યોગીને ભીંસમાં લેવા વિપક્ષી પ્લાન: હાથરસ દુર્ધટનાથી તક
- પ્રાઇવેટ સિક્યોરીટીની દાદાગીરી નડી
- ઇનસાઇડ સ્ટોરી
- માયાવતીએ જોકે લોકોને ચેતવ્યા હતા કે બાબાઓની ચુંગાલમાં ફસાતા નહીં
૧૨૧ને મોતના મુખમાં ધકેલનાર હાથરસની દુર્ધટના ઉત્તર પ્રદેશના પ્રાદેશિક પક્ષો માટે ઉત્તર પ્રદેશની યોગી સરકારને ભીંસમાં લેવાનો ચાન્સ ખેંચી લાવી છે. પહેલાં સમાજવાદી પક્ષના અખિલેશ યાદવે યોગી સરકાર પર ફીટકાર વરસાવ્યો હતો અને હવે બહુજન સમાજવાદી પક્ષના માયાવતી પણ મેદાનમાં આવ્યા હતા. માયાવતી છેલ્લા કેટલાક સમયથી બહાર બહુ નહોતા આવતા પરંતુ રાજકીય ક્ષેત્રે તે સક્રિય થવા મથતા હતા ત્યાંજ હાથરસ તેમની સહાયે આવ્યું હતું.
અખિલેશ યાદવે કહ્યું હતું કે સામાન્ય ધરપકડો કરીને યોગી સરકાર ઘટના પર ઢાંક પિછોડો કરવા માંગે છે. માયાવતીએ જોકે લોકોને ચેતવ્યા હતા કે આવા બાબાઓની ચુંગાલમાં ફસાતા નહીં. માયાવતી માને છે કે રાજ્યના ગરીબો અને દલીતો આવા બાબાઓ પર ભરોસો રાખતા હોય છે અને છેલ્લે તેમને છેતરાયાનો અનુભવ થાય છે.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજવાદી પાર્ટી શાસન કરી ચૂક્યા છે. બંને પક્ષો જાણે છે કે તેમના રાજ્યમાં ભોળા લોકોને ક્યાંતો દાદાગીરી કરીને કાબુમાં રખાય છે કે ભગવાનનો ડર બતાવીને કાબુમાં રખાય છે.
યોગી સરકાર ત્વરીત એેક્શન લેવા લાગી હતી પરંતુ સ્થાનિક સ્તર વહિવટી સ્તર સાવ પાંગળું સાબિત થયું હતું. આડેધડ મંજૂરીઓ, પોલીસ તંત્ર પોતે પણ ગરૂના આશીર્વાદ લેવા લાઇનમાં ઉભા રહેતા હોય ત્યાં બાવાની પ્રાઇવેટ સિક્યોરીટી શું કરી શકે?
બની બેઠેલા દરેક ગુરૂઓ પોતાના સ્વયંસેવકોની ફોજ રાખે છે અને રાજાશાહી ઠાઠ ભોગવતા હોય છે. આશીર્વાદના બહાને લોકોને ધૂતે રાખે છે.
માયાવતીએ કહ્યું છે કે ગરીબો અને દલીત લોકો પોતાને પડતી યાતનામાંથી બહાર આવવા બની બેઠેલા ગુરૂઓનો સહારો લેતા હોય છે. આ ગુરૂઓ જાણે છેકે તેમના આશીર્વાદ લેવા આવતા લોકોનું રોજીંદુ દુખ દુર કરવું સહેલું નથી એટલે તેમને હવેના જન્મની વાતોમાં અટવાયેલા રાખે છે અને પોતાની ગાદી તપતી રાખે છે.
લાખ લોકો આવવાના હોય ત્યાં પાણીની સવલતો નહોતી, સખત્ત બફારો હતો. પંખાની સંખ્યા પણ ઓછી હતી. હાથરસના વહીવટકારો બુલડોઝર ચલાવવાનું આયોજન કરી શકે છે પરંતુ એક લાખથી વધુ લોકો આવશે તો તેજીમની જરૂરીયાતો તેમની પીવાના પાણીની તેમજ કુદરતી હાજત વગેરેની સવલતો પર ભાર નહોતો અપાયો.
બફારાથી કંટાળેલા લોકો તેમના ગુરૂના આશીર્વાદ મેળવવા દોડયા હતા અને ધક્કા મુક્કીમાં કચડાયા હતા એમ ઘટનાની શરૂઆતમાં કહેવાયું હતું. હવે તપાસમાં જણાયું છે કે ગુરૂના સ્વયં સેવકો લોકોને ધક્કા મારીને પાછળ ધકેલતા હતા માટે દોડધામ થઇ હતી.
આવા કિસ્સાઓમાં અનેક થિયરી કામ કરતી હોય છે પરંતુ દેશભરમાં ડિજીટલ નેટવર્ક હોવા છતાં ગુરૂ અદ્રશ્ય થવામાં સફળ રહ્યા હતા. પોલીસ પાંચ દિવસ સુધી ફાંફા મારતી જોવા મળી હતી.
માયાવતીએ સમયનો ચાન્સ લઇ લીધો છે. માયાવતીએ ડોક્ટર આંબેડકરનેા ઉલ્લેખ કર્યો હતો કે તે કહેતા હતા કે આપણેજ આપણું નસીબ બદલી શકીએ છીએ. એટલેજ ગરીબો અને દલીતોે અમારી પાર્ટીમાં જોડાવું જોઇએે જેથી હાથરસ જેવી દુર્ઘટના કયારેય જોવા નહીં મળે અને લોકો ગુરૂથી દુર રહેશે.
હાથરસની ઘટના બહુ ગંભીર છે. નિર્દોષ લોકો આશીર્વાદ લેવા અહીં તહીં ભટકતા હોય છે. હાથરસની ઘટનામાં યોગી સરકારને ભીંસમાં લેવાનો વિપક્ષ પ્લાન સફળ થયો છે એમ કહી શકાય.