હોંગકોંગ કરતાં ચીનનો ધ્વજ મોટો રાખજો... નહીં તો આવી બનશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- હોંગકોંગમાં નજરે દીઠી સ્વાતંત્ર્યપ્રાપ્તિનો દિવસ
- તેરી યાદોં કે ચિરાગ યૂં હી જલતે રહે રાત ભર,
હમ તેરે ખ્વાબોં મેં તન્હા હી ચલતે રહે રાત ભર.
હે સ્વાતંત્ર્યે! પરાધીનતાનાં બંધનો ફગાવીને મુક્ત થતા દેશનો ઉમંગથી ભર્યોભર્યો થનગનાટ કેવો હોય! વર્ષોથી પરદેશી શાસકોના ગુલામ બનીને જીવનારા માનવીઓ મુક્તિનો શ્વાસ પામતાં કેવો જીવનમોકળાશનો અનુભવ કરતા હોય છે! આઝાદીની તો કિંમત ન થાય! એ તો અમૂલ્ય જ હોય!
આપણા દેશની આઝાદી વખતે તો પાંચ વર્ષની વયે મને સ્વાભાવિક રીતે કોઈ અનુભવ પ્રાપ્ત થયો ન હતો, પરંતુ હોંગકોંગના પ્રવાસ દરમિયાન આઝાદ થતા દેશનો થનગનાટ નજરોનજર જોવા મળ્યો. ૧૯૯૭ની ૨૬મી જુને સ્વાતંત્ર્ય મેળવતા હોંગકોંગમાં કેટલાંય અભૂતપૂર્વ દ્રશ્યો નિહાળવા મળ્યાં. એ સમયે હોંગકોંગના મારાં પ્રવચનોની પૂર્ણાહૂતિ થઈ ગઈ હતી, છતાં યજમાને આ સ્વાતંત્ર્યપ્રાપ્તિના ઉત્સવને માણવા માટે પાંચેક દિવસ રોકી રાખ્યો.
આઝાદીનો પ્રસંગ તો ૧૯૯૭ની પહેલી જુલાઈએ યોજાવાનો હતો, પરંતુ ૨૫મી જૂનથી જ આ નાનકડો ટાપુ ઝળાંહળાં થઈ ગયો હતો. ઠેર ઠેર 'સેલિબ્રેશન'ના ચમકતા અક્ષરોવાળી નિયોન લાઈટ અજવાળું પાથરતી હતી. લાંબા થઈને પડેલા મોટા મોટા ડ્રેગન બગીચાઓની વાડ પર પડેલા હતા.
ચાર હજાર મહાનુભાવોની ઉપસ્થિતિમાં હોંગકોંગનાં વિક્ટોરિયા બંદરને કિનારે આ આઝાદીના ઉત્સવ માટે તૈયાર કરવામાં આવેલા 'કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન હોલ'નું બાંધકામ પૂર્ણ થઈ ગયું હતું. આમ તો એ વિશાળ સભાખંડ ચાર વર્ષમાં બંધાઈ રહેશે એવો અંદાજ હતો, પરંતુ માત્ર સાડા ત્રણ વર્ષમાં થાંભલા વિનાનો આ વિશાળ હોલ આઝાદીની ઉજવણી માટે સ્ફૂર્તિલી પ્રજાએ તૈયાર કરી દીધો. ૪૩૦ સ્ક્વેર માઈલમાં પથરાયેલા આ સાંકડા ટાપુમાં વધુ જમીન તો ક્યાંથી મેળવવી? એના દસ હજાર ત્રેસઠ સ્કવેર માઈલ વિસ્તારમાં ૫૯.૭૦ ટકા વિસ્તાર તો જલગ્રસ્ત છે, તેથી માનવોથી ખીચોખીચ ભરાયેલા આ વિસ્તારમાં આવો વિશાળ હોલ ક્યાંથી બાંધી શકાય? આટલી જમીન મળે ક્યાંથી? આથી હોંગકોંગના વિક્ટોરિયા બંદરના પાણીને દૂર કરીને મળેલી જમીન પર આ હોલ તૈયાર થયો હતો.
