mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

હે શ્યામસુંદર! અસલનો તેં સ્વીકાર કર્યો, એમ નકલનો પણ સ્વીકાર કર...

Updated: Jul 4th, 2024

હે શ્યામસુંદર! અસલનો તેં સ્વીકાર કર્યો,  એમ નકલનો પણ સ્વીકાર કર... 1 - image


- જગન્નાથપુરીના વિશાળ પ્રાંગણમાં ગોવર્ધનધારીના નમ્ર પૂજારીને દેવનાં જેવાં માન-સન્માન મળ્યાં

- લોગ આયે, ચલે ગયે લેકિન યાદ કે ચંદ ખ્વાબ રખતે ગયે.

સાયંકાલનાં સમયે જગન્નાથપુરીનું મહામંદિર માનવસમૂહથી ભરચક થઈ ગયું હતું. એના સુવર્ણરચ્યાં  શિખરો પર સંધ્યાચળનાં કિરણો રમતિયાળ ગેલ કરતાં હતાં. હવામાં ઝુમતી એની પતાકાઓ ચોતરફ દ્રષ્ટિગોચર થતી હતી. એવે સમયે અસલી અને નકલી 'ગીતગોવિંદ' વચ્ચેના ભેદનો ન્યાય થઈ રહ્યો હતો. માનવીય ન્યાય જ્યારે ઇન્સાફ આપી શકતો નહોતો, તેથી આજે ઈશ્વરને ન્યાય માટે આમંત્રવામાં આવ્યો હતો.

એક બાજુ રાજા સાત્ત્વિકરાયે એમ કહ્યું કે, 'ગીતગોવિંદ' એ મારી કૃતિ છે અને ગૌડેશ્વર મહારાજ લક્ષ્મણસેનનાં રાજકવિ જયદેવે એને પોતાની કૃતિ જાહેર કરીને ખોટો યશ ખાટયો છે. સચ્ચાઈ કળવા માટે કવિ-પંડિતોનું પંચ નિમવામાં આવ્યું. દિવસોનાં દિવસો વિતવા છતાં તેઓ અસલ અને નકલનો ભેદ કળી શક્યા નહીં. સમર્થ કવિરાજો પણ છેવટે એ મત પર આવ્યા કે રાજા સાત્ત્વિકરાય અને કવિ જયદેવની કૃતિમાં એટલી બધી ચાતુરી છે કે અસલ અને નકલનો ભેદ કળી શકાતો નથી. આચાર્ય ગોવર્ધનશર્માનો મત એ પ્રકારનો હતો કે જયદેવ ધૂર્ત છે. જ્યારે રાજા એ રાજા. એ કંઈ ખોટું ન કહે. સાત્ત્વિકરાય તો વર્ષોથી કાવ્યરચના કરે છે. એમની તો અનેક કૃતિઓ પ્રસિદ્ધ છે, જ્યારે જયદેવની તો ગણો કે ન ગણો પણ આ એક જ કૃતિ મળે છે.

આ પરિસ્થિતિથી મહારાજ લક્ષ્મણસેન મુંઝાઈ ગયા. ન્યાય આપવો અશક્ય થઈ પડયો. છેવટે એમણે વિચાર્યુંં કે જે વાતનો મનુષ્યશક્તિ નિર્ણય કરી ન શકે. એ વાતનો નિર્ણય ઈશ્વર કરે. ભગવાન જગન્નાથનાં દરબારમાં રાજા સાત્ત્વિકરાય અને મહાકવિ જયદેવ - એ બંનેના 'ગીતગોવિંદ'ને પધરાવો. ભગવાન જેનો સ્વીકાર કરે તે સાચું 'ગીતગોવિંદ'. જેનો સ્વીકાર ન કરે તે નકલી 'ગીતગોવિંદ'.

