Int ane Imarat

બેવડી લડાઈ ખેલતો અણનમ યોદ્ધો

By GS Team
24 Sep 20267 mins read
TukuTouch Logo
ટેનિસ સ્ટાર એલેક્ઝાન્ડર ઝવેરેવને 4 વર્ષની ઉંમરે ટાઈપ-1 ડાયાબિટીસનું નિદાન થયું હતું. 2 ગ્રાન્ડ સ્લેમ જીતનાર ઝવેરેવ ડાયાબિટીસને અવરોધ નહીં પણ જીવનનો ભાગ માને છે. તેમણે 'એલેક્ઝાન્ડર ઝવેરેવ ફાઉન્ડેશન' પણ સ્થાપ્યું છે, જે ડાયાબિટીસથી પીડિત બાળકોને મદદ કરે છે. ઝવેરેવના સંઘર્ષની આ કહાણી અનેક લોકો માટે પ્રેરણાદાયી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેવડી લડાઈ ખેલતો અણનમ યોદ્ધો
  • એક બાજુ પ્રબળ પ્રતિસ્પર્ધી અને બીજી બાજુ જીવલેણ વ્યાધિ
  • એલેક્ઝાન્ડર ઝવેરેવ
  • દામ બઢતે હી ગયે અહેસાસ કે ઇસ શહર મેં,
    હર ખરીદાર સિર્ફ ચહેરોં કો હી પઢતા રહા.

સતત બે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ મેળવીને વિજેતા બનેલા એલેક્ઝાન્ડર ઝવેરેવનો આ સંદેશો છે કે, 'ડાયાબિટીસની વ્યાધિ સાથે તમે કોઈ પણ કરી શકો છો અને કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.'
એ પછી સમર્થ ટેનિસ વિજેતા ઝવેરેવને પૂછવામાં આવ્યું કે પૂરેપૂરો સ્વસ્થ માણસ કરતા ડાયાબિટીસ ધરાવનાર વધુ મજબૂત હોય છે ખરો? ત્યારે એણે સ્વીકાર કર્યો કે કોઈ આ વ્યાધિ ઇચ્છતું નથી. વળી, આવો રોગ હોય તો એનાથી વ્યક્તિ વધુ મજબૂત બનતો નથી. હકીકતમાં ડાયાબિટીસ એ જીવનભરની એક જવાબદારી છે અને એણે મને મારા જીવનમાં ઘણી સહાય કરી છે. જો કોઈ મને એમ કહે કે, 'તમે આ વ્યાધિને કારણે આ કામ નહીં કરી શકો.' તો હું એને ખોટો પાડવાની હંમેશા કોશિશ કરું છું અને આ હકીકત માત્ર મારા ટેનિસને જ લાગુ નથી પડતી, પણ મારા જીવનને પણ લાગુ પડે છે. આથી કદાચ આ ડાયાબિટીસે મને એક વધુ મોટીવેશન આપ્યું છે કે જેથી તમે ડાયાબિટીસની સાથે સામાન્ય જીવન જીવી શકો છો અને ધારેલી સિદ્ધિ મેળવી શકો છો.
એલેક્ઝાન્ડર ઝવેરેવના આ એકરારની પાછળ એના અવિરત સંઘર્ષની રોમાંચક કહાની છુપાયેલી છે. માત્ર ચાર વર્ષની ઉંમરે જ એને ટાઈપ-૧ ડાયાબિટીસ હોવાનું નિદાન થયું. પાંચ વર્ષની ઉંમરે માતા- પિતાની દોરવણી હેઠળ એ પોતાની પ્રિય ૨મત ટેનિસ ખેલવા લાગ્યો, એટલે કે આ રમત પૂર્વે એને આ રોગની જાણ હતી. ટાઈપ-૧ ડાયાબિટીસ ધરાવતા ખેલાડીને માટે હાઈપોગ્લાઇસેમિયાનું એક ખાસ જોખમ રહે છે અને એને કારણે એને જીવનભર ઇન્સ્યુલિન લેવું પડે છે. વળી કસરત દરમિયાન શરીર વધુ ઝડપથી ગ્લુકોઝ વાપરતું હોવાથી સાવધાન રહેવું પડે છે.