એ હોલમાં ચીનના પ્રખ્યાત પીપલ્સ લિબરેશન આર્મીનું એંસી સૈનિકોનું બેન્ડ કર્ણપ્રિય મધુર સૂરાવલિઓ વહેવડાવી રહ્યું હતું. લીલા રંગના લશ્કરી પોશાકમાં આ બેન્ડના સૈનિકો તાલબદ્ધ રિહર્સલ કરતા હતા, કારણ કે હોંગકોંગમાં માતૃભૂમિ ચીનની પ્રવેશની આ ઉજવણી હતી.
આ સમયે વિચાર કરતો હતો કે, 'હોંગકોંગની પ્રજાએ લાંબા સમય સુધી કેવી પરાધીનતા ભોગવી છે.' ઓગણીસમી સદીના પૂર્વાર્ધકાળ સુધી તો હોંગકોંગ ચીનનો જ એક ભાગ ગણાતું હતું, પરંતુ ૧૮૪૨માં ચીન સાથેના સંધિકરાર મુજબ ગ્રેટ બ્રિટને હોંગકોંગ ટાપુ પર પ્રભુત્વ મેળવ્યું અને ૧૮૯૮માં ચીને ગ્રેટ બ્રિટનને ૯૯ વર્ષના પટ્ટા તરીકે આ ટાપુ પરના પ્રભુત્વનો પરવાનો આપ્યો હતો. આમ ૧૮૯૮થી ૧૯૯૭ સુધી ૯૯ વર્ષના પરવાના પટ્ટાને કારણે હોંગકોંગ પર ગ્રેટ બ્રિટનનું પ્રભુત્વ રહ્યું અને ગ્રેટ બ્રિટને બ્રિટિશ વ્યાપારી સૂઝ-સમજથી આ ટાપુનો અપ્રતિમ આર્થિક વિકાસ કર્યો, કારણ કે ઘણાં વર્ષો સુધી આ હોંગકોંગના બંદરેથી બ્રિટિશ વેપાર થતો હતો અને વીસમી સદીના મધ્યકાળથી હોંગકોંગ આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણામથક તરીકે વિકસાવ્યું.
વચ્ચે થોડો સમય એટલે કે ૧૯૪૧થી ૧૯૪૫ના ગાળામાં બીજા વિશ્વયુદ્ધના સમયે હોંગકોંગ પર જાપાનનું પ્રભુત્વ પણ રહ્યું હતું. આ હોંગકોંગે બ્રિટિશ શાસન સમયે પોતીકી અસ્મિતા ઊભી કરી હતી. આગવી આર્થિક સધ્ધરતા મેળવી હતી. એની આવી આર્થિક સધ્ધરતા સામે ચીનનો વિકાસ ઝાંખો લાગતો હતો. એક જમાનામાં ખેડૂતો અને માછીમારોનાં છૂટાંછવાયાં ગામડાંઓ ધરાવતો ટાપુ બ્રિટિશ શાસન સમયે વિશ્વનું અત્યંત મહત્ત્વનું આર્થિક કેન્દ્ર અને વેપારી બંદર બની રહ્યું. ન્યૂયોર્ક શહેર અને લંડન પછીનું વિશ્વનું એ ત્રીજું ધનપતિઓથી ઊભરાતું શહેર બની રહ્યું. ગગનચુંબી મકાનોમાં વસતા હોંગકોંગને આપણા મુંબઈની માફક સદાય મકાનોની તંગીનો અનુભવ કરવો પડયો.
અગાઉ 'એક દેશ, બે પદ્ધતિ'ના સિદ્ધાંત પર હોંગકોંગે મેનલેન્ડ ચીન કરતાં જુદી સરકાર અને પોતાની આગવી આર્થિક વ્યવસ્થા જાળવી હતી. આજે સ્વાતંત્ર્યપ્રાપ્તિના સમયે હું મેઇનલેન્ડ ચીનનું પ્રભુત્વ ધરાવતા પીપલ લિબરેશન આર્મીની કર્ણપ્રિય મધુર સૂરાવલિઓ સાંભળતો હતો અને સાથે જ પોતાના શાસનની અલવિદાના સમયે બ્રિટિશ લશ્કરની પાંચ જુદી જુદી બ્રિગેડનું બેન્ડ આવી ચૂક્યું હતું. બ્રિટિશ લશ્કરમાં એ સમયે પણ ગોરખા સૈનિકોની ટુકડીનો એક આગવો દબદબો હતો.