સહુનાં મનમાં એવો સવાલ હતો કે કળિયુગમાં આવા ચમત્કાર થશે ખરા? પરંતુ કસોટીના દિવસે જગન્નાથપુરીના મહામંદિરમાં વાજતે-ગાજતે ગૌડેશ્વરની સવારી આવી પહોંચી. કવિરાજ જયદેવે પોતાના બે હાથમાં પોતાના કાવ્યની પ્રત ધરી હતી. રાજા સાત્ત્વિકરાયના પંડિતરાજે પણ પોતાના હાથમાં રાજા સાત્ત્વિકરાય રચિત 'ગીતગોવિંદ'ની પ્રત રાખી હતી.

બંનેએ મહામંદિરના ગર્ભદ્વારમાં પ્રવેશી એક રૂપાના બાજોઠ પર પોતપોતાની કૃતિ મૂકી દીધી. પાસે જ સોનાની ધૂપદાનીઓમાંથી સુગંધી ધૂપ ગૂંચળાં વાળતો ઊંચો ચઢતો હતો. સુંદર દીપમાળાઓથી ગર્ભગૃહ ઓપી રહ્યું હતું. ભગવાન જગન્નાથથી મૂર્તિ જાણે મંદમંદ હાસ્ય કરતી હોય, એમ એના ચહેરા પર આછું તેજ ઢોળાઈ રહ્યું હતું.

મહાકવિ જયદેવે કહ્યું, 'હે ગોવર્ધનધારી, ગોવર્ધન પર્વતનો ભાર ઉઠાવી એક દિવસ તમે ભક્તોની ભીડ ભાંગી હતી. આજે તારા આ શુદ્રાતિક્ષુદ્ર ભક્તને તારી જરૂર પડી છે. તારું કાવ્ય છે. ને તને પસંદ હોય તો તારા હૈયે ધારણ કરજે! હે વહાલા, વિલંબ ન કરતો, નહીં તો આ કાવ્ય સાથે તારો કવિ પણ સમુદ્રમાં સમાધિ લેશે.'

સામે પક્ષે રાજા સાત્ત્વિકરાયે નમન કરીને કહ્યું ઃ 'હે પ્રભુ, સામાન્ય માનવીને નિર્ણય કરવા યોગ્ય વિષયમાં તને વૈકુંઠમાં સાદ દેવો શોભતો નથી. પણ જ્યારે સહુએ એવી જ ધારણા રાખી છે. તો અસલ ને નકલ બંનેને પારખી લેજે, ને તેનો સ્વીકાર કરજે!'

'જય ગોવર્ધનધારી!' બધેથી પોકાર થયો. કવિ અને રાજા બંને મહામંદિરમાંથી બહાર નીકળી ગયા. મહારાજ લક્ષ્મણસેનની આશા મુજબ મહામાત્ય ઉમાપતિ ગર્ભગૃહનો ખૂણેખૂણો જોઈ વળ્યા, ને દ્વાર બંધ કરવા આજ્ઞાા આપી. સહુ શાંત ચિત્તે બહાર અંજલિ જોડીને ઊભા રહ્યા.

સમય પસાર થવા લાગ્યો. સહુની ઉત્કંઠાનો પાર નહોતો. પંડિતો એકબીજાનાં મોં નીરખી આંખમીંચામણાં કરતા હતા. ગૌડેશ્વર મહારાજ લક્ષ્મણસેન તો પ્રભુધ્યાનમાં લયલીન બની ગયા હતા. કવિરાજ આંખ મીંચીને ઊભા હતા. જનમેદનીમાંથી કોઈ કહેતું, 'હડહડતા કળિયુગમાં આ વળી નવું નાટક! અરે, ભાઈ! દેવ ગયા ડુંગરે ને પીર ગયા મક્કે. ખાલી આ માથાકૂટ!'

કોઈ કહે, 'રાજા એ રાજા, બ્રાહ્મણ એ બ્રાહ્મણ. અરે, એણે પોતાનું કાવ્ય મહારાજાના નામથી લખ્યું હોત તો ભવની ભૂખ ભાંગી જાત ને? મોટા મોટા કવિઓ પણ પોતે લખી લખીને રાજાના નામે ચઢાવે છે. અરે ભાઈ, રાજાનો વિદ્વત્તાનો શોખ પૂરો થાય ને પંડિતનું કામ પણ થાય.'

