સોનાની કલમને મધમાં બોળીને લખવા જેવું ચરિત્ર!


- દિલ્હીના વૈભવશાળી રાષ્ટ્રપતિ ભવનમાંથી એક અનાસક્ત યોગી ઝૂંપડીમાં વસવા આવ્યો!

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એવા અજાતશત્રુ રાજેન્દ્રબાબુ પાસે સઘળી સુવિધાઓ હતી, છતાં એમનામાં રાજા જનક જેવી અલિપ્તતા હતી. રાજા જનક પણ બિહારમાં જન્મ્યા હતા, પણ વિશેષ વાત તો એ કે રાજા જનકના સમયમાં રાજકારણમાં મોહનાં પ્રબળ આક્રમણો નહીવત હતા, જ્યારે રાજેન્દ્રબાબુની આસપાસ સઘળો વૈભવ હોવા છતાં રાષ્ટ્રપતિભવનમાંથી રાજ જનક બનીને કર્તવ્યપાલન કરતા રહ્યા. એથી જ એમને વિશે લખતાં સરોજિની નાયડુ કહે છે કે- 

'રાજેન્દ્રબાબુના ભવ્ય વ્યક્તિત્વના સંબંધમાં સોનાની કલમને મધમાં બોળીને લખવું પડે.' 

એમનામાં એક સરળ બિહારી ખેડૂતની નિર્દોષ આંખો અને પ્રમાણિકતાભર્યો ચહેરો જોવા મળતો. એમની અસાધારણ પ્રતિભા, એમની કર્મઠતા, મહાત્મા ગાંધી પ્રત્યેની નિષ્ઠા અને ભારતીય સ્વતંત્રતા માટેની લાગણીને કારણે એમને બિહારમાં જેટલું સન્માન મળ્યું તેટલું ભાગ્યે જ કોઈ નેતાને એ સમયમાં પોતાના રાજ્યમાં મળ્યું હશે.

એ પહેલીવાર ૧૯૩૪માં કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે અધિવેશનમાં પહોંચતી વખતે એમને માટે એમના સેવક ખમીસ લઈને આવ્યો. તે ફાટેલું હતું.  આમ ચાર ખમીસ એમના માટે લાવવામાં આવ્યા અને ચારેય ફાટેલા હતા. આવા ખમીસ સાથે પ્રવેશતા હતા ત્યારે સ્વયંસેવકે એમને રોક્યા. પાંચમુ ખમીસ લાવવામાં આવ્યું. ત્યારે પણ ખ્યાલ આવ્યો કે એના એક ખૂણામાં સિલાઈ ઉતરડાઈ ગઈ હતી. આવી હતી એમની સાદાઈ!

રાજેન્દ્રબાબુ નાનાં-મોટાં બધાને એક સરખી રીતે મળતા. દેશના સેવાકાર્ય માટે પગે ચાલતા હોય, બળદ ગાડામાં હોય, મોટરમાં ફરતા હોય કે પછી રાષ્ટ્રપતિ તરીકે હોય, પણ સઘળે એમની રીતભાત અને વ્યવહાર એકસરખાં જ રહેતાંે. એમના વિચારો પર ગાંધીજીનો પ્રભાવ હતો અને મહાત્મા ગાંધીજીએ પણ એકવાર એક પ્રસંગે કહેલું કે-

'ઓછામાં ઓછો એક માણસ એવો છે કે જેના હાથમાં ક્યારેક હું ઝેરનો પ્યાલો મૂકી દઉં, તો એ પીવા માટે ક્યારેય આનાકાની કરશે નહીં. અને તે માણસ છે રાજેન્દ્રપ્રસાદ.' 

મુશ્કેલી કે કપરા સમયમાં ગાંધીજીની નજર તેમના પર પડતી. રાજેન્દ્રબાબુ અત્યંત સરળ, સૌમ્ય અને દૂરદર્શી હોવાથી કોઈપણ પ્રશ્નમાં આવેશમાં આવીને અભિપ્રાય આપતા નહીં. ખુદ પંડિત જવાહરલાલે સ્વીકાર્યું હતું કે, રાજેન્દ્રબાબુને પોતાના દિલ, દિમાગ અને જીભ ત્રણેય પર કાબુ છે અને પછી હસતાં હસતાં કહ્યું હતું કે, 'મારે આ ત્રણેયમાંથી એક પર પણ કાબુ નથી.'