એ સમયે હોંગકોંગના વિસ્તારોમાં આંટો લગાવતાં ખ્યાલ આવ્યો કે અહીં વસતી પ્રજાના મનમાં ચીની પ્રભુત્વ હેઠળ સરમુખત્યારશાહી તો નહીં આવે ને, તેની ભારે દહેશત હતી. અહીંની ચીની પ્રજા આ 'હાથ બદલા'(લ્લચહગ ર્ંપીિ)ની આ વિધિ દ્વારા 'પોતાની માતૃભૂમિ ચીન માં પુનરાગમન કરી રહ્યા હોવાની ગૌરવપૂર્વક વાત' કરતી હતી. હોંગકોંગના કેટલાક ચીની વ્યાપારીઓ અતિ ઉત્સાહી કે લાગણીશીલ થવાને બદલે આ ઘટનાને માત્ર 'હાથ બદલો' તરીકે ઓળખાવતા હતા, પરંતુ ફ્રેન્ક મુરડોચ નામના પત્રકારે મને કહ્યું કે અહીં કેટલાંક લોકો ભવિષ્યમાં સ્વાધીન વ્યક્તિસ્વાતંત્ર્ય પર ખતરો આવશે એમ માને છે. આથી એ સમયે હોંગકોંગમાં સ્વાધીન પ્રજાતંત્ર ચાહતા ડેમોક્રેટિક જૂથ અને બીજાં બે નાનાં જૂથો વિરોધ કરવાનો પ્રયાસ કરતાં હતાં. એ સમયે કોઈ એમ પણ કહેતું હતું કે લોકશાહીમાં માનતું બ્રિટન આવાં જૂથો તરફ છૂપો સદ્ભાવ ધરાવે છે, તો બીજી બાજુ હોંગકોંગમાં પોતાના પ્રભુત્વ દરમિયાન આવી કોઈ લોકશાહીની સ્થાપના કરવાનો બ્રિટને કોઈ પ્રયત્ન જ કર્યો નહોતો. તેથી હોંગકોંગવાસી ચીની સજ્જન ઉચર ણૈે રૂચા ઁર્ એ કહ્યું પણ ખરું કે, 'પોતાના દોઢસો વર્ષના શાસનમાં હોંગકોંગમાં ક્યારેય લોકશાહીની ખેવના નહીં કરનાર બ્રિટનને રાતોરાત લોકશાહીની જાળવણી વહાલી બની ગઈ છે.'
ખેર! બ્રિટનને માટે પણ દૂઝણી ગાય જેવું હોંગકોંગ છોડવું મુશ્કેલ હતું. એક સમયે ભારતના વ્યાપારી લાભો છોડવાનું એને પસંદ નહોતું તો પછી જગતના આ ધમધમતા આર્થિક સામ્રાજ્યમાંથી વિદાય લેવાની તો એને કઈ રીતે પસંદ પડે? આ પરિસ્થિતિમાં ભારતને આઝાદી મળી, તે સમયે બ્રિટને જેવા દાવપેચ અજમાવ્યા હતા એનું મને સ્મરણ થયું. ભારતમાં તો સત્તાનાં સૂત્રો સોંપતી વખતે ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન (જન્મ. ૨૫ જૂન, ૧૮૯૦, અવ. ૨૭ ઓગસ્ટ, ૧૯૭૯) હાજર હતા. જ્યારે અહીં તો બ્રિટનના વડાપ્રધાન ટોની બ્લેર અને વિદેશ સચિવ રોબિન કૂકે ચીનનું નિમંત્રણ સ્વીકાર્યું નહોતું, એથીયે વધારે બ્રિટનને આ કમાઉ દીકરો સોંપતાં એટલી બધી પીડા થતી હતી કે એણે એના બે સામાન્ય અમલદાર હ્યુજ ડેવિસ અને ફ્રાંસિસ કોર્નિશને મોકલવાનું નક્કી કર્યું હતું.
