મહેસાણામાં બાંધકામ સાઇટ પરથી શ્રમિક પટકાતાં મોત, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી
Image: AI |
Mehsana Accident: મહેસાણાના સિવિલના બાંધકામ દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ શ્રમિકનું મોત નિપજ્યું છે. PIU (Project Implementation Unit)ની નોટિસ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સુરક્ષાની વ્યવસ્થા ન કરવામાં આવતા શ્રમિકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, મહેસાણા સિવિલના બાંધકામ દરમિયાન એક શ્રમિક કામ કરતા-કરતા ઊંચાઈએથી નીચે પટકાયો હતો, જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. વારંવાર PIU દ્વારા સૂચના આપી હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં નહોતી આવી. કોન્ટ્રાક્ટર કોઈપણ પ્રકારની સુરક્ષા વિના કર્મચારીઓ પાસે કામ કરાવતો હતો. એવામાં સુરક્ષાના સાધનોના અભાવે શ્રમિકનું અકસ્માતે મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃ વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં સજા કાપતા કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો
PIUની નોટિસ છતા ન કરાઈ સુરક્ષા વ્યવસ્થા
નોંધનીય છે કે, સુરક્ષાના ધોરણોને ધ્યાને રાખીને આ પહેલાં પણ PIUએ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી હતી. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા આ પ્રકારની યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહતી. હાલ, આ મામલે પોલીસે શ્રમિકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે હાથ ધરી તપાસ
હાલ, આ મામલે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. આ સિવાય સરકાર કે કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી મૃતકના પરિવારને કોઈ સહાય રકમ પણ આપવામાં નથી આવી. પોલીસ હાલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે અને આસપાસના લોકો તેમજ અન્ય મજૂરોના નિવેદન નોંધી તપાસ કરી રહી છે.