ભારતીયતાના પ્રતિનિધિ એવા રાજેન્દ્રબાબુ ૧૯૫૦માં દેશના રાષ્ટ્રપતિ બન્યા અને અંગ્રેજ સત્તાધીશો દિલ્હીના જે ભવ્ય રાજમહેલમાં વસવા આવ્યા હતા એ વૈભવશાળી રાજમહાલયમાં રાજેન્દ્રબાબુ નામનો એક અનાસક્ત યોગી વસવા આવ્યો. આ રાજમહેલમાં દ્રવ્યની સદા દિવાળી હતી અને રંગની સદા હોળી હતી. એ સમયે દેશની જનસંખ્યા પ્રમાણે સરેરાશ એક માણસની એક દિવસની આવક બે આના હતી, ત્યારે રાષ્ટ્રપતિભવનમાં જમનાર મહેમાનના ભોજનની થાળીની કિંમત પૂરા ૪૫ રૂપિયા  હતી. એના બગીચાની રક્ષા માટે કેટલાંય ગામની ઉપજ ખર્ચાતી અને રાજમહેલના પરિચારકોની સંખ્યા ચાર રજવાડાના નોકર કરતા વિશેષ હતી. આ રાષ્ટ્રપતિભવનને ૨૭ ઓરડા હતા. અહીં ઋતુ, ઋતુ નહોતી. અહીં ગરમી, ગરમી નહોતી. દરેક ખંડનો એકસરખો મિજાજ જાળવવા માટે સેંકડો એ.સી. કામ કરતા હતા. એવા રાષ્ટ્રપતિભવનમાં સાદા ખાદીના કપડા પહેરેલો એક સાધુ પગથિયા ચઢતો હતો. વાતાવરણમાં જયનાદો હતા, 'બાબુજીની જે! રાજેન્દ્રબાબુની જય!'

આઝાદ હિંદના પહેલા રાષ્ટ્રપતિ હજારો ઝૂંપડીઓના નિવાસીઓના નેતા બન્યા. ચરખા પર જીવનારી હજારો બેવા ઔરતોના અન્ન-પાણીનો એ અધિષ્ઠાતા હતો. પોતાના ગુણોને વિસરી જવાની વૈરાગ્યવૃત્તિ એનામાં હતી. ગુણો પ્રગટ કરવામાં કંજૂસ અને ટીકાકારો પ્રત્યે એમની ઉદારતા અસીમ હતી.

એકવાર એવું બન્યું કે, એમણે રાજીનામું આપવાનો વિચાર કર્યો અને મહાત્મા ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ તેમને કહ્યું, 'જો કોઈ અન્ય માણસ આવું કરે તો હું માની લઉં, પણ તમે આ કરી રહ્યા છો તે બરાબર નથી. સાર્વજનિક કામોમાં જો કોઈ વ્યક્તિગત અપમાન ગણી લે તો એ એક દોષ છે.' ગાંધીજીના આ વિચારોને રાજેન્દ્રબાબુએ અપનાવી લીધા અને રાજીનામું આપવાનું માંડી વાળ્યું.

એ સમયે સતત એવો સવાલ પૂછાતો કે, ગાંધીજીનો વારસો કોને મળ્યો છે? તો એના જવાબમાં એમ કહેવાતું કે તેમણે તેમનું નેતૃત્વ નહેરુજીને અર્પણ કર્યું. એમનું સંગઠન, ચાતુર્ય અને યોજના સરદાર વલ્લભભાઈ પટેલને વર્યા અને તેમનું સૌજન્ય, સંયમ અને સભ્યતા રાજેન્દ્રબાબુને મળ્યા. આમ, નહેરુમાં વિચાર, સરદાર પટેલમાં કર્મ અને રાજેન્દ્ર બાબુમાં શ્રદ્ધાના રૂપમાં ગાંધીજી જોવા મળે છે.

