For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પંથ એ તો માત્ર પ્રસિદ્ધિ, પ્રચાર અને પેટ ભરવાનો માર્ગ બન્યો છે!

Updated: Jul 28th, 2022

Article Content Image

- ધર્મોને સામસામે ઊભા રાખવાથી અંતે આવેશ અને આક્રમકતા જ મળે છે!

- જિને કા ચાહિયે હરરોજ બહાના કોઈ,

મૌત તો મેરે મુકદ્દર મેં લીખી હુઈ હૈ,

જિંદગી બડે ચૈન સે હમને ગુજારી હૈ,

અબ જહાં મેં મૌત હી હમે રાસ આયી હૈ.

આ જગતમાં કેટલાક સંતો સત્યના પૂજારી હોય છે. એમની નજરમાં આત્મા પાસે દેહની, દુનિયાની કે દુન્યવી સંપત્તિની કશી કિંમત હોતી નથી. કામિની અને કંચનના તેઓ ત્યાગી હોય છે. માનઅપમાન કે કીર્તિની તેમને પરવા હોતી નથી. એવા સંત હતા શ્રી રામકૃષ્ણ પરમહંસ!

શાસ્ત્રમાં ચાર પ્રકારના સંન્યાસી કહ્યા છે. એમાં સહુથી ઊંચા સંન્યાસી તે પરમહંસ કહેવાય. આ સ્વામી રામકૃષ્ણ એ પરમહંસ કોટિના સંન્યાસી હતા. એ દરેક સ્ત્રીને 'મા' કહેતા. સોનાને માટી કહેતા. ધનને અડવાની વાત કેવી, પાસે પડયું હોય તો યે અકળાય. એકવાર કોઈએ પથારી નીચે બે આની મૂકી દીધી, સ્વામી રામકૃષ્ણ કહે, 'અરે, આટલામાં ક્યાંય ધન છે. મને એની ગંધ આવે છે.'

એ બે આની પથારી નીચેથી લઈ લીધી પછી એમને ઊંઘ આવી.

આવા પુરુષને એકવાર વિચાર થયો, દુનિયા જુદા જુદા દેવ-દેવલાંને પૂજે છે, તેનો સાર શો? આ રામ ને કૃષ્ણ જુદાં કે એક? ઈશુ ખિસ્ત ને ભગવાન બુદ્ધ બંને એક કે જુદા? ઈશ્વરને અલ્લા ભિન્ન કે એક? તેમણે જાતઅનુભવથી પાકી ખાતરી કરવાનો નિશ્ચય કર્યો.

સંસારમાં પંડિતોનો પાર નથી. પોથી-પુરાણ કંઈ ઓછાં નથી, પણ એમ માત્ર પંડિતાઇથી કલ્યાણ ન થાય. ફક્ત વાંચે કંઈ સાર ન મળે! વળી સ્વામીજી તો ભણ્યા જ નહોતા. એ તો કહેતા કે ઈશ્વરને જાણવો એ એક જ્ઞાાન, બાકી બધું અજ્ઞાાન. કહ્યું જ છે ને કે પ્રેમના અઢી અક્ષર ભણે, એ જ સાચો પંડિત.

માત્ર વાતોથી કે બુદ્ધિની દલીલોથી તત્ત્વ મળતું નથી, એ માટે તો એ ધર્મનું ભાવપૂર્વક, પ્રેમ ને શ્રદ્ધાથી ધ્યાન કરવું જોઈએ. એમાં લયલીન બની જવું જોઈએ. સ્વામીજી મૂળ તો મહાકાલીના પૂજારી. એમણે એક રામાનંદી સંન્યાસી પાસેથી રામ-મંત્રની દીક્ષા લીધી. રાત ને દિવસ શ્રી રામનું જ રટણ! રઘુવીર, રઘુવીર જપ્યા કરે. એમને ઊંડા ઊતરતાં એમ લાગ્યું કે રામને પિછાણવા માટે હનુમાન થવાય તો જ કામ સરે!