સામાન્ય માનવી કસરત કરે એ દરમિયાન અને કસરત પછી પણ એને હાઈપોગ્લાઇસેમિયાનું જોખમ રહે છે, ત્યારે ખેલાડી માટે તો આ મોટું જોખમ કહેવાય. મેચ અથવા ટ્રેનિંગ દરમિયાન એનું શરીર અને મગજ યોગ્ય રીતે કામ કરવા માટે ગ્લુકોઝ ઉપર આધાર રાખે છે અને એની સુગર ઘટી જાય તો કંપારી, પરસેવો, ચક્કર, અણધારી નબળાઈ, ભૂખ, એકાગ્રતા રાખવામાં મુશ્કેલી, દ્રષ્ટિ ધૂંધળી થવી વગેરેની શક્યતા રહે છે અને ખૂબ ગંભીર હાઈપોગ્લાઇસેમિયામાં વ્યક્તિ બેભાન થાય છે, ખેંચ આવે છે, કોમામાં સરી જાય છે અને મૃત્યુ પણ થઈ શકે છે.
આથી ટાઈપ-૧ ડાયાબિટીસ ખેલાડીને માટે મંચ પહેલાં, મેચ દરમિયાન અને રાત્રે પણ જોખમી બને છે. એલેક્ઝાન્ડર ઝવેરેવને આ વ્યાધિ હોવાથી પોતાની રમતની સાથોસાથ ગ્લુકોઝ મોનિટરીંગ અને ઇન્સ્યૂલીન મેનેજમેન્ટ એ બંનેનું ધ્યાન રાખવું પડે છે. ૨૦૨૬ની ૨૧મી જૂને ઝવેરેવ ટેલર ફ્રીત્ઝ સામે હેલ ઓપન સેમિફાઈનલ ખેલતો હતો, ત્યારે ઝવેરેવના ગ્લુકોઝ સેન્સરે એને ખોટું રીડીંગ આપ્યું અને એનું બ્લડ ગ્લુકોઝ વાસ્તવમાં હતું તેના કરતા વધારે બતાવ્યું. પરિણામે ઝવેરેવે વધુ ઇન્સ્યુલીન લીધું અને એનું બ્લડ ગ્લુકોઝ ઘટી ગયું. એની સામે હાઈપોગ્લાઇસેમિયાનું ગંભીર જોખમ ઊભું થયું. આનું પરિણામ એ આવ્યું કે મેચના પ્રારંભની ૪૫ મિનિટ પહેલાં એને ૩૫૦ ગ્રામ ખાંડ ખાવી પડી, જેથી બ્લડ ગ્લુકોઝ ફરી વધારી શકાય. આ સમયે એને ખૂબ અકળામણ લાગતી હતી છતાં મેચ ચાલુ રાખી, પરંતુ ફ્રિત્ઝ સામે જીતી શક્યો નહીં.
તો વળી ફ્રેન્ચ ઓપનમાં ઝવેરેવને એક અણધારી મુસીબત આવી. મેચના પ્રારંભ સમયે ટેનિસ કોર્ટ પર ઇન્સ્યુલિન લેવાની રેફ્રીએ મંજૂરી આપી નહોતી. એ વચ્ચે 'ટોયલેટ બ્રેક'માં ઇન્સ્યુલિન લેતો હતો, ત્યારે એને રોકવામાં આવ્યો, પરંતુ એ પછી અધિકારીઓએ નિર્ણય બદલીને એને ખેંચ દરમિયાન ઇન્સ્યુલિન લેવાની મંજૂરી આપી. બાળપણની આ બીમારી ઝવેરેવે ઘણા સમય સુધી છુપાવી રાખી, કારણ એટલું જ કે એની આ બીમારીને કારણે લોકો એને જુદી રીતે જુએ અથવા તો એની ક્ષમતા પર શંકા ઉઠાવે એવું એ ઇચ્છતો નહોતો.