અસ્પૃશ્યતા દૂર કરવામાં, બિહારની પછાત જાતિઓની ઉન્નતિમાં, બુનિયાદી તાલીમમાં, ખાદી અને ગ્રામોદ્યોગ અને હિંદુ-હિંદુસ્તાનીના પ્રચારમાં રાજેન્દ્રબાબુએ પોતાનો જીવ રેડયો. ગાંધીજીને પ્રિય હતા એવા આ કામ એમણે પૂરેપૂરી નિષ્ઠાથી બજાવ્યા.

રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશતા એમણે પહેલું કાર્ય એ કર્યું કે રાષ્ટ્રપતિને મળતા દસ હજારના માસિક પગારને બદલે ફક્ત ત્રણ હજાર રૂપિયા લેવાના નક્કી કર્યાં. ૨૭ ખંડોવાળા રાષ્ટ્રપતિભવનના ૭ ખંડોનો ઉપયોગ કરીને બીજા ખંડ સરકારી ઉપયોગ માટે આપી દીધાં. રાષ્ટ્રપતિનું રસોડું ભારે વિશાળ, કેટલાય રસોઈયા અને વાનગીઓનો તો પાર જ નહીં. રાજેન્દ્રબાબુએ એક નાના ખંડમાં રસોઈગૃહ ગોઠવી દીધું અને ત્યાં જ આસન પર પરિવાર સાથે દાલ, રોટી, ચાવલ ખાવાના રાખ્યા. છેક સુધી નિરામિષ જ રહ્યા. વળી, એક પંક્તિમાં સહુ સમાજ બેસે. એમાં ન જોવાય પ્રધાન કે કાર્યકર, અમીર કે ગરીબ.

પહેરવેશમાં ધોતી-કુર્તુ પહેરે. રાષ્ટ્રપતિ થયા ત્યારે શોભાના ગાંઠિયા જેવા થોડા કપડાં સીવડાવ્યાં. બિલ આવ્યું રૂ. અઢીસો. બાબુજી આવી ફિઝુલ ખર્ચી પર નારાજ થયા. અંગત જીવનમાં એ પોસ્ટકાર્ડથી ચાલે ત્યાં સુધી કવર વાપરતા નહીં. ભારત ઝુંપડીઓનો દેશ છે. ખેડૂત- વણકરોનું માદરે વતન છે. અહીં લોકો હજી અડધે પેટે રહે છે ત્યારે વૈભવ કે ઠાઠ ન પાલવે એમ એ માનતા. વખત આવ્યે વિરોધ પણ કરતા. પોતાના ગુરુ ગાંધીજીના વિચારોથી કોઈ વિરુદ્ધ વર્તે તો એમનો આત્મા ખૂબ દુઃખી થતો.

એ સમયે રાજનીતિમાં ઘણાં પરિવર્તનો આવ્યાં. રાષ્ટ્રપતિ તરીકે એમણે બાર વર્ષ કાર્ય કર્યું. પોતે હાથે કાંતેલા સૂતરનાં જ કપડા પહેરતા. રાષ્ટ્રપતિ ભવનનો એક નોકર શંકર કુંભાર તેમની સેવામાં રહ્યો હતો, પરંતુ ગામડાના આ લહેરી જીવને અહીં ફાવ્યું નહી એટલે પોતાના ગામ પિલાણી પાછો ગયો. એ પછી રાષ્ટ્રપતિ તરીકે તેઓ જ્યારે પિલાણીની મુલાકાતે જતા, ત્યારે પોતાના સેવકોને કહેતા કે, 'જરા શંકર કુંભારની ખબર કાઢી આવો અને કહો કે હું એને મળવા માંગુ છું.'

