અમિતાભનો વિચારપ્રેરક બ્લોગ

- આપણે ભગવાન પાસે ભૌતિક પ્રગતિ જ માંગીએ છીએ પણ તેની સાથે આવતો બોજ અને પીડા સહન કરવાની ક્ષમતા ક્યારેય નથી માંગતા
- હોરાઈઝન-ભવેન કચ્છી
- જીવનમાં દરેક ભેટ પાછળ એક જવાબદારી હોય છે. સત્તા મળે તો તેનો સદુપયોગ કરવાનો વારો આવે છે. પૈસા મળે તો તેનું સંરક્ષણ, વિવેકપૂર્ણ વપરાશ અને સમાજ પ્રત્યેની જવાબદારી સર્જાય છે
- અમિતાભ લખે છે કે 'જ્યારે કંઈ નહોતું ત્યારે ભગવાનને આજીજી કરતો હતો કે 'ભગવાન કંઇક નામ પૂરતું પણ આપ. હવે જ્યારે ભગવાન માંગ્યા કરતા પણ વધુ આપતો જ જાય છે ત્યારે એવી પ્રાર્થના કરું છું કે ભગવાન આ બધાનું કરવું શું'
'જ્યા રે જીવનમાં કશું જ નહોતું, ત્યારે આપણી આંખોમાં આંસુ હતા, હાથ જોડેલા હતા અને હોઠ પર માત્ર એક જ પ્રાર્થના હતી - 'હે પ્રભુ, અમને કંઈ પણ આપ, બસ ખાલી હાથ ન રાખ.' એ અસહાયતાની ક્ષણોમાં આપણને માત્ર એટલું જ જોઈતું હતું કે ઈશ્વર આપણી ઝોળી થોડી ભરી દે. પણ નિયતિનો ક્રમ જુઓ! જ્યારે ઈશ્વર આપવા બેસે છે અને એટલું બધું આપે છે કે ઝોળી છલકાઈ જાય છે, ત્યારે આપણી જ જીભમાંથી એક નવો જ સૂર નીકળવા માંડે છે - 'હે ભગવાન, આટલું બધું આપતો જ રહે છે… હવે આનું કરવું શું?'
સોનાનો શ્રાપ
અમિતાભ બચ્ચન જેવા અદ્ભૂત કલાકાર જ્યારે પોતાના બ્લોગમાં આ સત્ય લખે છે, ત્યારે તે માત્ર એક અભિનેતાના અંગત ઉદગાર નથી રહેતા, પણ તે આપણા સૌની, આધુનિક માનવજાતની સામાજિક અને માનસિક મનોદશાનો અરીસો બની જાય છે.
ગ્રીક પુરાણોમાં 'માયડસ'ની વાર્તામાં રાજા માયડસે સોનાની લાલસામાં વરદાન માંગ્યું કે 'હું જેને અડું તે સોનું થઈ જાય.' દેવતાઓએ તથાસ્તુ કહ્યું. શરૂઆતમાં બધું સોનાનું થતાં રાજા ફૂલા ન સમાયા, પણ થોડી જ ક્ષણોમાં જ્યારે ખાવા માટેની રોટલી અને પીવા માટેનું પાણી પણ સોનાના બનવા લાગ્યા, ત્યારે રાજાની આંખ ખુલી. તેણે રડતા રડતા દેવતાઓને કહ્યું કે હવે આ વરદાન પાછું ખેંચી લો!
