For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સીઆઇએના અફસરના કારણે ફરી ચર્ચામાં આવેલો હવાના સિંડ્રોમ શું છે ?

સીઆઇએ ના ઓફિસરને ભારતમાં હવાના સિંડ્રોમના લક્ષણો જણાયા હતા

હવાના સિડ્રોમ સૌ પ્રથમ વર્ષ ૨૦૧૬માં કયૂબામાં અમેરિકાના દુતાવાસમાં જોવા મળેલો

Updated: Sep 21st, 2021

Article Content Image

નવી દિલ્હી,૨૧ સપ્ટેમ્બર,૨૦૨૧,મંગળવાર 

સીઆઇએના એક અફસરને ભારત પ્રવાસ દરમિયાન હવાના સિંડ્રોમ નામની રહસ્યમય બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા . પ્રાપ્ત માહિતી અનુસાર આ લક્ષણો એવા અમેરિકી અધિકારીઓમાં જોેવા મળ્યા છે જેમને વિદેશમાં નિયુકત કરવામાં આવ્યા છે. ભારતમાં સીઆઇએના ઓફિસરનું નામ બહાર આવ્યું નથી તેઓ થોડાક દિવસ પહેલા જ એજન્સીના નિર્દેશક વિલિયમ બર્ન્સ સાથે ભારત આવ્યા હતા. હવાના સિડ્રોમ સૌ પ્રથમ વર્ષ ૨૦૧૬માં કયૂબામાં અમેરિકાના દુતાવાસમાં કામ કરતા અમેરિકી અધિકારીઓ અને તેમના પરિવારના સભ્યોમાં જોવા મળ્યો હતો.ત્યાર પછી કયુબામાં અમેરિકી દુતાવાસની મોટા ભાગની પ્રવૃતિઓ બંધ કરી દેવામાં આવી હતી. આ ગતિવિધીઓ હજુ પણ બંધ છે. ત્યાર પછી કેનેડાએ પણ કયૂબામાં પોતાના દુતાવાસનો સ્ટાફ ઘટાડી નાખ્યો હતો. 

Article Content Image

ગત મહિને અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ વિયેતનામની યાત્રા દરમિયાન રાજધાની હનોઇમાં પોતાનો પ્રવાસ ૩ કલાક માટે અટકાવી દીધો હતો કારણ કે ત્યાંના અમેરિકી દુતાવાસે જણાવ્યું હતું કે કોઇ માણસના હવાના સિંડ્રોમના લક્ષણો જોવા મળ્યા હતા.આ રહસ્યમય બીમારી શું છે તે અંગે અમેરિકાની સીઆઇએના નિર્દેશક વિલિયમ બર્ન્સને એક ટાસ્કફોર્સની પણ રચના કરી હતી. અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સની એક પેનલનું માનવું હતું કે કોઇએ ઇરાદાપૂર્વક ટાર્ગેટ નકકી કરીને છોડેલી રેડિયો ફ્રીકવન્સીના એનર્જી વેવ આ સિંડ્રોમ પેદા કરી શકે છે.આ સિંડ્રોમ જાણી જોઇને જ માનવ નિમિર્ત પેદાશ છે એવું માનવામાં આવે છે. અમેરિકા આના માટે રશિયા પર આક્ષેપ મુકી ચુકયું છે.જો કે એ સમયે કયૂબાએ આવા કોઇ સિંડ્રોમ અંગેની તપાસ કરીને તમામ આરોપો નકારી કાઢયા હતા.

Article Content Image

કયૂબાની એકેડમી ઓફ સાયન્સે વિવિધ લક્ષણો ધરાવતી બીમારીને સિન્ડ્રોમ નામ આપવા પર વાંધો ઉઠાવ્યો હતો.જો કે અમેરિકાએ એ સમયે જે પણ સાબીતીઓ અને પુરાવા આપ્યા હતા તે અંગે તપાસ કે નિરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. અત્યાર સુધીમાં હવાના સિડ્રોંમના ૨૦૦ જેટલા કેસ જોવા મળ્યા છે. હવાના સિંડ્રોમમાં માઇગ્રેન, જીવ ગભરાવો, યાદશકિત નબળી થવી અને ચક્કર આવવા જેવા લક્ષણો જોવા મળે છે.સીઆઇએના જણાવ્યા અનુસાર સામાન્ય રીત એજન્સી આવી વિશેષ ઘટનાઓ પર ટિપ્પણી કરવાનું ટાળે છે. જયારે પણ સ્વાસ્થ્ય સંબંધી વિચિત્ર સંજોગો ઉભા થાય ત્યારે પ્રોટોકોલ પ્રમાણ સારવાર અને દવાઓ કરવામાં આવે છે.

Gujarat