'હાથ બદલો' (હેન્ડ ઓવર)ની વિધિનો પ્રારંભ તો ૩૦મી જૂને સવા ચાર વાગ્યે થયો. અત્યંત સાદગીથી ગવર્નર હાઉસમાંથી હોંગકોંગના ગવર્નર ક્રિસ પેટને વિદાય લીધી. સાંજના સવા છ વાગ્યે હોંગકોંગ ટાપુ પરથી સૂર્ય વિદાય લેતો હતો, એ જ સમયે યોજાયેલા લશ્કરી અને નાગરિકોના સમારંભમાં બ્રિટનના મહામુત્સદ્દી અને હોંગકોંગના ગવર્નર પેટને બ્રિટિશ સત્તાની વિદાય-વિધિ કરી. મહામુત્સદ્દી પેટને પોતાની વિદાય વેળાએ બે કામ કર્યાં - એક પોતાના બે કૂતરાઓની સંભાળનું અને બીજું પોતાની કિતાબના પ્રકાશનનું. પાંચ વર્ષના વસવાટ પછી હોંગકોંગમાંથી વિદાય લેતા ગવર્નરે પોતાના બે કૂતરાઓને ખાસ હવાઈ જહાજ મારફતે ફ્રાંસ મોકલ્યા. ક્રિસ પેટન અને શ્રીમતી લવેન્ડર પેટનના આ બે અતિ પ્રિય કૂતરાઓનું નામ 'વિસ્કી' અને 'સોડા' હતું. એમને ઇંગ્લેન્ડને બદલે ફ્રાન્સમાં એ માટે મોકલ્યા કે હોંગકોંગના સત્તાત્યાગ પછી ગવર્નર ક્રિસ પેટનનો વિચાર ફ્રાંસમાં જઈને બાગકામ કરવાનો અને પુસ્તક લખવાનો ઈરાદો હતો.
સત્તાત્યાગ કરતા ગવર્નરે બીજું કાર્ય કર્યું પોતાના કારભારના પ્રશસ્તિ સમાન સરકારી પત્રોના ૧૪૩ પૃષ્ઠના પુસ્તકના પ્રકાશનનું. આ પુસ્તકના પ્રકાશન માટે એમણે કોઈ વિમોચનસમારંભ રાખ્યો નહોતો કે એનું વેચાણ કર્યું નહોતું. ગવર્નરની સત્તાથી ત્રાસેલા ચીની સજ્જનોએ તો કહ્યું કે, 'આ પુસ્તકનો કાં તો રી-સાઇકલ પેપર બનાવવા માટે માવો કરીશું અથવા તો ટોઇલેટ પેપર તરીકે વાપરીશું.'
એક શાસન વિદાય લેતું હોય અને બીજું આગમન કરતું હોય, ત્યારે કેટલીક મજાની ઘટનાઓ પણ બનતી હોય છે. વિદાય પૂર્વે બ્રિટિશ શાસને હોંગકોંગમાં ત્રણ દિવસની રજા જાહેર કરી, તો ચીને હોંગકોંગની પુનઃપ્રાપ્તિની ઉજવણી રૂપે હોંગકોંગમાં એ પછીના બે દિવસની રજા જાહેર કરી. હોંગકોંગની રજા એની સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ ગવર્નમેન્ટે જાહેર કરી હતી. પહેલાં તો ચીને હોંગકોંગની અઢળક આર્થિક સમૃદ્ધિની પ્રાપ્તિને કારણે હરખપદૂડા થઈને ચીનમાં પાંચ દિવસની રજા જાહેર કરી હતી, પણ પછી એને વિચાર આવ્યો કે સ્ક્વેર કિમી. દીઠ સાડા પાંચ હજાર લોકોની ગીચ વસ્તી ધરાવતા હોંગકોંગમાં રજાના શોખીન ચીનાઓ જો ધસી જશે તો હોંગકોંગની શી હાલત થશે! આમેય ૫૭,૫૬,૦૦૦ની વસ્તી ધરાવતા આ હોંગકોંગમાં પંદર લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા હતા. એમાં એક મારો પણ સમાવેશ થાય. પરિણામે અંતે ચીને રજાકાપ મૂક્યો અને માત્ર સોમવારની એક જ દિવસની રજા ચીનમાં જાહેર કરી.
હોંગકોંગની યુનિવર્સિટી ઓફ હોંગકોંગના મારા મિત્ર લી-ચી-યૂએ કહ્યું કે, 'હોંગકોંગની ચીની પ્રજા અન્ય દેશોની ચીની પ્રજા કરતાં સાવ જુદા મિજાજવાળી છે. એ સિંગાપોર, મલેશિયા કે થાઇલેન્ડમાં વસતા ચીનાઓ જેવીય નથી. હોંગકોંગમાં નેવું ટકા વસ્તી ચીની પ્રજાની છે અને તે બધા જ ખૂબ કામગરા, ચપળ, મહેનતુ અને ધ્યેયસિદ્ધિ માટે મથનારા છે.
