્યાં. એમણે પૂછપરછ કરી કે, 'એક રતલ તાર મેળવવા માટે કેટલા કીડાઓનો નાશ કરવો પડે?' ત્યારે એ ઉદ્યોગ સંભાળનારી વ્યક્તિએ ઠંડા કલેજે કહ્યું, 'એનો કોઈ ચોક્કસ આંકડો નથી. માત્ર એને માટે હજારો કીડાઓ જોઈએ.' આ પ્રદર્શન જોઈને બહાર નીકળ્યાં પછી સુભદ્રાદેવી ઊંડા વિચારમાં પડી ગયાં અને એમણે તત્કાળ જીવનભર રેશમ-ત્યાગની પ્રતિજ્ઞાા કરી. એટલું જ નહીં, પણ એમની પાસે બે મોટી બેગો ભરાય એટલાં રેશમી વસ્ત્રો હતાં, તેનો પણ કદી ઉપયોગ નહીં કરવાનો નિર્ધાર કર્યો.
વિદ્યાર્થી જયભિખ્ખુને સુભદ્રાદેવીની સંશોધનવૃત્તિ, આચારશુદ્ધિ અને સ્વીકારેલા મૂલ્યને વળગી રહેવાની ચીવટ સ્પર્શી ગયા. એક વાર સુભદ્રાદેવી ઉર્ફે શેરલૉટ ક્રાઉઝે સાથે વિદ્યાર્થી જયભિખ્ખુ જગન્નાથપુરીની યાત્રા કરી ભુવનેશ્વરનાં દર્શને ગયા. ત્યાંથી ખંડગિરિ અને ઉદયગિરિનો યાત્રાપ્રવાસ પૂરો કરી ચેન્નાઈ જવા માટે ગાડી પકડવાની હતી. બે-ત્રણ ટ્રેન પસાર થાય તેવું નાનકડું સ્ટેશન અને એની બાજુમાં સાવ નાનકડું ગામડું હતું. જર્મન વિદુષી ડૉ. ક્રાઉઝે નિરાભિષાહારી હતાં, એમણે તો ફળફળાદિ આરોગીને ભોજન પતાવી લીધું, પણ વિદ્યાર્થી જયભિખ્ખુની ફળફળાદિથી કઈ રીતે ભોજનતૃપ્તિ થાય? આથી એ આ નાનકડા ગામમાં ભોજનની ખોજમાં નીકળ્યા.
ગામની હોટલમાં તો માંસાહારી ભોજન મળતું હતું અને શાકાહારી દુકાનોમાં પણ આગળ માછલીના ઢગના ઢગ પડયા હોય. આથી આખરે કેળાં ખાઈને કકડીને લાગેલી ભૂખની આગને ઓલવવાનો વિચાર કર્યો.
એક દુકાને જઈને ભાવ પૂછ્યો, તો કેળાં વેચનારી સ્ત્રીએ વળતું પૂછ્યું કે એકાદ કેળું લેવું છે કે વધારે લેવાં છે? પણ વિદ્યાર્થી જયભિખ્ખુ એની ભાષા સમજે કઈ રીતે? કેળાં વેચનારી તો વિદ્યાર્થીને વારંવાર એ જ પ્રશ્ન પૂછવા લાગી. વિદ્યાર્થી જયભિખ્ખુ મૂંઝાયા. કરવું શું? આવી માથાકૂટ ચાલતી હતી, ત્યાં પાછળથી એક મીઠો અવાજ આવ્યો, 'ભાઈ, તમારે શું લેવાનું છે?'
જ્યાં ગુજરાતનું પંખી જોવાનું પણ દુર્લભ હતું, ત્યાં આવી મીઠી, શુદ્ધ ગુજરાતી વાણી ક્યાંથી? એક સફેદ ધોતી પહેરેલી શ્યામ વર્ણની, સુરેખવદના યુવતી હતી. વિદ્યાર્થી જયભિખ્ખુએ ઉછળતા ઉત્સાહ અને પરમ આશ્ચર્ય સાથે પૂછ્યું, 'શું તમને ગુજરાતી આવડે છે?'