બસ, તેેમણે મનચિત્ત હનુમાનજીમાં જોડી દીધું. થોડા સમયમાં પોતાની જાતને હનુમાનમય બનાવી દીધી. એમાં એટલા લીન થઈ ગયા કે હનુમાનજી જેવો વેશ ધારણ કર્યો. વૃક્ષ પર રહેવા લાગ્યા ને રઘુવીર-રઘુવીરનો જાપ જપવા લાગ્યા. શ્રીરામમાં સુરતા લગાડી દીધી. શ્રીરામ-શરણનું સત્ય તારવી લીધું.

આ પછી શ્રી કૃષ્ણની ઉપાસનામાં ડૂબ્યા. મન એવું અરીસા જેવું કે જેવું ધારે તેવું પ્રતિબંબ પાડી શકે. અહર્નિશ તેઓ કૃષ્ણ કૃષ્ણ જપવા લાગ્યા. શ્રીમદ્ ભાગવત ને ગીતાજીનો મર્મ ગ્રહણ કરવા માંડયો. એ મર્મ ગ્રહણ કરતાં એમને લાગ્યું કે ભગવાન શ્રીકૃષ્ણ મુરારીને જેવા ગોપીઓએ ઓળખ્યા, એવા વિદ્ધાનો ને સંતોએ ન ઓળખ્યા. શ્રીકૃષ્ણની ભક્તિ તો સખીભાવે, ગોપીભાવે કરવી જોઈએ.

બસ, સ્વામીજી તો એવા મસ્ત આત્મા હતા કે સખીભાવમાં ઊતરી ગયા. પોતે ગોપીના જેવો સ્ત્રી-વેશ ધારણ કર્યો. લોકલાડમાં મન રહે ત્યાં સુધી ભગવાન પ્રસન્ન ન થાય! અસલ ગોપી બનીને શ્રીકૃષ્ણને આરાધી રહ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે! આખો દિવસ એ જાપ જપવા લાગ્યા!

ધન્ય, ધન્ય! આવા સંતો તો પૃથ્વી પર વિરલા હશે! હરિનો મારગ છે શૂરાનો! કહેનારે સાચું કહ્યું છે.

એ સમયે પંજાબમાં શીખ ધર્મની ભરતી ચાલે. 'જય સદ્ગુરુ! સત શ્રી અકાલ!' થી આખો પ્રાંત ગાજી રહ્યો હતો. 'ગ્રંથસાહેબ'નું વાચન ભારે આદરમાનથી થાય. સ્વામીજી એક સાચા શીખભક્ત બન્યા. કંકણ, કૃપાણ, કેશ, કચ્છ ને કાંસકી ચઢાવ્યાં. ગુરુ નાનકના ઉપદેશને જીવનમાં ઉતાર્યો!

આમ દરેક ધર્મની જ્ઞાાન ને ભક્તિની વિવિધ શાખાઓમાં પરિભ્રમણ કર્યું. ધર્મોની સ્વકલ્પિત પ્રણાલિકાઓની પ્રેમથી સાધના-આરાધના કરી. પ્રત્યેકની ઉચ્ચ અવસ્થામાં પહોંચીને તત્ત્વ પ્રાપ્ત કર્યું. કહે છે કે તેઓ બૌદ્ધ ધર્મી પણ બનેલા. બૌદ્ધ ભિક્ષુ બનીને એના જેવો વેશ ધારણ કરેલો. બૌદ્ધ વિહારમાં 'બુદ્ધસ્ય શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ'નો પાઠ પઢ્યા. એમના તૃષ્ણા-ત્યાગના મહિમાને ખૂબ વિચાર્યો!

આપણામાં એક ખામી છે. આપણે મનથી હિંદુ રહીને મુસ્લિમ ધર્મની પરીક્ષા કરવા નીકળીએ છે અથવા મનથી ખ્રિસ્તી રહીને હિંદુ ધર્મનો અનુભવ કરવા નીકળીએ છે. એમ સાર ન મળે. સાચી પરીક્ષા તો તન્મય બન્યા સિવાય, તલ્લીન થયા સિવાય, મનના બધા ગ્રહ છોડયા સિવાય ન થાય.