આઝાદીનો એ સવારથી જ ટેક્સી અને જાહેર વાહનો પર મને બે ધ્વજ ફરકતા જોવા મળ્યા - એક ચીનનો અને બીજો હોંગકોંગનો. જોકે સાથોસાથ ચીને એવી તાકીદ કરી હતી કે, 'હોંગકોંગ કરતાં ચીનનો ધ્વજ મોટો હોવો જોઈએ અને તે વાહનની જમણી બાજુએ રાખવો.'
(ક્રમશઃ)
પ્રસંગકથા
વિશ્વગુરૂ સાચો વિદ્યાર્થી તો બને
મગનલાલ મોટી મૂંઝવણમાં ફસાઈ ગયા. નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા ગયા અને પ્રશ્ન પૂછાયો, 'તમારા ઘરમાં કેટલી વ્યક્તિ છે ?' મગનલાલે કહ્યું, 'ચાર વ્યક્તિ.' ઈન્ટરવ્યૂ લેનારે મગનલાલને કહ્યું, 'નહીં, જરા ખાતરી કરીને કાલે આવો અનેપાકો આંકડો કહો.'
મગનલાલ ઘેર ગયા. પત્ની અને બે પુત્રોને જોયા. કુલ ત્રણ થયા. ઘરમાં બધે ફરી વળ્યાં, પરંતુ ચોથી વ્યક્તિ ક્યાંય જડે નહીં! મગનલાલની મૂંઝવણનો પાર ન રહ્યો. એમને થયું કે પોતે ઇન્ટરવ્યૂમાં બરાબર જવાબ આપી શક્યા નહીં, એથી બીજે દિવસે ઇન્ટરવ્યૂ લેનારને કહ્યું, 'મારાથી ભૂલ થઈ ગઈ. ઘરમાં ત્રણ જ વ્યક્તિ છે.'
ઈન્ટરવ્યૂ લેનારે મગનલાલને કમઅક્કલ ગણીને નાપાસ કર્યા. મગનલાલ ઘેર પાછા આવ્યા, પોતાની જાણીતી હોટલમાં ભોજન માટે ગયા. મેનેજર એમની પાસે ઓર્ડર લેવા આવ્યો, ત્યારે મગનલાલે એને પૂછ્યું, 'તમારા ઘરમાં કેટલી વ્યક્તિઓ છે ?'
મેનેજરે કહ્યું, 'ચાર વ્યક્તિ, અને હમણાં જ અહીં બધા ભોજન માટે આવવાના છે.' થોડીવારમાં મેનેજરની પત્ની, એક પુત્ર અને એક પુત્રી આવ્યા. મગનલાલે ગણતરી કરી, તો ત્રણ થયા. એટલે એમણે મેનેજરને પૂછ્યું, 'તમે ચાર કહેતા હતા. એ ચોથું કોણ?'
'ચોથો હું, આ હોટલનો મેનેજર.'
મગનલાલ ફરી વાર ઈન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે એ જ પ્રશ્ન પૂછાયો અને ઇન્ટરવ્યૂ લેનારે પૂછ્યું, 'તમારા ઘરમાં કેટલી વ્યક્તિ છે?' મગનલાલે કહ્યું, 'ચાર વ્યક્તિ.' ઈન્ટરવ્યૂ લેનારે પૂછ્યું, 'ત્રણ કે ચાર? ખરું કહો, ચોથી વ્યક્તિ કોણ?' મગનલાલે કહ્યું, 'પેલી હોટેલનો મેનેજર.'
- આ વાત અમને એટલા માટે યાદ આવી કે આપણા દેશમાંમગનલાલ જેવી ગણતરી ચાલે છે. આપણે વિશ્વગુરૂ બનવાની ખેવના રાખીએ છીએ, પણ સામાન્ય નાગરિક તરીકેનો કોઈ ધર્મ પાળતા નથી! કાયદો ઘડાય છે પણ એના પાલનના બદલે કાયદાભંગમાં બહાદૂરી મનાય છે. ટ્રાફિકની પારાવાર અવ્યવસ્થા ચોતરફની ગંદકી, નબળા પૂલ અને તૂટતા રોડ, આ બધું બતાવે છે કે હજી આપણે વિશ્વગુરૂ બનવા માટે ઘણું શીખવાની જરૂર છે.




