આજે વિશ્વ હાથશાળ દિવસ : લુપ્ત થતી ખરડના વણાટકલાના ધરોહર પિતા-પુત્ર તેજસી-સામતને રાષ્ટ્રીય સન્માન
Image: Instagram : @Samat Tejsi |
Kutch Handloom Art: વિશ્વની સૌથી પ્રાચન ગણાતી વણાટકલામાંની એક ખરડના જીવંત ધરોહર ગણાતા એક માત્ર કચ્છના પરિવારજનોમાં પિતા તેજસી ધાનાભાઈ મારવાડા અને પુત્ર સામત તેજસી ધાના મારવાડાએ નેશનલ એવોર્ડ મેળવીને એક ઈતિહાસ સજર્યો છે.
નેશનલ એવોર્ડ એનાયત
મૂળ ભારત-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા કુરન ગામના તેજસીભાઈને અગાઉ નેશનલ એવોર્ડ મળી ચૂક્યો હતો અને આજે તેમના પુત્ર સામત તેજસીના નેશનલ એવોર્ડની રાષ્ટ્રીય હાથશાળ દિન નિમિત્તે જાહેરાત થતાં કચ્છ અને ગુજરાતના વણાટકારોમાં ઉત્સાહનું મોજું પ્રસર્યું હતું. ખરડ એ ઊંટ અને બકરાના ઊનમાંથી બનતી મહામૂલી ચટાઈ છે જે સદીઓ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. વર્ષો પહેલાં સિંધના રણમાં ઊંટ પર લઈ જવાતી બેગ અને ખાટલામાં પાથરવામાં આવતી ઉત્તમ કક્ષાની મજબૂત દરીઓ ક ખરડ વણાટ દ્વારા બનાવવામાં આવતી. 35 વર્ષની યુવા વયે તેજસીએ ઊંટના ઊનમાંથી કોરોનાની થીમ પર દરી બનાવી જેના કારણે તેમના ઐતિહાસિક વારસાને સાચવીને ઉત્તમ પ્રકારના કામ બદલ રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે.
કેમ ખાસ છે આ કલા?
આ અંગે ગુજરાત સમાચાર સાથે વાત કરતાં સામતભાઈ તેજસીભાઈ મારવાડાએ જણાવ્યું હતું કે, અમારી આ કલા સૌથી કપરી કલા છે. જેમાં માત્ર આઠ પ્રકારના લાકડાનો ઉપયોગ કરીને જાતે જ સાળ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ દુર્લભ ઊંટના ઊનનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ઘેટા બકરાના શરીર પર વિપુલ ઊન હોય છે પરંતુ ઊંટના શરીર પર જે ઓછું ઊન હોય છે તે જ ખરડમાં વપરાય છે. આનું કારણ તેની મજબૂતી છે. ખરડની ડિઝાઈન પણ એક સમય અને પરિશ્રમ માગી લે તેવું હતું. પરંતુ મહામહેનતે અમે અનેક મહિનાઓના પરિશ્રમથી વૈશ્વિક કોરોનાની થીમ પર ખરડ દરી બનાવી અને તેને જ સેમ્પલ તરીકે નેશનલ એવોર્ડ ખાતે દિલ્હી મોકલી હતી. વર્ષો સુધી અમારા વડવાઓએ આ કલાને સાચવીને અમારા સુધી તેનું વહન કર્યું. આ કલાને સાચવવામાં પણ અમે ઘણી આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આજે જ્યારે આ નેશનલ એવોર્ડ એનાયત થયો છે ત્યારે આંખો આંસુથી ભરાઈ ગઈ છે.
લુપ્ત થઈ રહી છે કલા
વધુમાં સામતભાઈએ જણાવ્યું હતું કે, કેટલાંક વર્ષો પહેલાં મારા પિતાને પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો. આજે એ વાતનો આનંદ છે કે જે કલા લુપ્ત થઈ રહી છે તેને સાચવવા માટે આજે અમને જે રાષ્ટ્રીય સન્માન મળી રહ્યું છે તે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે.
ઉલ્લેખનીય છે કે, તેજસીભાઈ ધાના પરિવારના ઉત્તમ નમૂનાઓ વિશ્વના અનેક મ્યુઝિયમમોમાં પ્રાચીન વણાટકલાના આધારસ્તંભ તરીકે સચવાયેલા છે.