For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

‘પ્રિસ્ક્રીપ્શન મોટા કેપિટલ લેટર્સમાં જ લખો’, ઓરિસા હાઇકોર્ટનો ડૉક્ટરોને આદેશ

Updated: Aug 14th, 2020

Article Content Image

- હવેથી ગડબડિયા અક્ષરે નહીં ચાલે

ભુવનેશ્વર તા.14 ઑગષ્ટ 2020 શુક્રવાર

ઓરિસા હાઇકોર્ટે ડૉક્ટરોને એવો આદેશ આપતો ચુકાદો આપ્યો હતો કે હવેથી ગડબડિયા અક્ષરે પ્રિસ્ક્રીપ્શન લખો તે નહીં ચાલે, કેપિટલ લેટર્સમાં પ્રિસ્ક્રીપ્શન લખવું પડશે. સૌ કોઇ જાણે છે કે ડૉક્ટરો દ્વારા લખવામાં આવતું પ્રિસ્ક્રીપ્શન કાં તો એનો કમ્પાઉન્ડર વાંચી શકે છે અથવા કેમિસ્ટ. પરંતુ હવે એવું નહીં ચાલે. કમ સે કમ ઓરિસામાં તો નહીં જ ચાલે.

જસ્ટિસ એસ કે પાણિગ્રહીએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે પેશન્ટો, પોલીસ, ફાર્માસિસ્ટ્સ, ફરિયાદી પક્ષ અને ન્યાયતંત્ર માટે પણ ગડબડિયા અક્ષરોમાં લખેલું પ્રિસ્ક્રીપ્શન સમસ્યા પેદા કરે છે. ડૉક્ટરોએ પ્રિસ્ક્રીપ્શન, ઓપીડી સ્લીપ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુવાચ્ય અક્ષરોમાં લખવાં જોઇએ. એક અરજદારે પોતાની પત્નીની બીમારીની સારવાર કરવા માટે જામીનની અરજી કરી હતી. આ અરજી સાથે ડૉક્ટરનો રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં બીમાર પત્નીની સારવાર માટે પ્રિસ્ક્રીપ્શન લખેલું હતું. જસ્ટિસ પાણિગ્રહીએ કહ્યું કે આ પ્રિસ્ક્રીપ્શનમાં શું લખેલું છે એ કંઇ સમજાતું નથી. આ પ્રકારના પ્રિસ્ક્રીપ્શન હવેથી ચાલશે નહીં. ડૉક્ટરોએે કેપિટલ લેટર્સમાં પ્રિસ્ક્રીપ્શન લખવાની ટેવ પાડવી પડશે. આ ચુકાદાનો ભંગ કરનાર ડૉક્ટર સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે આજના ડિજિટલ યુગમાં સ્પષ્ટ સુવાચ્ય પ્રિસ્ક્રીપ્શન લખવા માટે ઘણા વિકલ્પો હાથવગા છે. કોઇ પ્રકારના બહાના ચલાવી લેવામાં નહીં આવે 

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલની 2016માં સુધારાયેલી આચારસંહિતાનો ઉલ્લેખ પણ કર્યો હતો જેમાં તમામ ડૉક્ટરોને સુવાચ્ય અને મોટા અક્ષરે પ્રિસ્ક્રીપ્શન લખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

જસ્ટિસ પાણિગ્રહીએ કહ્યું કે આજના ઇન્ટરનેટ અને ડિજિટલ યુગમાં વાંચી ન શકાય એવા અક્ષરે લખવામાં આવે એ એક પ્રકારનો ગુનો બને છે. ડૉક્ટરે શું લખ્યું છે એ જાણવાનો અને વાંચવાનો પેશન્ટના પરિવારને કાનૂની અધિકાર છે એ હકીકત યાદ રહેવી ઘટે છે.


Gujarat