મોરબીમાં 500 ગાંડા અને હું 501મો ગાંડો.... ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઈટાલિયા સમક્ષ ચોંકાવનારું નિવેદન
Kanti Amrutiya on Gopal Italia: ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે રાજકીય જંગ જામ્યો હતો. એટલી હદેકે, અમૃતિયાએ વિધાનસભાના પ્રાંગણમાં જઈને ધારાસભ્યપદેથી રાજીનામુ આપવાનું રાજકીય નાટક કર્યુ હતું. રાજકારણની તાસીર જુઓ, આજ બંને ધારાસભ્યો સચિવાલયમાં મજાક મસ્તી સાથે વાર્તા કરતાં જોવા મળ્યાં હતા. કાંતિ અમૃતિયાએ તો ઈટાલિયાને મજાકમાં એવુ કહી દીધું કે, મોરબીમાં 500 કાર્યકતા ગાંડા છે. હું 501મો ગાંડો છું.
રાજકારણની તાસીર: પહેલાં મોરેમોરો, હવે દોસ્તી
બન્યુ એવું કે, ધારાસભ્ય બન્યા પછી પહેલીવાર ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને મળવા સચિવાલય પહોંચ્યા હતા. ઇટાલિયાએ મુખ્યમંત્રીને એવી રજૂઆત કરીકે, ત્રણ જીલ્લામાં 196 ગામોમાં ઇકો સેન્સિટીવ ઝોન રદ કરો. આ ઉપરાંત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો અમલ કરાતો નથી.
રાજીનામુ આપવાના મુદ્દે રાજકારણ હિલોળે ચડાવ્યું એ કાંતિ અમૃતિયા ઇટાલિયા સાથે વાતે વળગ્યા
ટીપીના કાયદાનુ ખોટુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે. ટીપીમાં 40% જમીન કપાત કરવી ગેરકાયેદસર છે. આ રજૂઆત કર્યા પછી ઇટાલિયા પરત ફરી રહ્યાં હતાં ત્યારે સ્વર્ણિમ સંકુલની નીચે અચાનક મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા આવી પહોંચ્યાં હતાં.જેને પડકાર ફેક્યો હતો તે ઈટાલિયાને જોઈ ખુદ કાંતિ અમૃતિયા મળવા દોડ્યાં હતા. એટલુ જ નહીં, અમૃતિયાએ હસ્તા ચહેરે કહ્યું કે, મોરબી શહેરમાં 500 ગાંડા કાર્યકરો છે જેમાં હું 501મો ગાંડો. આવુ કહેતાં આસપાસ ઉભેલાં લોકો પણ અચંબામાં મૂકાયા હતા કે, ધારાસભ્ય અમૃતિયા પોતાની જાતને ગાંડો કેમ કહી રહ્યાં છે.
આ પણ વાંચો: આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ - પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો
જોકે, વિસાવદરવાળી થશે તે મુદ્દે આમને સામને આવેલાં કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા મિનીટો સુધી હસતા ચહેરે વાતો કરી મજાક મસ્તીએ ચડ્યા હતાં. આપના પ્રદેશના એક હોદ્દેદારે આ બન્ને વચ્ચેની વાતચીત અંગે ખુલાસો કર્યો હતો. ખુદ કાંતિ અમૃતિયાએ આ તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.