એમને લાગ્યું કે આત્મજ્ઞાાનનો ઈજારો એકલા હિંદુઓનો નથી! ઈસ્લામ પણ ઐક્ય અને શાંતિ માટેનો ધર્મ છે, એ ધર્મનાં રહસ્યો જાણવા ઘટે. તેઓ દમદમા નામે સાંઈ પાસે જઈ સત્ત્વ મેળવી મુસ્લિમ બન્યા. એક પરહેજગાર મુસ્લિમનો પોશાક ધારણ કર્યો.  દાઢી રાખી રોજ નમાજ પઢવા લાગ્યા. પવિત્ર કુરાન સાંભળવા લાગ્યા. સારાંશમાં તમામ દીની ફરજો અદા કરવા લાગ્યા. કહે છે કે ત્રણ દિવસમાં હ્ય્દયમાંથી હિંદુભાવ એવો લુપ્ત થઈ ગયો કે મંદિર જ્યાં નિત્ય જવાનો નિયમ હતો-ત્યાં ન જતા, તેમજ પ્રસાદ પણ ન લેતા. તેઓ કહેતા કે કાફર એટલે દુશ્મન. અને માણસના દુશ્મન માત્ર છ - કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને અહંકાર-એ છ કાફરોને હણે એ સાચો મુસ્લિમ, એ જ સાચો માનવ!

અજબ પુરુષ! આમ કરવાની હિંમત સ્વામીજીની જ! કાચા-પોચાનું ગજું નહીં. બીજાને તો નાત તજવી પડે. કુટુંબવાળા તો બોલાવે શાના! અરે, ગામ તજવું પડે, વાત આખી દુનિયા સાથે ભાઈચારાની કરે, પણ ભાઈપણું બતાવવાનો વખત આવે કે સહુ આઘા ભાગે!

આ તો દિવ્ય લોકની વિભૂતિ! એમને વળી નાત કેવી? એમનું કુટુંબ પ્રાણીમાત્ર! અને એમને ગામ સાથે શી નિસ્બત? એમને તો સબ ભૂમિ ગોપાલ કી! એમને લોકલાજ, જગપ્રશંસા, દુન્યવી માનઅપમાનની તમા જ નહીં.

દુનિયામાં રહે, પણ જળમાં કમળ રહે તેમ. અરે, તેમણે ખ્રિસ્તી ધર્મની પણ સાધના કરેલી. માતા મેરીના ખોળામાં સૂતેલા બાળ ગોપાળ ઈસુખિસ્તનું ચિત્ર જોઈ તેમને સમાધિ ચઢી ગયેલી. પછી તો ગિરજાઘર અને પાદરીઓની વચ્ચે જઈ વસ્યા. એક આદર્શ ખ્રિસ્તી બની રહ્યા. એ દિવસોમાં કાલી, કૃષ્ણ, શિવ, રામ કંઈ પણ બોલતા નહીં. માત્ર ઈશુ ભગવાનનું રટણ!

અનેક પંથવાળા એમને લલચાવવા લાગ્યા, સહુને મન તો પંથ એ પ્રસિદ્ધિનો, પ્રચારનો, પેટ ભરવાનો માર્ગ હતો. પણ સ્વામીજી તો ફૂલોમાંથી માત્ર મધુ ચૂસનાર ભ્રમર હતા. એનું પોતાનું સ્થાન-એમનો મધપૂડો તો બીજે જ હતો. એ કાંઈ શીરા માટે શ્રાવક થનાર નહોતા. એ કંઈ પંથ શોધવા નહોતા નીકળ્યા, પ્રભુની શોધમાં નીકળ્યા હતા. અને કંચન, કામિની ને કીર્તિ ત્રણેને છોડીને નીકળ્યા હતા. ભલા, પછી એમને લોભાવાનું શામાં?