એમના સેવકોએ આવીને કહ્યું કે, 'શંકર કુંભાર એના કામમાં પડયો છે. એના ગધેડાઓ પર અહીં-તહીથી માટી ભરાવીને લાવે છે અને એની સાર-સંભાળ રાખે છે.' આ સાંભળી રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ ખૂબ હસ્યા અને શંકર જ્યારે મળવા આવ્યો ત્યારે એમણે કહ્યું, 'અરે શંકર, તેં તો ગધેડા જેટલી પણ મારી કદર ન કરી !'

રાષ્ટ્રપતિ ભવનમાં પણ ધ્યાન અને પૂજામાં ઘણો લાંબો સમય બેસતા એકવાર આવી બાબતથી પરેશાન થયેલા તારકેશ્વરી સિંહાએ પૂછ્યું કે, 'આપની પૂજા અને ધ્યાન ક્યારેય પૂરા થતા જ નથી.' ત્યારે રાજેન્દ્રબાબુએ કહ્યું, 'તું જ્યારે મોટી થઈ જઈશ ત્યારે તને આનું મહત્ત્વ આપોઆપ સમજાઈ જશે. ધ્યાન અને પૂજા ફક્ત આત્મા પરમાત્માનું મિલન જ કરતા નથી. બલ્કે પોતાના આત્મામાં બીજાના આત્મા પ્રતિ શ્રદ્ધા પણ પેદા કરે છે અને મનુષ્યને સદ્ભાવના અને સ્નેહના દોર વડે બાંધી દે છે. મનુષ્યમાં ભગવાનની જ્યોતિના દર્શન કરવાવાળા પર શ્રદ્ધા પ્રકટે એટલા માટે એ જરૂરી છે કે તે પરમાત્માનું ધ્યાન ધરે.'

રાજેન્દ્રબાબુએ પોતાના શયનખંડમાં એક શ્લોક લખાવ્યો હતો.

હારીએ ન હિંમત, વિસારીએ ન હરિનામ ।

જાહી વિધિ રાખે રામ, તાહી વિધિ રહીએ ।।

આ આખો દોહરો રાજેન્દ્રબાબુના ભારતીય આત્માનો પ્રતીક છે.

બાબુજી કેટલીક વાતોમાં અટલ શ્રદ્ધા ધરાવતા ધર્મનીતિના રક્ષણ માટે એમણે દેશનીતિ સ્વીકારી હતી.

એ સમયે સરદાર પટેલે સોમનાથ મહાદેવના મંદિરનો ઉદ્ધાર કર્યો. પ્રતિષ્ઠાવિધિ માટે રાજેન્દ્રપ્રસાદને નિમંત્રણ આપ્યું. આ સાંપ્રદાયિક કામ છે એમ માની વડાપ્રધાન વિરુદ્ધમાં હોવાનું સંભળાતું હતું, પણ તેઓએ તો કહ્યું, 'હું સોમનાથના ઐતિહાસિક મંદિરનું ઉદ્ધાટન કરવા જાઉં છું. આ રીતે કોઈ મસ્જિદ કે ગિરિજાઘરના ઉદ્ધાટન માટે પણ જાઉં.'

૧૯૬૨ની ૧૦મી મેએ આઝાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિભવનમાંથી વિદાય લીધી. રાષ્ટ્રપતિભવનમાંથી એ સીધેસીધા પોતાના જ જુના સદાક્ત આશ્રમની ઝૂંપડીએ પહોંચી ગયા. સાબરમતી આશ્રમ જેમ મહાત્મા ગાંધીનું સર્જન એમ સદાક્ત આશ્રમ એ રાજેન્દ્રબાબુનું સર્જન હતું. એ આશ્રમમાંથી જ એમણે આ જગતમાંથી વિદાય લીધી. વીણા જેવું માધુર્ય, પુષ્પ સમું પરાગ અને દીપક જેવો પ્રકાશ ફેલાવનાર એ જીવન આજે પણ દેશના માટે દીવાદાંડીરૃપ છે, પણ ઓહ! કોઈ જોનારું છે ખરું એ દીવાદાંડીને ?

આજની વાત

બાદશાહ: બીરબલ, ભારતના શા ખબર છે?