૨૦૨૨માં એણે પહેલી વાર પોતાની બીમારીની વાત જાહેર કરી. આ બીમારીને એ અવરોધ નહીં, પણ પોતાના જીવનનો એક ભાગ માનવા લાગ્યો. ટેનિસની કેટલીક મેચો ખૂબ લાંબી ચાલતી હોય છે, ત્યારે ખેલાડીને શરીરમાં ઊર્જાની પુષ્કળ જરૂ૨ પડે છે. ઝવેરેવેને માટે બે કામ હતાં, એક તો પ્રતિસ્પર્ધી સાથે પૂરા જોશથી ટેનિસ ખેલવું અને સાથોસાથ બ્લડ ગ્લુકોઝનું મોર્નિંટરિંગ, ઇન્સ્યુલિન, ખોરાક-પાણી અને શારીરિક મહેનત વચ્ચે સંતુલન સાધવું પડતું હતું. એટલે એક અર્થમાં કહીએ તો એને એક રમત ટેનિસ કોર્ટ પર ખેલવી પડતી હતી અને બીજી સ્પર્ધા પોતાના શરીરની જરૂરિયાત સાથે મેળ બેસાડવાની રમવી પડતી હતી.
ઝવેરેવે પોતાની બીમારીને સામાજિક મિશનમાં ફે૨વી નાખી. આજથી ત્રણેક વર્ષ પહેલાં પોતાના ટાઈપ-૧ ડાયાબિટીસની જાહેરાતની સાથોસાથ એણે 'એલેક્ઝાન્ડર ઝવેરેવ ફાઉન્ડેશન'નો પણ પ્રારંભ કર્યો. જેનો હેતુ વિકાસશીલ દેશોમાં ડાયાબિટીસ ધરાવતાં બાળકોને ઇન્સ્યુલિન અને અન્ય જરૂરી સારવાર સુધી પહોંચાડવામાં મદદ કરવાનો હતો. વિધિની વિચિત્રતા એ કે ઝવેરેવ બાળપણમાં જે હકીકત છુપાવવા માગતા હતા, તે સમય જતાં બીજા બાળકો માટેનાં સત્કાર્યમાં પરિણમી.
ચાર વર્ષની વયે એની માતા ઈલિનાને પુત્રની બીમારીની જાણ થઈ. ઝવેરેવને પુષ્કળ તરસ લાગતી, વારંવાર એ પાણી પીતો અને સતત વજન ગુમાવતો જતો હતો. એક દિવસ તો તરસને કા૨ણે એ બેભાન થઈ ગયો અને ડૉક્ટરે નિદાન કર્યું કે એને ટાઈપ-૧ ડાયાબિટીસ થયો છે. ઝવેરેવે જોયું કે સ્પોર્ટ્સની દુનિયામાં એનો ડાયાબિટીસ કોઈની ચિંતા કે સહાનુભૂતિ મેળવે તેવું નહોતું. આ દુનિયા એવી હતી કે જે વિજયને અને શ્રેષ્ઠ ખેલાડીને જ યાદ રાખે છે અને એથી ઝવેરેવે શ્રેષ્ઠ ખેલાડી બનવાનું નક્કી કર્યું.