આ બધા સત્યના પ્રયોગો થયા, પણ મુદ્દાની વાત હવે જાણવાની હતી. આટઆટલા અભ્યાસ, અનુભવ ને ઉપાસના પછી અનુભવ તારવવાનો વખત આવ્યો.

આખરે સ્વામીજીનો માંયલો મરમ પકડયો. મહાપુરુષો મધમાખ જેવા હોય છે. સાર હંમેશાં ગ્રહણ કરી લે. હજારો ફૂલડાળો પર બેસીને ફૂલમાંથી મધુ-મધુ ચૂસી લે, ને મધપૂડો રચે. મધમાખી ને આપણે મીઠાશ માણી શકીએ. આકાશમાંથી સ્વાતિનું જળ વરસે, તે છીપમાં પડે. એમાં મોતી પાકે. એ મોતી ક્યા મેઘનું બિંદુ એની માથાકૂટ નકામી.

સ્વામી રામકૃષ્ણદેવે આ સાગર વલોવી ચાર રત્ન કાઢ્યાં. અદ્ભુત રત્ન! બજારું રત્નની કિંમત કરનાર ઝવેરીઓ મળી રહે, પણ આની કિંમત તો વિરલા જ સમજે. પેલું રત્ન વીંટીએ જડેલું હાથને શોભાવે, આ રત્નને હ્ય્દયમાં જડીએ તો આખા જીવનને દીપાવે.

સ્વામી રામકૃષ્ણદેવે પહેલું રત્ન એ આપ્યું કે ઈશ્વર એક છે. જેમ જળ એક છે. પણ પાણી કે વોટરને ગમે તે નામે પોકારીએ, પણ તેથી મળશે તો પાણી જ. તેમ ઈશ્વરની બાબતમાં સમજવું.

બીજું રત્ન એ કે લોકો ઈશ્વરને જુદે જુદે નામે ઓળખે છે.

ત્રીજું રત્ન કે એને મેળવવા લોકો જુદા જુદા માર્ગ-પંથ ગ્રહણ કરે છે.

ચોથું રત્ન - સર્વના ધર્મ સત્ય છે. બધા એકની જ ઉપાસના કરે છે. માટે કોઈએ બીજાનો ધર્મ ખોટો છે એમ ન કહેવું.

સામાન્ય રીતે ધર્મ ભેદ પાડે છે, વિવાદ સર્જે છે, સંઘર્ષ ઊભો કરે છે, ત્યારે એમણે ભેદને બદલે  અભેદની દષ્ટિ રાખી. પોતાની સાધના માટે એમણે સઘળા ધર્મોને સ્થાન આપ્યું. પરિણામે એ રહસ્યદર્શી સંતે કહ્યું કે દુનિયામાં સઘળા ધર્મો સમાન છે. ઈશ્વરના સાકાર અને નિરાકાર બંને સ્વરૂપમાં તેઓ માનતા હતા. એકેશ્વરવાદ અથવા અનેકેશ્વરવાદ જેવા ભેદ એમને નહોતો.

આજે ધર્મો સામસામે ઊભા છે એમાં આવેશ અને આક્રમકતા ઉમેરાયા છે, ત્યારે રામકૃષ્ણ પરમહંસનું સ્મરણ કરવાની જરૂર છે. એમણે કહ્યું કે બધા જ ધર્મોની ખોજ ઇશ્વરની જ છે, પણ માત્ર તેના અભિગમ જુદા છે. જગતમાં રહો, પણ તેનાથી પર એવા પરમતત્ત્વનું ચિંતન કરો. પાણીમાં રહેલા કાચબાને જુઓ. એ પાણીમાં રહે છે પણ તેનું લક્ષ્ય કિનારા પર તેણે મૂકેલાં ઈંડાંમાં જ હોય છે. આવાં રૂપકો અને દષ્ટાંતો દ્વારા એમણે એમના રહસ્યવાદને સમજાવ્યો. સત્યની શોધ માટે માનવઆત્મા વડે ખેડાઈ ચૂકેલા તમામ ધર્મ-પંથના માર્ગોનું એમણે ખેડાણ કર્યું, તે ભારતને એમણે આપેલી પહેલી ભેટ અને શ્રીરામકૃષ્ણ પરમહંસની બીજી મોટી ભેટ તે એમની પાસેથી દેશને મળેલા એમના શિષ્ય, સ્વામી વિવેકાનંદ.

