અમદાવાદના જમાલપુરમાં ગાર્બેજ કલેક્શન વાહનના ચાલકે અનેક વાહનો લીધા અડફેટે, એકનું મોત, 7ને ઈજા
Ahmedabad Accident: અમદાવાદમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જમાલપુર વિસ્તારમાં AMCના સરકારી વાહન દ્વારા રાહદારીઓને અડફેટે લેવામાં આવ્યા હતા. પૂરપાટ ઝડપે આવતી ગાર્બેજ કલેક્શનની ગાડીએ 7 થી 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક 50 વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે. આ સિવાય બાળકો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન કરતા વાહને વહેલી સવારે 2 થી 3 વાહનોને તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓને અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે આવતા આ વાહનની અડફેટે 7 થી 8 જેટલા લોકો આવ્યા હતા. જેમાંથી 1 વર્ષીય આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ સિવાય શાળામાં અભ્યાસ કરતા બે બાળકો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
વાહન ચાલકની કરી અટકાયત
અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન વાહન ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ, હાજર સ્થાનિકોએ તેને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. હાલ પોલીસે અકસ્માત કરનાર ડ્રાઇવર રાહુલ પરમારની અટકાયત કરી છે અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તેમના પરિજનોને આ વિશે જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભારે વિરોધ બાદ સરકારનો યુ-ટર્ન, વિચરતી વિમુક્ત જાતિના ડિપ્લોમા વિદ્યાર્થીઓને સહાય મળશે
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસે આ મામલે ડ્રાઇવર અને લોકોની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, વાહન ચાલક રાહુલ પરમાર પાસે લાઇસન્સ નહતું. જોકે, હાલ આ મામલે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી ચકાસી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.