એના શ્યામ મુખમાંથી શ્વેત દંતપંક્તિ વીજળીની માફક ચમકી ઊઠી અને એ હસતાં હસતાં બોલી, 'ગુજરાતી કેમ ન આવડે? હું તો ગુજરાતી છું.' યુવતીનું શ્યામ સૌંદર્ય વિલસી રહ્યું, પરંતુ વિદ્યાર્થી જયભિખ્ખુને એ સમયે શ્યામ રંગમાં સૌંદર્ય દેખાતું નહોતું. વળી એના સૌંદર્યનું વિશ્લેષણ કરે એવી એમની સ્થિતિ પણ નહોતી.
વિદ્યાર્થી જયભિખ્ખુના પ્રશ્નમાં રહેલા સંદેહને પારખીને એ યુવતીએ કહ્યું, 'તમારે શું જોઈએ છે? કેટલાં કેળાં લેવાં છે?'
ભૂખ્યા વિદ્યાર્થીએ કહ્યું, 'કેળાં તો ઠીક, પણ મારી ઇચ્છા તો ભોજન કરવાની છે.'
પેલી સ્ત્રીએ સાહજિક વાણીમાં કહ્યું, 'તો જુઓ, આસપાસ આટલી બધી દુકાનો છે. બસ, ખાઓ-પીઓ.'
વિદ્યાર્થી જયભિખ્ખુએ કહ્યું, 'ના, પણ હું તો શાકાહારી છું અને અહીંની શાકાહારી દુકાનોમાં માંસ-માછલી વેચાય છે. ત્યાં મારાથી ખાઈ શકાય નહીં.'
'ના, એવું નથી. અહીં માંસની અને મચ્છીની દુકાનો જુદી જુદી છે. મચ્છીની દુકાને માંસ ન મળે. માંસની દુકાને બંને મળે. માછલી અહીં શાકાહાર ગણાય છે.'
યુવતી ચીપી ચીપીને ગુજરાતી બોલતી હતી અને શબ્દેશબ્દથી પોતાના ગુજરાતીપણાની છાપ પર મહોર લગાવતી હતી. જાણે પોતે ગુજરાતી છે એની પાકી ખાતરી કરાવવા ચાહતી ન હોય !
વિદ્યાર્થી જયભિખ્ખુ આશ્ચર્યથી બોલી ઊઠયા, 'અરે ! માછલી શાકાહારમાં કઈ રીતે? અજાયબ દુનિયા છે આ !'
યુવતી દુકાને લઈ ગઈ. દુકાનના થડા પર એ પ્રદેશના રહેવાસી જેવો પુરુષ બેઠો હતો. દુકાનની આગળના ધૂળ-કાદવમાં એક છોકરી રમતી હતી. યુવતીએ એ પુરુષને એની ભાષામાં કહ્યું. એને સારા શબ્દો કહ્યા હશે, તેથી પેલા પુરુષે જૂનો ચાકળો કાઢીને આ વિદ્યાર્થીને બેસવા માટે આપ્યો. એ ચાકળા પર મેના-પોપટનું ગુજરાતી ભરતકામ કરેલું હતું. પુરુષને ભાંગી-તૂટી થોડી હિંદી આવડતી હતી અને તેથી એની સાથે વાતો શરૂ કરી. સારાંશમાં એટલું સમજાયું કે પુરુષનું નામ શિવલિંગમ્ હતું. એની પત્નીનું નામ હીરા અને પુત્રીનું નામ પાર્વતી હતું.
આ વિદ્યાર્થીને એ જાણવાની પ્રબળ જિજ્ઞાાસા જાગી કે આ લંકાની લાડી અને ઘોઘાનો વર, એ બંને ક્યાં અને કેવી રીતે મળ્યાં? પરંતુ શિવલિંગમ્ વિદ્યાર્થીના આ પ્રશ્નને બરાબર સમજી શક્યા નહીં. એમણે કંઈક ઉત્તર આપ્યો, તે આ વિદ્યાર્થીને સમજાયો નહીં. વિદ્યાર્થીનું રહસ્ય અકબંધ રહ્યું. થોડી વારે હીરાએ જમવા માટે બોલાવ્યા. વિદ્યાર્થી વિચારવા લાગ્યો કે સહરાના રણમાં માણસને મીઠી વીરડી લાધે, એવી રીતે એને આ ભોજન મળી ગયું.
