Inside Story

રાજકારણમાં યુઝ એન્ડ થ્રોની નીતિનો ભોગ બનેલા પૂનાવાલા

By GS Team
30 Sep 20263 mins read
TukuTouch Logo
ભાજપે શહજાદ પૂનાવાલાનું રાજીનામું હજુ મંજૂર કર્યું નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા શહજાદે રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું છે. 2017થી ભાજપમાં સક્રિય શહજાદ, રાજકીય વળતર ન મળતા નારાજ છે. તેમના મોટાભાઈ તહસીન પૂનાવાલા કોંગ્રેસમાં છે, જેઓ 'દિવાર' ભાઈઓ તરીકે ઓળખાય છે. હવે શહજાદ બિહારના રાજકારણમાં સત્તાધારી પ્રાદેશિક પક્ષમાં જોડાવાની સંભાવના છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકારણમાં યુઝ એન્ડ થ્રોની નીતિનો ભોગ બનેલા પૂનાવાલા
  • ઇનસાઇડ સ્ટોરી
  • ભાજપે હજુ શહજાદનું રાજીનામું મંજૂર નથી કર્યું
  • પ્રવક્તા શહજાદ ને તહસીન પૂનાવાલા બંને સગાભાઇઓ છે એક ભાજપમાં છે તો બીજો કોંગ્રેસમાં

શહજાદ ને તહસીન પૂનાવાલા બંને પાસે કોઇ રાજકીય સત્તા નથી કે બંને કોઇ બેઠક પરથી ચૂંટાયા નથી. બંને સગાભાઇઓ છે. પરંતુ તેમની વિચારસરણી ઉત્તરધૃવ ને દક્ષિણ ધૃવ સમાન છે. એટલેકે મોટા ભાઇ તહસીન કોંગ્રેસ તરફી છે અને નાનો ભાઇ શહજાદ પૂનાવાલા ભાજપના ગાણા ગાય છે. બોલીવૂડની ફિલ્મ દિવારના ભાઇઓને મળતો આ કિસ્સો છે. આ પૂનાવાલા ભાઇઓના પિતાના અવસાન પછી મોટાભાઇ તહસીને શહજાદની સંભાળ રાખી હતી. જોકે હવે બંનેની છાવણી અલગ છે. બંને મુસ્લિમ ચહેરાનો દેશના મુખ્ય બે પક્ષો ભાજપ અને કોંગ્રેસે ભરપુર ઉપયોગ કર્યો છે.
બંનેમાંથી કોઇને નથી તો કોઇ રાજકીય પક્ષે ટિકીટ આપી કે નથી તો ક્યાંય ડિરેક્ટર કે ચેરમેન પદે ગોઠવણી કરી આપી. બંને ભાઇઓમાં તર્કશક્તિ બહુ સારી છે માટે બંનેને તેમના પક્ષોએ પકડી રાખ્યા છે. ભાજપ તરફથી પ્રવક્તા તરીકે જ્યારે શહજાદ પૂનાવાલા ટીવીપર દે શ ભક્તિની તરફેણમાં દલીલો કરે છે ત્યારે સામે બેઠેલા વિપક્ષના પ્રવક્તાઓની બોલતી બંધ થઇ જાય છે. એવું જે કોંગ્રેસ તરફી તહસીન પૂનાવાલાનું છે. રાજકારણના દરિયામાં રહીને તેમાંથી આર્થિક ઉપાર્જન ના થઇ શકે તે વાત કોઇને ગળે ઉતરે એવી નથી હોતી.
શહજાદ પૂનાવાલાએ છેલ્લા કેટલાક સમયથી ભાજપ સાથે છેડો ફાડવાની વાત કરી ત્યારે સૌને આશ્ચર્ય થયું હતું. શહજાદ પૂનાવાલાની તર્કશક્તિ માટે ભાજપના નેતાઓને પણ માન હતું. પરંતુ રાજકીય ફલક પર ચર્ચાતી વાત અનુસાર ભાજપે પ્રવક્તાઓ પાસે કામ લીધું છે પરંતુ તેમને કોઇ વળતર નથી આપ્યું. શહજાદ પૂનાવાલા જાહેરમાં આવું કશું બોલતા નથી પણ તેમની નારાજગી પાછળના અનેક કારણોમાંનું એક આર્થિક પણ છે. અન્ય એક ચર્ચા એવી પણ છે કે શહજાદ ભાજપમાં આઇટી સેલના માલવિયાની જગ્યા લેવા માંગતા હતા. જ્યારે ભાજપમાં નવા સંગઠનની જાહેરાત થઇ ત્યારે શહજાદ પૂનાવાલા નિરાશ હતા કેમકે તેમને આઇટી સેલના વડા નહોતા બનાવાયા.
પૂનાવાલા ભાઇઓ વર્ષોથી ભારતના રાજકારણના દિવાર-ભાઇ તરીકે ઓળખાય છે. ૨૦૧૭માં શહજાદ પૂનાવાલાએ જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપનો હાથ પકડયો ત્યારે પહેલાં ટીવી ડીબેટથી જ તે ભાજપના પ્રિય પ્રવક્તા બની ગયા હતા. બીજીતરફ તેમના મોટાભાઇ તહસીન કોંગ્રેસમાં પ્રિય થઇ ગયા હતા. ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલના મુદ્દે બંને ભાઇ ટીવી ડીબેટ પર સામસામે તીખા આક્ષેપો કરતા નજરે પડયા હતા.
હવે શહજાદે જ્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા કરીકે રાજીનામું આપ્યું છે ત્યારે તે રાજીનામું મંજૂર થાય તેની રાહ જોઇને બેઠા છે. ગયા અઠવાડીયે તેમણે ભાજપના મોવડીઓને લખ્યું હતું કે પ્લીઝ મને મુક્ત કરો. શહજાદ પૂનાવાલા ફરી કોંગ્રેસમાં જાય તેવા ચાન્સ દેખાતા નથી કેમકે તેમણે રાહુલ ગાંધી સામે ભળવો કરતી વાતો જાહેરમાં કહી હતી.
જેમ શહજાદ અને તેહસીન પૂનાવાલા બે ભાઇઓ વચ્ચે વૈચારીક મતભેદ છે એમ બિહારમાં લાલુપ્રસાદ યાદવના બેપુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવ વચ્ચે છે. બંને ભાઇઓ વચ્ચેના મતભેદો જાહેર થઇ ચૂક્યા છે. તાજેતરના એક કાર્યક્રમમાં તેજસ્વી યાદવનો ભાઇ તેજપ્રતાપ શહજાદ પૂનાવાલાને મળ્યા ત્યારે શહજાદ બિહારના રાજકારણમાં લાલુપ્રસાદ યાદવના સંતાન ને ગાઇડ કરશે એવી ચર્ચાઓ શરૂ થઇ છે.શહજાદ પૂનાવાલા સત્તા વિહોણા પ્રાદેશિક પક્ષમાં જવાના બદલે જેમની પાસે સત્તા છે એવા પ્રાદેશિક પક્ષમાં જવાનું વધુ પસંદ કરશે.