અમિતાભ બચ્ચન જે દર્શનની વાત કરે છે તે આધુનિક માયડસ સિન્ડ્રોમ જેવું જ છે.આપણે પ્રભુ પાસે સફળતા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, સંબંધો અને ભૌતિક સુખ-સુવિધાઓ માગી માગીને એકત્રિત કરી લઈએ છીએ. શરૂઆતમાં આ બધું મેળવવાનો રોમાંચ અનેરો હોય છે. પરંતુ એક સમય એવો આવે છે જ્યારે ડ્રોઈંગરૂમ મોંઘી ચીજવસ્તુઓથી છલોછલ થઈ જાય છે, બેંક બેલેન્સ વધી જાય છે,ઘેર સિંગ ચણાની જગ્યાએ કાજુ બદામ આવી જાય છે અને સામાજિક જવાબદારીઓનો ડુંગર ઊભો થઈ જાય છે અને મનમાં અશાંતિ ફેલાય છે ત્યારે માણસ આકાશ સામે જોઈને પૂછે છે : 'હે ઈશ્વર, આટલું બધું તો તું આપે જ રાખે છે, પણ હવે આનું કરવું શું?' અને આ બધુ આવવાના કારણે જે બીમારી, પારિવારિક પડકારો,સમાજની ઈર્ષા પણ સાથે ઉમેરાઈ ત્યારે એવું પણ મોં માંથી નીકળી જાય કે 'આના કરતા માપમાં દીધું હોત તો સારુ હતું. ઘણાં તો સંપન્ન થઇ ચૂકેલા લોકો એટલે સુધી કહે છે કે આના કરતા પૈસાની ભીડ હતી, નાના ઘર હતા, ઘરમાં જમીન પર ઊંઘી જતાં હતા ત્યારે સુખી હતા.'
ગળાનો ફાંસો
આ પ્રશ્ન માત્ર ફરિયાદ નથી, પણ માનવ મનની એ અસંતૃપ્તિની પરાકાષ્ઠા છે જે જાણે છે કે તેણે જે માંગ્યું હતું, તે જ તેના ગળાનો ફાંસો બની ગયું છે. કેમ કે સુખ તો કઈંક બીજે જ છે તેવું લાગવા માંડે છે
ફ્રેન્ચ ફિલસૂફ જીન-પૉલ સાર્ત્ર કહે છે કે, 'માણસ સ્વતંત્ર થવા માટે શ્રાપિત છે.' તેવી જ રીતે, આધુનિક માનવી પોતાની મેળવેલી વિપુલતાના બોજ હેઠળ જીવવા માટે શ્રાપિત બની ગયો છે.
'ટુ હેવ'અને 'ટુ બી'
પ્રખ્યાત જર્મન મનોવિજ્ઞાનશાસ્ત્રી અને ફિલસૂફ એરિક ફ્રોમ પોતાના પ્રખ્યાત પુસ્તક 'ટુ હેવ ઓર ટુ બી?' માં આ જ સવાલનો ઊંડો તાગ મેળવે છે.
એરિક ફ્રોમ લખે છે કે આધુનિક સમાજ બે મોડેલ પર ચાલે છે : 'ધ હેવિંગ મોડેલ' (The Having Model) : જેમાં આપણું અસ્તિત્વ આપણે શું ધરાવીએ છીએ તેના પર આધાર રાખે છે - મારી પાસે કેટલું મોટું ઘર છે, કઈ ગાડી છે, કેટલા બેંક ખાતા છે અને કેટલી ખ્યાતિ છે.
'ધ બીઇંગ મોડેલ' : (The Being Model) : જેમાં આપણું અસ્તિત્વ આપણે શું અનુભવીએ છીએ, કેટલા જાગ્રત છીએ અને આંતરિક રીતે કેટલા સમૃદ્ધ છીએ તેના પર નિર્ભર છે. જ્યારે અમિતાભ બચ્ચન કહે છે કે ભગવાન આપણને એટલું બધું આપી દે છે કે આપણને સમજાતું નથી કે તેનું કરવું શું, ત્યારે વાસ્તવમાં આપણે 'હેવિંગ' મોડેલના અતિરેકથી પીડાઈ રહ્યા હોઈએ છીએ. આપણી પાસે ભૌતિક ચીજો એટલી બધી ભેગી થઈ જાય છે કે આપણી પાસે તેનો આનંદ માણવાનો સમય નથી હોતો.