ભોજન કરતી વખતે વિદ્યાર્થીના મનમાં શંકા પણ જાગી કે આ કોઈ ચાલાક સ્ત્રી તો નહીં હોય ને, જે એને ફસાવવા માગતી હોય ! કદાચ આ હોટલ માટે ગ્રાહક મેળવવાની કોઈ નુસખાબાજ નારી તો નહીં હોય ને ! પરંતુ ભૂખ એટલી હતી કે આ સઘળી શંકાઓ જઠરાગ્નિની આગમાં સળગીને ભસ્મ થઈ ગઈ. વળી યુવતીના ચહેરા પરના વહાલને જોતાં આવું વિચારવું ઉચિત લાગ્યું નહિ. એના હાથમાં નાળિયેરનાં પાનનો પંખો હતો અને વિદ્યાર્થીના ભોજન પર માખી બેસે નહીં, એ માટે એનાથી માખીઓ ઉડાડતી હતી. એના ચહેરા પર ઊમટી રહેલા સ્નેહને જોઈને એમ લાગ્યું કે ખરેખર આ યુવતી ગુજરાતની હશે અને એને જોઈને પોતાના પ્રિય વતનની યાદ આવી ગઈ હશે. ભોજન કરતાં કરતાં વિદ્યાર્થી જયભિખ્ખુએ પૂછ્યું, 'હીરાબહેન, તમે ગુજરાતમાં ક્યાંના?'
'સુરત તરફનાં.'
'પણ અહીં ક્યાંથી?'
'કૉલકાતામાં રહેતી હતી. ગરીબ ઘરની હતી. આ શિવલિંગમ્ સાથે મારું નસીબ જોડાયું હશે એટલે અહીં આવી પડી. સંસારમા ંલેણ-દેણ મોટી વસ્તુ છે. પરભવનું શિવલિંગમ્ સાથે મારે કોઈ દેવું હશે.'
'તમને ગુજરાત સાંભરે છે?'
'ભાઈ, ગુજરાત જેવો દેશ ક્યાં થવો છે? ગુજરાતી જેવા માણસો ક્યાં થવા છે? આ બધા તો જુઓ ને…'
અને આટલું બોલીને એણે પોતાની આસપાસ વસતા લોકોની ટીકા કરવા માંડી. વિદ્યાર્થી જયભિખ્ખુએ નિરાંતે પેટપૂજા કરી અને પૂછ્યું, 'ભોજનના કેટલા પૈસા થયા?' ત્યારે શિવલિંગમે પત્ની તરફ જોયું.
હીરાએ કહ્યું, 'કંઈ લેવાનું નથી.'
'એમ ન બને.'
'મારો ગુજરાતી વીરો અહીં ક્યાંથી?' હીરા આ શબ્દો ચીપી ચીપીને બોલી, પણ એમાં એનો ભારોભાર સ્નેહ નીતરતો હતો.
'લેવા જ જોઈએ, એમ ન ચાલે.'
હીરાએ કહ્યું, 'ફરી આવશો ત્યારે લઈશ. અત્યારે બોલો તો આ દીકરીના સમ છે.'
વિદ્યાર્થીને સમજાયું નહીં કે આ ખાલી શબ્દો હતા કે અખૂટ સ્નેહની વર્ષા હતી? એની આંખના ખૂણા ભીના થઈ ગયા. હવે શું કરવું તેના વિચારમાં હતા. પાકીટમાં ત્રણ રૂપિયા હતા, તેમાંથી બે રૂપિયા નાની પાર્વતીના હાથમાં મૂકી દીધા. હીરાએ એ લઈને પાછા આપ્યા.
વિદ્યાર્થી જયભિખ્ખુએ કહ્યું, 'મને ભાઈ ગણતા હો તો ના ન પાડો. ના પાડો તો ભાઈના સમ.'
હીરાના શ્યામ ચહેરા પર અજબ ભાવ ઊપસી આવ્યા. એણે સમ આપ્યા હોવાથી અનિચ્છાએ આ રકમ સ્વીકારી. એ સમયે બે રૂપિયા એ સામાન્ય રકમ ન હતી.
