Gujarat

બ્રાંડેડ દારૂની ખાલી બોટલમાં નબળી ગુણવતાનો દારૂ વેચતો યુવક ઝડપાયો

By GS TEAM
10 Nov 20252 mins read
બ્રાંડેડ દારૂની ખાલી બોટલમાં નબળી ગુણવતાનો દારૂ વેચતો યુવક ઝડપાયો

રૂ.300માં તૈયાર થતી બોટલ ત્રણ હજારમાં વેચતો હતો

ઝેપ્ટોમાં ડીલીવરી બોય તરીકે કામ કરતો હોવાથી ઓર્ડર મળતા સોલા વિસ્તારમાં ગ્રાહકોેને દારૂ સપ્લાય કરતો હતો

અમદાવાદ: રાજસ્થાનથી દારૂની નાની  બોટલો અને બ્રાંડેડ દારૂની ખાલી બોટલ ઢાંકણા સાથે ખરીદીને તેમાં બ્રાંડેડ દારૂના બદલે ચીલાચાલુ દારૂની નાની બોટલનો દારૂ અન્ય બોટલમાં ઉમેરીને ત્રણ થી ચાર હજાર રૂપિયામાં વેચાણ કરતા યુવકને સોલા પોલીસે ઝડપી લીધો હતો.  ઝેપ્ટો કંપનીમાં ડીલીવરી બોય તરીકે કામ કરતો યુવક સોલા, ચાંદલોડીયા અને આસપાસના વિસ્તારમાં ગ્રાહકોને દારૂ સપ્લાય કરતો હતો.

ચાંદલોડીયામાં આવેલી ગજરાજ સોસાયટીમાં રહેતો કિરણ ખટીક નામનો યુવક છેલ્લાં ઘણા સમયથી વિદેશી દારૂમાં ભેળસેળ કરીને ઉંચી કિંમતે ગ્રાહકોને જોખમી દારૂ સપ્લાય કરતો હોવાની બાતમી સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે એન ભુકાણને મળી હતી. જેના આધારે પોલીસે કિરણના ઘરે દરોડો પાડીને તપાસ કરતા વિવિધ બ્રાંડના દારૂની ખાલી બાવન જેટલી બોટલો અને સીલ વાળા ઢાંકણા મળી આવી હતી. ઉપરાંત, દારૂ ભરેલીના નાની બોટલો મળી આવી હતી.  આ અંગે પોલીસે કિરણ ખટીકની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  તે છેલ્લાં એક વર્ષથી ઝેપ્ટોમાં ડીલીવરી બોય તરીકે કામ કરતો હતો ત્યારે તેને જાણવા મળ્યું હતું કે ઝેપ્ટોમાં પાર્લસના નામે કેટલાંક લોકો દારૂની બોટલો ગ્રાહકોને સપ્લાય કરે છે. 

જેથી તેણે સોલા અને ચાંદલોડીયા તેમજ ઘાટલોડીયામાં દારૂ સપ્લાય માટે નેટવર્ક બનાવ્યું હતું. દારૂના નાનાપાયે કરીને મોટો નફો કમાવવા માટે તેણે રાજસ્થાનમાં માત્ર રૂપિયા ૭૦ની કિંમતની દારૂની બાટલ ખરીદીને દારૂનો જથ્થો લાવવાનું અને બ્રાંડેડ દારૂની ખાલી બોટલો તેમજ સીલ સાથેના ઢાંકણા ખરીદીને લાવ્યો હતો. ત્યારબાદ ગ્રાહકો જે બ્રાંડનો દારૂ મંગાવે તે બ્રાંડની બોટલમાં નબળી ગુણવતાનો દારૂ ભરીને સીલ કરીને મોકલી આપતો હતો. 

સુત્રોના જણાવ્યા મુજબ રૂપિયા ૩૦૦માં તૈયાર થતી દારૂની બોટલ તે રૂપિયા સાડા ત્રણ સુધીની કિંમતમાં વેચાણ કરતો હતો. દારૂની બોટલમાં તે કોઇ કેમીકલ ઉમેરતો હોવાની પણ આશંકા પોલીસે વ્યક્ત કરી છે.