માણસની ખુશી
અમેરિકન લેખક હેન્રી ડેવિડ થોરો જ્યારે 'વોલ્ડન'ના જંગલમાં એક સાદી કુટિરમાં રહેવા ગયા, ત્યારે તેમણે લખ્યું હતું : 'માણસની ખુશી તેની પાસે જે વસ્તુઓ છે તેનાથી નહીં, પણ તેને જે વસ્તુઓની જરૂર નથી હોતી તે જાણી લે છે તેનાંથી અનુભવાય છે. પણ આં રીતે જીવવા માટે આત્મવિશ્વાસ જોઈએ. સમાજને બતાવવા જ આપણા જીવનની ઇમારત ઊંચી કરીએ તો દુ:ખી થવાય.' થોરો આપણને શીખવે છે કે સાદાઈ એ કોઈ ગરીબી નથી, પણ મનની એ મુક્તિ છે જ્યાં આપણે 'આપણા પર લાદેલા બિનજરૂરી ભાર' થી આઝાદ થઈએ છીએ.
ઈશાઉપનિષદ્ના એક મંત્રનો સાર કઈંક એવો છે કે 'આ જગતમાં જે કંઈ પણ ચરાચર છે, તે ઈશ્વરથી વ્યાપ્ત છે. તેથી તેનો ત્યાગભાવપૂર્વક ઉપભોગ કરો (ભોગવો). કોઈના ધનની લાલસા કે લોભ ન રાખો.'
આ સારનો મર્મ એ છે કે જીવનમાં જે કંઈ પણ મળે તેનો સ્વીકાર કરો, પણ તેના બંધનમાં ન બંધાઓ. જ્યારે ઈશ્વર તમને વિપુલતા આપે છે, ત્યારે જો તમારી પાસે 'ત્યાગ' કે 'વિતરણ'નો ભાવ ન હોય, તો એ વિપુલતા બોજ બની જાય છે.
ઉપનિષદમાં ઉકેલ
જ્યારે અમિતાભજી લખે છે કે 'આટલું બધું આપે છે તો તેનું કરવું શું?', ત્યારે તેનો આધ્યાત્મિક ઉત્તર આ ઉપનિષદમાં છુપાયેલો છે : જે વધુ પડતું છે તેને વહેંચી દો, તેને મુક્ત કરો. જો તમારી પાસે જ્ઞાન છે, તો તેને ફેલાવો, જો સંપત્તિ છે, તો તેને પરોપકારમાં વાપરો, જો સમય કે સ્નેહ છે, તો તેને અન્યના જીવનને પ્રકાશિત કરવામાં ઉપયોગી બનાવો. જ્યારે તમે વસ્તુઓ કે વિચારોને પકડી રાખવાને બદલે વહેતા કરો છો, ત્યારે 'આટલું બધું હોવા છતાં શું કરવું?' એ પ્રશ્ન જ ગાયબ થઈ જાય છે.
આજના આધુનિક શહેરોમાં આ ફિલસૂફી સૌથી વધુ પ્રાસંગિક છે. આપણે મોટાં મકાનો, ગેટેડ સોસાયટીઓ અને ઊંચી ઇમારતો બનાવી દીધી છે. આપણી પાસે ભૌતિક સુખ-સગવડોનો અથાગ ભંડાર છે. દુનિયાભરની માહિતી આપણી આંગળીના ટેરવે (સ્માર્ટફોનમાં) ઉપલબ્ધ છે.
પરંતુ છતાંય, માણસ વધુને વધુ એકલો પડતો જાય છે. મનોવિજ્ઞાનીઓ આને 'એફ્લુએન્સિઆ' (Affluenza) કહે છે - એક એવી સામાજિક બીમારી જ્યાં ભૌતિક સમૃદ્ધિ વ્યક્તિને ખુશી આપવાને બદલે અસંતોષ, ડિપ્રેશન અને ખાલીપો આપે છે.