એનાં માતા-પિતા રશિયાના વ્યવસાયિક ટેનિસ ખેલાડી હતાં, આથી એને રમવાની અનુકૂળતા મળી. ૧૯૯૭માં એલેક્ઝાન્ડર ઝવેરેવનો જન્મ થયો. પિતાએ તેને તાલીમ આપી અને માતાએ એને બેકહેન્ડથી ખેલતા શીખવ્યું. ૨૦૨૬ની યુએસ ઓપન જીત્યા પછી એલેક્ઝાન્ડર ઝવેરેવે પોતાની માતાને ખાસ યાદ કરી. એના રોગનું નિદાન થતાં ડૉક્ટરોએ કહ્યું કે, 'એના જીવન અને રમતગમત પર મર્યાદાઓ આવી શકે છે.' ત્યારે એની માતાએ બીમારીને બદલે પુત્રને એનાં સ્વપ્નાંઓ સાકાર કરવામાં સાથ આપ્યો.
એલેક્ઝાન્ડર ઝવેરેવની આ પરિસ્થિતિએ એક નવો જ સવાલ ઊભો કર્યો કે, 'ખેલાડી પોતાની તબીબી જરૂરિયાતો સાથે રમતનો મેળ બેસાડવો જરૂરી છે.' રોનાલ્ડ ગેરોસની ફ્રેન્ચ ઓપનમાં એને પહેલાં એને રોકવામાં આવ્યો, ત્યારે ઝવેરેવે જાહે૨માં સમજાવ્યું કે, 'ઇન્સ્યુલિન એને માટે કોઈ સામાન્ય દવા નથી, કોઈ તાકાત વધારનારું ઔષધ નથી કે એ પ્રતિબંધિત ડ્રગ નથી, બલ્કે ઇન્સ્યુલિન એ એના જીવન માટે જરૂરી છે.' અને એની આ વાતનો અંતે ફ્રેન્ચ ઓપનનાં સત્તાધીશોને સ્વીકાર કરવો પડયો.
આજે ટેકનોલોજી પણ એની રમતનો મહત્ત્વનો ભાગ બની ગઈ છે. એ ગ્લુકોઝ મોનિટરીંગ માટે સેન્સર અને અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તો મોટી ટુર્નામેન્ટમાં ગ્લુકોઝ મોનિટરીંગ ડિવાઈસ સાથે ૨મવાની એને હવે પરવાનગી મળી ગઈ છે, પણ આથી ઝવેરેવને બે મોરચે લડવું પડે છે. એક તો રેકેટ, શૂઝ અને ૨મતનાં સાધનોની સાથોસાથ એના ડાયાબિટીસનું ટેકનોલોજી મારફતે મેનેજમેન્ટ કરવું એ પણ મહત્ત્વની બાબત બની ગઈ છે.
એના પિતા રશિયાની ડેવિસ કપ ટીમના સભ્ય હતા અને ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં એમણે ભાગ લીધો હતો. તેઓ વ્યૂહાત્મક અને ધીરજભરી રમત ખેલતા હતા. જ્યારે ઝવેરેવની માતા ઈરિના એક વા૨ રશિયનની મહિલા ટેનિસમાં ચોથા ક્રમે હતી અને એ એક હાથે બેકહેન્ડ લગાવવા માટે જાણીતી હતી. એ પછી બંને કોચ બન્યા અને આ માતા- પિતાએ પોતાના મોટા પુત્ર મિચા ઝવેરેવ અને નાના પુત્ર એલેક્ઝાન્ડર ઝવેરેવને તાલીમ આપી.
આ રીતે માતાની પ્રેરણા અને પિતાના માર્ગદર્શન સાથે ટાઈપ-૧ ડાયાબિટીસને ઝવેરેવે પરાજિત કર્યો. એની આગળ વધવાની અદમ્ય આકાંક્ષાએ ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન એમ બે ગ્રાન્ડ સ્લેમમાં ઝવેરેવને વિજય અપાવ્યો અને આજે એ ટેનિસનાં વૈશ્વિક ક્રમાંકમાં ગૌરવભર્યો દ્વિતીય ક્રમાંક ધરાવે છે. સૌથી વિશેષે તો વિશ્વમાં અને ભારતમાં વિશેષ ફેલાયેલા ડાયાબિટીસના રોગની સામે ઝીંક ઝીલવાની ઇચ્છાશક્તિનું ઝવેરેવ પ્રતીક બની ગયો છે.