બીરબલ: જહાંપનાહ, ધર્મ શીખવે છે વિવેક, સંયમ અને શિસ્ત, પણ ધર્મસભાનો આ ઉપદેશ 'શેઠની શિખામણ ઝાંપા સુધી' જેવી છે.

બાદશાહ: ક્યોં?

બીરબલ: જહાંપનાહ, ધાર્મિક આયોજનો એટલી અણઘડ રીતે થાય છે  કે શ્રદ્ધાળુઓ એની ભીડમાં કચડાઈ જાય છે. કેટલાક મૃત્યુ પામે છે અને કેટલાક ગંભીર રીતે ઘાયલ થાય છે. હાથી અને મોટી સાઇઝની મોટરથી રથ ખેંચાતા રથો પણ આમાં ઉમેરો કરે છે. ધર્મનો વિવેક, સંયમ અને શિસ્ત આ આયોજનોમાં જોવા મળતા નથી. ધર્મ ક્ષેત્રે કેવો અધર્મ!

પ્રસંગકથા

એક બાજુ વિકાસની ગતિ અને બીજી બાબુ કંકાસની પરિસ્થિતિ!

બીમાર રમણલાલને એમની તબિયત વધુ ખરાબ થતી લાગી એટલે ફરી વાર ડૉક્ટર પાસે જવાનું નક્કી કર્યું. ડૉક્ટરે બીમાર રમણલાલને બરાબર તપાસ્યા. એ પણ જાણી લીધું કે એમણે અગાઉ ડૉક્ટરે આપેલી કોઈ સારવાર લીધી નથી, દવા પણ લીધી નથી એને પરિણામે એમનું દર્દ કાબુ બહાર ગયું.

ડૉક્ટરે રમણલાલને તપાસીને ઊંડો નિસાસો નાખતા કહ્યું, 'રમણલાલ, તમે તબિયતની બાબતમાં તદ્દન બેકાળજી રાખી છે. હવે આનું વળતર તમારે ચૂકવવું પડશે.'

રમણલાલે ગભરાઈને કહ્યું, 'હેં! શું કહ્યું? પરમ દિવસે મેં તમને મારી તબિયત બતાવી હતી એ વધુ કથળી છે.'

ડૉક્ટર કહ્યું, 'હા, હવે રોગ બેકાબુ બની ગયો છે.'

'સાહેબ, જે સાચું હોય તે કહો. ખરેખર શું સ્થિતિ છે ?'

ડૉક્ટરે કહ્યું, 'જુઓ, પરમ દિવસે નિદાન કરીને મેં તમને કહ્યું હતું કે હમણાં કાચાં કેળાં કે કાચી કેરી ખરીદતા નહી, હવે મારી સલાહ છે કે, આજે રાત્રે દહી મેળવવાને બદલે દૂધ જ પી જજો.'

'એટલે ?'

'કાલ કોણે દીઠી છે ?'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજના પક્ષાપક્ષી અને સોદાબાજીના રાજકારણમાં આવતી કાલની કોઈને ય ખબર નથી - જેમ ડોક્ટરે આજનું દૂધ આવતીકાલના દહી કરતા વધુ નિશ્ચિત હોવાનું કહ્યું તેમ! આજે રાજકારણી એક પક્ષમાં હોય અને કાલે વિરોધ પક્ષમાં હોય પણ ખરો! આજે એનો પોતાના નેતાને મજબૂત સાથ હોય અને આવતી કાલે એ બળવાખોરોનો હાથ પકડીને ચાલતો હોય. આવી ડામાડોળ પરિસ્થિતિમાં સરકારી તંત્ર કામ કરતું ખોરવાઈ જાય છે. નેતાઓ દાવપેચમાં ડૂબી જાય છે અને એનું પરિણામ એ આવે છે કે એક બાજુ દેશ વિકાસ તરફ ગતિ કરે છે તો બીજી બાજુ કંકાસની પરિસ્થિતિમાં અવળી ચાલે ચાલે.

City News

Sports

RECENT NEWS