વખત વીતતો ચાલ્યો, એમ વિધવિધ ચર્ચાઓનાં પુર ફાટી નીકળ્યાં. કોઈ કંઈ તો કોઈ કંઈ. પણ મહારાજ અડગ હતા. ધીરેથી આચાર્ય ગોવર્ધન શર્માએ કહ્યું ઃ

'દ્વાર ઉઘાડીએ?'

'ના, કંઈ પણ દૈવી સંજ્ઞાા થયા વગર નહીં.'

'પણ પગે પાણી ઊતર્યાં.' રાજા સાત્ત્વિકરાયથી બોલાઈ ગયું.

ગૌડેશ્વર મહારાજ લક્ષ્મણસેનના ચહેરા પર અણગમો દર્શાવતી બે રેખાઓ તરવરી ઊઠી. માનવમેદની પણ નિષ્ક્રિય ઊભી રહેવાથી કંટાળી હતી.

જનમેદનીમાંથી કોઈ બોલ્યું, 'મહામંદિરની એકાદ દાસીનાં નૃત્યગાન તો થવા દો. વખત તો નીકળે!' અચાનક ગર્ભગૃહમાં ઘંટારવ થતો. સંભળાયો, આરતીની ઝાલર બજતી કર્ણગોચર થઈ.

'જય વૃંદાવનવિહારી!' કવિરાજે ગર્જના કરી. ભક્તસમુદાય ગર્જી ઊઠયો ઃ 'જય ગોવર્ધનધારી!'

ગૌડેશ્વરે દોડીને દરવાજા ખોલી નાખ્યા. સહુની નજર ભગવાન ગૌવર્ધનધારીના હૃદય પર પડી. ત્યાં મહાકવિ જયદેવનું રચેલું કાવ્ય બિરાજમાન હતું, ને રાજાનું કાવ્ય બાજોઠ પરથી નીચે પડયું હતું.

'જય હો કવિરાજ રાજેશ્વર જયદેવનો!' મહારાજ લક્ષ્મણસેન ઉત્સાહ રોકી શક્યા નહીં. એમણે જ પૂર્વ જયદેવને 'કવિરાજ રાજેશ્વર'નું બિરુદ આપ્યું હતું. એમણે કવિના ચરણમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં, ને પછી બાથમાં તેડીને ભગવાનના દરબારમાં નાચ્યા. પંડિતરાજ શરણદેવ, મહાકવિ ધોયી, કવિવર ઉમાપતિ બધાએ મહારાજનું અનુકરણ કર્યું. આચાર્ય ગોવર્ધન શર્મા તો લળી લળીને નમસ્કાર કરી રહ્યા હતા.

રાજા સાત્ત્વિકરાયની સ્થિતિ વિચિત્ર હતી. ચારે તરફની મેદનીમાંથી ભાતભાતના પડકાર સંભળાતા હતા ઃ 'પાપીના પાપને ભગવાને પણ ખુલ્લું કર્યું. એણે અનેક વિદ્વાનોની વિદ્વત્તાને પોતાની બનાવી છે, ને બિચારાઓને નામશેષ કર્યા છે.'

'અરે, છંદનું તો જ્ઞાાન નથી, ને 'કવો' થવા નીકળ્યા છે.'

'આખરે શેરને માથે સવા શેર મળ્યો. વગર જ્ઞાાનના વિદ્વાનની બીજી શી દશા થાય?' લોકાપવાદથી રાજા સાત્ત્વિકરાય વ્યાકુળ બની ગયો. એનાથી આ આક્ષેપો અસહ્ય બન્યા. આવી અપકીર્તિથી જીવવું એના કરતાં આપઘાત શો ખોટો? અને રાજમહેલના એકાદ ખૂણે ગળે ચીપ દઈ ગૂંગળાઈને મરવું એના કરતાં ભગવાનનો આ દરબાર શો ખોટો? રાજા ગર્ભગૃહમાં ધસ્યો. એણે સાષ્ટાંગ પ્રણિપાત કર્યા ને પછી ઘૂંટણિયે થઈ પોતાની કટાર કાઢી. દીપમાળાઓના તેજમાં એ ઝળાંહળાં થઈ રહી.

