Get The App

કારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવાન પકડાયો

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
કારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવાન પકડાયો 1 - image

ગાંધીનગર શહેરના ટીસીએસ પાસે

એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડીને મોબાઈલકાર સહિત રૃ. ૫.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો

ગાંધીનગર :  આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટને પગલે ગાંધીનગરમાં પણ સટ્ટાની પ્રવૃત્તિ વધી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા ટીસીએસ પાસે કારમાં બેસીને એપ્લિકેશન મારફતે આઈપીએલ ઉપર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા વિજાપુરના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની પાસેથી મોબાઇલ રોકડ અને કાર મળી ૫.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

રાતો રાત રૃપિયા કમાવવા માટે હાલના યુવાનો ક્રિકેટ સટ્ટાની પ્રવૃત્તિમાં સંકળાયેલા છે ત્યારે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૃ થતાની સાથે જ ગાંધીનગરમાં પણ ઠેક ઠેકાણે સટ્ટાની પ્રવૃત્તિ શરૃ થઈ ગઈ હતી. ત્યારે પોલીસ સટોડીયાઓ અને ક્રિકેટ સટ્ટો રમતા શખ્સોને પકડવા માટે દોડી રહી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરને આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે ગાંધીનગરના ટીસીએસ પાસે કારમાં બેસીને એક શખ્સ આઈપીએલની રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહ્યો છે. જે બાતમીના પગલે પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી અને કારમાં રહેલા શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી મળેલા મોબાઈલમાં સટ્ટાની એપ્લિકેશન પણ મળી હતી. જેના પગલે તેની પૂછપરછ કરતા તે ચિરેન જ્યંતીભાઇ પટેલ રહે. વિજાપુર, જી. મહેસાણા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની પાસેથી રોકડ મોબાઈલ અને કાર મળી ૫.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો. જેની સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.