ભારતમાં વજન ઘટાડવા માટેની દવા Ozempic લોન્ચ, ડાયાબિટિસને કરશે કન્ટ્રોલ, જાણો કિંમત

Weight Loss Medicine Ozempic Launch in India : ડેનમાર્કની દવા નિર્માતા કંપની નોવો નોર્ડિસ્ક (Novo Nordisk) એ તેની બહુપ્રતીક્ષિત ડાયાબિટીસની દવા ઓઝેમ્પિક (Ozempic) ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે તૈયાર કરાયેલું આ સાપ્તાહિક ઇન્જેક્શન, જે 2017 થી યુએસ સહિત ઘણા દેશોમાં ઉપલબ્ધ છે, તે હવે ભારતીય બજારમાં 0.25 mg, 0.5 mg અને 1 mg ની માત્રામાં ઉપલબ્ધ થશે.
CDSCO મંજૂરી આપી હતી
ભારતની દવા નિયમનકાર સંસ્થા CDSCO એ ઓક્ટોબર 2024 માં ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા પુખ્ત વયના લોકો માટે ઓઝેમ્પિક (જેનું સક્રિય ઘટક સેમાગ્લુટાઇડ છે) ના ઉપયોગને મંજૂરી આપી હતી. યુએસ FDA મુજબ, આ દવા આહાર અને કસરત સાથે મળીને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે કાર્ડિયોવેસ્ક્યુલર રોગ ધરાવતા ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓમાં મોટી હૃદય સંબંધિત જટિલતાઓનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ છે.
ઓઝેમ્પિકની કિંમત અને ડોઝ
કંપની દ્વારા જાહેર કરાયેલા દરો મુજબ, Ozempic ની 0.25 mg ની પ્રારંભિક સાપ્તાહિક ડોઝની કિંમત ₹2,200 નક્કી કરવામાં આવી છે, જે માસિક ધોરણે ₹8,800 થાય છે.
વજન ઘટાડવામાં Ozempic ની ભૂમિકા અને આડઅસરો
Ozempic શરીરમાં હાજર કુદરતી હોર્મોન GLP-1 ની જેમ કામ કરે છે. તે બ્લડ સુગર વધે ત્યારે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઉત્તેજિત કરે છે. વધુમાં, તે પેટ ખાલી થવાની પ્રક્રિયાને ધીમી પાડે છે, જેનાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઊંચા ડોઝમાં તે ભૂખ ઘટાડવામાં મદદ કરે છે, તેથી ઘણા દેશોમાં તેનો ઉપયોગ ઑફ-લેબલ રીતે વજન ઘટાડવા માટે પણ થાય છે.
દવાની આડઅસર પણ છે...
જોકે, આ દવાના કેટલાક સામાન્ય આડઅસરો પણ છે. તેનાથી સ્વાદુપિંડ (Pancreas) માં સોજો આવવાનું જોખમ રહે છે અને પિત્તાશય (Gallbladder) સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેના ઉપયોગ દરમિયાન ઉબકા, ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને કબજિયાત જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે, જે સામાન્ય રીતે સમય જતાં સુધરી જાય છે.

