Get The App

કોવિડ વેક્સિનના કારણે યુવાનોમાં ઓચિંતા મોત વધ્યા? AIIMS અને ICMRના સ્ટડીમાં ઘટસ્ફોટ

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
કોવિડ વેક્સિનના કારણે યુવાનોમાં ઓચિંતા મોત વધ્યા? AIIMS અને ICMRના સ્ટડીમાં ઘટસ્ફોટ 1 - image



AIIMS-ICMR Study: કોવિડ કાળ પછી દેશભરમાં મોતને ભેટી રહેલા યુવાનોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે, જે માટે કોવિડની રસીને જવાબદાર માનવામાં આવતી રહી છે. જોકે, એક નવા અભ્યાસમાં યુવાનોના અચાનક મૃત્યુ અને કોવિડ રસીકરણ વચ્ચેના સંબંધને નકારવામાં આવ્યો છે. તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્થા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) અને ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની બાયોમેડિકલ સંશોધન સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક અભ્યાસનું તારણ એવું કહે છે કે, અચાનક થયેલા મૃત્યુ માટે હૃદય રોગ અને ધૂમ્રપાન તથા દારુનું સેવન કારણભૂત છે.

વેક્સિન અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નહીં

AIIMS-ICMR દ્વારા કરાયેલો આ અભ્યાસ તાજેતરમાં 'ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચ'માં પ્રકાશિત થયો છે. એક વર્ષથી વધુ સમય સુધી ચાલેલા અભ્યાસને અંતે જાહેર કરાયું છે કે, યુવાનોમાં કોવિડ-19 રસીકરણ અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ વૈજ્ઞાનિક કે આંકડાકીય રીતે નોંધપાત્ર જોડાણ નથી. અભ્યાસના નિષ્કર્ષો કોવિડ-19 રસીઓની સલામતીની પુષ્ટિ કરતાં વૈશ્વિક વૈજ્ઞાનિક પુરાવા સાથે મળતા આવે છે. અભ્યાસના સહ-લેખક ડૉ. સુધીર આરવાએ જણાવ્યું છે કે, જાહેર આરોગ્ય નીતિ વિશ્વસનીય સંશોધન અને વૈજ્ઞાનિક પુરાવાને આધારે બનવી જોઈએ, ગેરમાર્ગે દોરનારી માહિતી દ્વારા નહીં. 

આ પણ વાંચો: ભારતમાં વજન ઘટાડવા માટેની દવા Ozempic લોન્ચ, ડાયાબિટિસને કરશે કન્ટ્રોલ, જાણો કિંમત

તો પછી અચાનક મૃત્યુના કારણો શું છે? 

આ અભ્યાસમાં સંશોધકોએ 18થી 45 વર્ષ(યુવાન) અને 46થી 65 વર્ષ(વૃદ્ધ)ની વયના લોકોના થયેલા અચાનક મૃત્યુનો અભ્યાસ કર્યો. કુલ 2214 શબપરીક્ષણો પૈકી ફક્ત 180 કેસો (8.1%) અચાનક મૃત્યુને કારણે થયા હતા. એ 8.1% પૈકીના કેસોમાંથી નીચે પ્રમાણેના તારણો મળ્યા છે.

•57.2% (103 કેસ) યુવાન વયના લોકો હતા. સરેરાશ ઉંમર 33.6 વર્ષ.

•42.8% (77 કેસ) વૃદ્ધ વયના લોકો હતા. સરેરાશ ઉંમર 53.8 વર્ષ.

•બંને જૂથોમાં પુરુષોનું પ્રમાણ વધારે હતું.

હૃદય રોગ છે પ્રમુખ કારણ

અભ્યાસમાં અચાનક મૃત્યુનું એક મુખ્ય કારણ સામે આવ્યું છે હૃદય સંબંધિત રોગ. યુવાનોમાં અચાનક મૃત્યુનું મુખ્ય કારણ હૃદય રોગ હતું. એ પછીના ક્રમે શ્વસન તંત્રના રોગ અને અસ્પષ્ટ કારણોસર થયેલા મૃત્યુનું સ્થાન આવ્યું હતું.

વૃદ્ધોમાંમાં કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD) 72.1% કેસો સાથે સૌથી સામાન્ય કારણ હતું. આ ગંભીર બીમારીમાં હૃદયની નસો સંકોચાઈ જાય છે, જેને કારણે ગમે ત્યારે હાર્ટ અટેક આવી શકે છે. એ પછી બીજા ક્રમે અસ્પષ્ટ કારણોસર થયેલા મૃત્યુ (14.1%), ત્રીજા ક્રમે પાચન તંત્રના રોગ (7.4%) અને ચોથા ક્રમે શ્વાસોચ્છવાસના રોગ (4.4%) આવ્યા હતા.


ધૂમ્રપાન અને દારુનું સેવન ઘણા કિસ્સામાં જીવલેણ બને છે

અભ્યાસમાં એક નોંધનીય તથ્ય એ પણ સામે આવ્યું કે અચાનક મૃત્યુ પામનારા બંને વય જૂથોમાં ધૂમ્રપાન અને દારુના સેવનનો ઇતિહાસ ખૂબ જ સામાન્ય હતો. આ બંને પરિબળો હૃદય રોગ નોંતરી લાવનારા પ્રમુખ કારણ તરીકે સામે આવ્યા છે.

અચાનક મૃત્યુની વ્યાખ્યા શું?

અભ્યાસમાં અચાનક મૃત્યુને ‘એવું મૃત્યુ’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે જે સાક્ષી હાજર હોય તેવા કેસોમાં લક્ષણો શરુ થયા પછી 1 કલાકની અંદર, અથવા સાક્ષી ન હોય તેવા કેસોમાં વ્યક્તિને છેલ્લી વાર જીવિત જોવા મળ્યા પછી 24 કલાકની અંદર થઈ જાય છે.

અચાનક મૃત્યુ પહેલાં દેખાતાં લક્ષણો કયાં?

સૌથી સામાન્ય શરુઆતી લક્ષણ અચાનક ચેતના ગુમાવવી હતું. અન્ય ફરિયાદોમાં છાતીમાં દુખાવો, શ્વાસની તકલીફ, અસ્વસ્થતા લાગવી, પેટમાં દુખાવો થવો અને ઉલટીનો સમાવેશ થતો હતો.

આ પણ વાંચો: હર્બલાઇફનો નવો 'લિફ્ટ ઑફ' - ઝીરો એડેડ શુગરવાળો એનર્જીથી ભરેલો એફર્વેસેન્ટ ડ્રિંક સાથે તમારા દિવસને આપો નવો ઉછાળો

દિલ્હીમાં સૌથી વધુ લોકો અચાનક મોતને ભેટે છે

•કુલ અચાનક મૃત્યુના 71.6% કેસો દિલ્હી-એનસીઆર પ્રદેશના હતા. બાકીના મુખ્યત્વે હરિયાણા અને પંજાબના હતા.

•80.2% લોકો નિમ્ન અને મધ્યમ વર્ગના હતા.

•વૃદ્ધ જૂથમાં મધુપ્રમેહ (ડાયાબિટીસ) અને ઉચ્ચ રક્તચાપ (હાયપરટેન્શન) જેવા સહરોગોનું પ્રમાણ યુવાન જૂથ કરતાં વધારે હતું.

Tags :