'શાંતમ્ પાપમ્, રાજન્! આ દીવાનાપણું?' ગૌડેશ્વરે હાથ પકડી લીધો.

'મહારાજ, મને મરવા દો, મરવામાં જ મારી મહત્તા છે.'

કવિરાજ જયદેવ બોલી ઊઠયા, 'શા માટે મરવું પડે, રાજન્? તમે કંઈ અપરાધ નથી કર્યો, ભગવાનના ગુણ ગાયા છે. ભગવાન તમારા કાવ્યને શા માટે નહીં સ્વીકારે?'

'શું મારું કાવ્ય સ્વીકારશે?'

'અવશ્ય.' કવિરાજ જયદેવજી ભગવાન તરફ ફર્યા ને હાથ જોડી આજીજી કરતાં બોલ્યા ઃ 'હે શ્યામસુંદર! અસલનો તેં સ્વીકાર કર્યો, એમ નકલનો પણ સ્વીકાર કર! નિંદા વાટે પણ તને સમરનારને તું તારે છે, તો આ તો તારો ભક્ત છે. તારા જ ગુણનું કાવ્ય છે, સ્વીકારી લે, મારા નાથ!'

'તથાસ્તુ!' ગુંબજમાં પડઘો પડયો ને અજબ રીતે નીચે પડેલી પ્રત ભગવાનના ચરણ પાસે પહોંચી ગઈ.

ફરીથી ઘંટારવ બજી ઊઠયો. રાજા સાત્ત્વિકરાય મહાકવિ જયદેવના ચરણમાં પડયા. એણે કહ્યું ઃ 'મારો અપરાધ ક્ષમા કરો. મારા પંડિતોએ મને છેતર્યો.'

'માનવી શું છેતરવાના હતા? રાજન્, આપણા હૃદયની લાલસા જ આપણને છેતરે છે. સ્વસ્થ થાઓ. તમારો ને મારો જૂનો સંબંધ છે.'

રાજા કંઈ ઉત્તર વાળી શક્યો નહીં, પણ ધીરે ધીરે બધે સમાચાર પ્રસરતા ગયા, તેમ ઉત્સાહ વધતો ગયો. સહુ પત્રપુષ્પ, ફૂલફળ લઈ એકઠા થવા લાગ્યા.

જગન્નાથપુરીના વિશાળ પ્રાંગણમાં એ દિવસે દેવના એક નમ્ર પૂજારી જયદેવને દેવ જેવાં માન-સન્માન મળ્યાં. પ્રજાનો હર્ષ કે રોષ સદાય અસામાન્ય હોય છે. કવિરાજ રાજેશ્વર જયદેવનું 'ગીતગોવિંદ' એમના જીવનકાળમાં જ ભારતવર્ષમાં પ્રસિદ્ધ બની રહ્યું. પોતાના જીવનકાળમાં આવું સદ્ભાગ્ય બહુ ઓછા કવિઓને વર્યું છે. 

આ લોકોત્તર પ્રેમશૃંગાર કાવ્યનાં એની રચના, ગીતિ, માધુરી અને પદબંધનાં અનેક અનુકરણો થયાં, પણ તે અનુકરણ માત્ર જ રહ્યાં. 'ગીતગોવિંદ'ની ગેયતા અને માધુર્યને કોઈ સ્પર્શી શક્યું નથી. વર્ષો વીત્યાં, પણ 'ગીતગોવિંદ' એની મૌલિકતામાં અજોડ રહ્યું છે. એણે યુગે યુગે શકવર્તી છાપ ઉપસાવી છે.

Gujarat