આજની વાત

બાદશાહ: બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ: જહાંપનાહ, આજે દેશમાં થતી લોકતંત્ર વિશેની ચર્ચામાં પક્ષ, વિપક્ષ, રિસોર્ટ અને કોર્ટની જ વાતો સાંભળવા મળે છે.

બાદશાહ: ક્યા ખૂબ!

બીરબલ: જહાંપનાહ, આ આખાય લોકતંત્રમાં લોકો ક્યાંય દેખાતા કે મળતા નથી! આ લોકો રિસોર્ટમાં નહીં હોય કે કોર્ટમાં નહીં હોય એ તો બેબસ બનીને લાઈનમાં ઊભા રહેલા જોવા મળશે.

પ્રસંગકથા

રાતોરાત રંગ બદલાઈ જાય છે!

જીમી સાથેની શરતમાં ટોની વારંવાર હારી જતો હતો. ટોનીએ પોતાની પાસેની સઘળી રકમ ગુમાવી અને એથીય વધુ એને માથે મોટું દેવું થઈ ગયું. વારંવાર હારેલા ટોનીએ મિત્ર જીમીને કહ્યું, 'બસ, ઘણું થયું, હું એટલી બધી વાર શરત હારી ગયો છું અને મારી હાલત એવી બૂરી થઈ ગઈ છે કે હવે પછી હું ક્યારેય તારી સાથે શરત નહીં લગાવું.'

જીમીએ કહ્યું, 'તું ભલે ગમે તે કહે, પણ શરત લગાવવી એ તારો સ્વભાવ છે. હું તારી વાત સહેજે માનતો નથી.'

'ના,ના. મેં સોગંદ લીધાં છે. હવે તો ક્યારેય નહીં.'

આ સાંભળીને જીમી ખડખડાટ હસી પડયો અને બોલ્યો, 'જવા દે ને ! તું જરૂર તારા આ સોગંદ તોડવાનો.'

ટોનીએ કહ્યું, 'કદી નહીં તોડું, લગાવી છે શરત પાંચસો-પાંચસોની?'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે ધારાસભ્ય કે લોકસભાના સભ્ય ટોનીની માફક પક્ષની શિસ્તના ચુસ્ત પાલનની વાત કરે છે, પણ જેમ ટોની શરત લગાવ્યા વિના રહી શકતો નથી, તેમ બીજે ક્યાંય લાભ દેખાય એટલે એ પ્રજાના પ્રતિનિધિ રાતોરાત પક્ષપલટો કરે છે. એક સમયે એણે પોતાના પક્ષની આગવી વિચારધારાનો મહિમા કર્યો હોય છે. વિરોધી પક્ષ પર આક્ષેપોનો વરસાદ વરસાવ્યો હોય છે અને એના નેતાઓ વિશે અનાપ-શનાપ બોલવામાં કશું બાકી રાખ્યું હોતું નથી !

પણ એવામાં જો કોઈ રાજકીય તક મળે, ચૂંટણીની ટિકિટની આશા મળે, તો રાતોરાત કંઠી બદલાઈ જાય છે. પક્ષની શિસ્ત કે વફાદારી વિસરાઈ જાય છે. વિચારધારાની તો કોઈ વાત જ રહેતી નથી. ગઈકાલ સુધી જે પક્ષ અને નેતાઓની ટીકા અને વિરોધ કર્યો હતો, તેમની રાતોરાત પ્રશંસા કરવા માંડે છે.

પ્રજા રાજકારણીઓના બદલાતા રંગ જુએ છે અને અફસોસનાં આંસુ સારે છે !

Gujarat