વિદ્યાર્થી જયભિખ્ખુએ સ્ટેશને મૂકવા માટે શિવલિંગમ્, હીરા અને પાર્વતી ત્રણેય આવ્યાં. એ ગાડીમાં બેઠો ત્યારે બાજુમાં બેઠેલા કેટલાક ગ્રામજનોને શિવલિંગમે હીરાના ભાઈ તરીકે આ વિદ્યાર્થીની ઓળખ આપી અને રસ્તામાં સંભાળ લેવાની તાકીદ કરી, સાથે એ પણ કહ્યું કે તેઓ શાકાહારી છે, પણ માછલી ખાતા નથી. ગાડી ઊપડી, શિવલિંગમે 'આવજો' કહ્યું, હીરાની આંખમાં આંસુ હતાં અને આ વિદ્યાર્થીનું મન એક ગુર્જરીના સ્નેહભાવથી ભર્યું ભર્યું હતું!
પ્રસંગકથા
ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ વધુ મોટી થઈ રહી છે
જ્હોની માંડ માંડ બસમાં ચડયા. બસ પેસેન્જરોથી ખીચોખીચ ભરેલી હતી, આથી જ બસમાં ચડવાનો પાઈપ પકડીને માંડ માંડ ચડી શક્યા. બસ આગળ ચાલી અને પેસેન્જરો ઊતરવા લાગ્યા.
એવામાં એમની નજર બસની વચ્ચેની ત્રણ ખાલી સીટ પર ગઈ. એ સીટ પર બેસવા ગયા, પરંતુ એના પર લખેલી સૂચના વાંચીને ઊભા રહી ગયા. એ સીટને એનો ડાંડો પકડીને જોરથી હલાવવા લાગ્યા.
જ્હોનીના આવા વર્તનને જોઈને કંડક્ટરને આશ્ચર્ય થયું. એને થયું કે કોઈ પાગલ માનવી આવી ગયો લાગે છે. એ જ્હોની પાસે આવ્યો અને બોલ્યો, 'તમે આ શું કરો છો?'
જ્હોનીએ કહ્યું, 'તમે જે લખ્યું તે કરું છું.'
કંડક્ટર એમની વાત સમજી શક્યો નહીં, તેથી કોપાયમાન થયો અને બોલ્યો, 'આ બસ, કંઈ તમારા બાપની નથી. આ તો જાહેર સંપત્તિ (પબ્લિક પ્રોપર્ટી) ગણાય. એને કોઈપણ પ્રકારનું નુકસાન કરવું તે એક ગુનો છે, સમજ્યા?'
જ્હોની અકળાયા. એમણે કહ્યું, 'બસ, હવે બોલવાનું બંધ કર. જો આ સીટ પર શું લખ્યું છે? એના પર લખ્યું છે કે - કેવલ હિલાયે -'
કંડક્ટર ખડખડાસ હસી પડયો ને બોલ્યો, 'હે ભગવાન ! ઓહ, વાત એમ છે કે એના પર લખેલા 'કેવલ મહિલાયેં' શબ્દોમાંથી 'મ' અક્ષર કોઈ તોફાનીએ કાઢી નાખ્યો છે.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે 'કેવલ હિલાયે'ની માફક ગરીબો માટે યોજનાઓ જાહેર કરવામાં આવે છે, પણ એ યોજનાનો લાભ ગરીબો સુધી ઓછો પહોંચે છે. બીજી બાજુ હકીકત એ છે કે આ દેશમાં ગરીબ અને અમીર વચ્ચેની ખાઈ વધી રહી છે. એક બાજુ દેશમાં એકસો કરોડથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોની સંખ્યા ચાર ગણી થઈ ગઈ છે, તો બીજી બાજુ અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ પણ ઘણી વધી રહી છે.
અમીર અને ગરીબ વચ્ચે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓમાં પણ ઘણો ભેદ જોવા મળે છે. બેકારી, નોકરીની તકોનો અભાવ અને વસ્તીવધારો એ પણ ગરીબાઈની આગમાં ઘી હોમે છે. અમીર વધુ અમીર થાય અને ગરીબ વધુ ગરીબ બને, તેવો ઘાટ રચાયો છે!