પ્રસંગકથા
આક્ષેપો સાથે અક્કલને મેળ બેસાડીએ

કપાળ પર ગોળી વાગવાથી મેડિકલ કોલેજનો વિદ્યાર્થી મૃત્યુ પામ્યો અને એનું સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર પર અદાલતમાં કેસ થયો અને આરોપીના વકીલે ડૉક્ટર પર દલીલોનો મારો ચલાવ્યો.
વકીલે દલીલ કરતા ડૉક્ટરને પૂછયું કે, 'ડૉક્ટરે મ૨ના૨નું પોસ્ટમોર્ટમ કરતાં પૂર્વે એની શારીરિક તપાસ કરી હતી? અને તમે એને મૃત્યુ પામેલો જાહે૨ કર્યો હતો ખરો?'
ડૉક્ટરે ઉત્તર આપ્યો, 'ના, એનો મૃતદેહ મારી પાસે આવ્યો હતો. મારે શારીરિક તપાસ કરવાની હોતી નથી.'
વકીલે પૂછયું, 'તમે કહો છો કે એનો મૃતદેહ તમારી પાસે આવ્યો હતો, તો ખરેખર એને તમે મૃત્યુ પામેલો જાહેર કરેલો ખરો?'
પ્રશ્નથી અકળાઈને ડૉક્ટરે કહ્યું, 'મારે એની શારીરિક તપાસ કરવાની કે પછી મૃત્યુ પામેલો જાહે૨ ક૨વાનું હોતું નથી. મારું કામ તો પોસ્ટમોર્ટમ કરવાનું છે. બીજું કંઈ નહીં.'
વકીલે કહ્યું, 'આનો અર્થ તો એ થયો કે તમે પોસ્ટમોર્ટમ કરતાં પૂર્વે સદરહુ શખ્સ મરી ગયો છે કે નહીં તેની પૂરતી તપાસ કરી નથી, એટલું જ નહીં, પણ એ મરી ગયો હતો એનો કોઈ પુરાવો નથી.'
ડૉક્ટરે કહ્યું, 'પુરાવો? પોસ્ટમોર્ટમમાં એનું બ્રેઇન કાઢી લીધું હતું, તે હૉસ્પિટલની બરણીમાં સલામત રીતે સચવાયેલું છે.'
વકીલે ઉશ્કેરાઈને કહ્યું, 'તમે એનું બ્રેઇન કાઢી લીધું એનો અર્થ એ નહીં કે એ મૃત્યુ પામ્યો હતો.'
દલીલબાજીથી અકળાયેલા ડૉક્ટરે કહ્યું, 'સાહેબ, હવે મને યાદ આવે છે કે એનું બ્રેઇન કાઢી લીધું, પછી એ ઊભો થઈ ચંપલ પહેરીને ચાલવા લાગ્યો હતો અને એટલું બોલ્યો હતો કે 'હવે મારે મેડિકલ લાઇન છોડી દેવી છે અને વકીલાતનો અભ્યાસ કરવો છે.'
આ વાત અમને એટલા માટે યાદ આવી કે આજે પેલા વકીલ જેવી દલીલબાજી આ દેશમાં ચાલી રહી છે. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી રાષ્ટ્રના વડાપ્રધાન સામે આક્ષેપ કરે તે ઠીક, પરંતુ એમની માતા અંગે આક્ષેપો કરે, તે કઈ રીતે ચલાવી શકાય? પોતે માંસાહારી હોય એટલે શાકાહારીની મજાક ઉડાવવાનો એમને સહેજે હક નથી. દેશના વિરોધપક્ષના નેતાએ દેશનાં મુદ્દાઓની ચિંતા કરવી જોઈએ, એના બદલે એ દેશનાં વડાપ્રધાનની ચિંતા કરીને દુબળા થતા જાય છે અને અઘટિત આક્ષેપો કરતા જાય છે.