જવાબદારી સમજો
આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં ફ્રિજ ખાધા વગરની વસ્તુઓથી ભરેલા છે, કપડાંથી કબાટ છલકાય છે, અને નોટિફિકેશન્સથી ફોન સતત રણકતો રહે છે. આ બધું હોવા છતાં, જ્યારે રાત્રે અંધારામાં માણસ સૂવા જાય છે, ત્યારે તેને થાય છે કે આ બધું હોવાનો અર્થ શું? આ જ તો અમિતાભજીનો કેન્દ્રવર્તી સૂર છે : 'આટલું બધું આપતો જ રહે છે, પછી ફરિયાદ કરીએ છીએ કે આટલું બધું આપતો જ રહે છે પણ તેનું
કરવું શું?'
જીવનમાં દરેક ભેટ પાછળ એક જવાબદારી હોય છે. સત્તા મળે તો તેનો સદુપયોગ કરવાનો વારો આવે છે. પૈસા મળે તો તેનું સંરક્ષણ, વિવેકપૂર્ણ વપરાશ અને સમાજ પ્રત્યેની જવાબદારી સર્જાય છે. પ્રસિદ્ધિ મળે તો લોકોની અપેક્ષાઓ, ટીકા, ગેરસમજ અને નિરંતર નિરીક્ષણ સહન કરવું પડે છે. સંબંધ મળે તો તેને જાળવવા માટે સમય, સહનશીલતા, સંવાદ અને ક્ષમા જરૂરી બને છે. એટલે જ ભગવાન આપતા રહે ત્યારે આપણને સુખ નહીં, પરીક્ષા લાગે છે. કારણ કે આપણે વસ્તુ માંગી હતી, પણ તેની સાથે આવતું જીવન માંગ્યું ન હતું.
ઉદાર બનો
જીવન કોઈ અર્થહીન ઘટના નથી, ઈશ્વર આપણને એક જમાનામાં કેવા ગરીબ હતા અને આજે કેવા સમૃદ્ધ છીએ તે સ્થિતિમાં મૂકે તો સુખી થવાની એક જ ચાવી છે કે આપણે ઉદાર બનતા શીખીએ.યાદ રહે આ વાત માત્ર શ્રીમંતોને જ લાગુ નથી પડતી. જેઓએ પણ વધતી ઓછી પ્રગતિ કરી છે તેઓએ તેમની સ્થિતિ પ્રમાણે ઉદાર બનાવની જરૂર છે. પછી જુઓ કેવો પરમ આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય છે. આપવામાં કોઈ ચાલાકી કરવી પડતી નથી પણ ઉદાર નથી બનતા તો કેમ એક એક પૈસો બચાવવો તે જ ગણતરી હંમેશા ચાલતી હોય તો સુખનો એહસાસ પણ ન થાય અને કોઈ સબંધમાં પરસ્પર ઉષ્મા અને સ્નેહનો ગુણાકાર જ ન થાય. વન વે ટ્રાફિક જેવા સબંધોને લીધે ઉદાર અને ઉમદા વ્યક્તિ પણ સ્વાર્થી વ્યક્તિથી દૂર રહેવા રસ્તો બદલે છે., સમયના આ અનંત પ્રવાહમાં માત્ર દોડવાવાળા મુસાફર ન બનીએ, પણ એવા શિલ્પકાર બનીએ જે સમયની સાથે પોતાના જીવનને એક સુંદર આકાર આપી શકે.
જ્ઞાન પોસ્ટ
આપણે ક્યારેય પૂર્ણ સંતુષ્ટ નથી હોતા. ખાલી હાથ હોય ત્યારે ભરપૂર હાથ માંગીએ છીએ, અને ભરપૂર હાથ હોય ત્યારે તેનું વજન સહન નથી થતું.




