વડોદરા સેન્ટ્રલ જેલમાં હત્યાના ગુનામાં સજા કાપતા કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો
Vadodara Central Jail : વડોદરા સેન્ટ્રલ જેલના આઉટ સર્કલ વિભાગમાંથી પાકા કામના કેદી પાસેથી વધુ એક મોબાઇલ ફોન મળી આવતા ફરિયાદના આધારે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગઈકાલે તા.2 જુલાઈના રોજ બપોરે વડોદરા મધ્યસ્થ જેલમાં સિનિયર જેલર તથા સ્થાનિક ઝડતી સ્ક્વોડના કર્મીઓ આઉટ સર્કલ વિભાગ રંગ ખોલીમાં પ્રવેશતા પાકા કામના કેદી દિલીપ પ્રભાતભાઈ પગીના ઉપર શંકા જતા ઝડતી લીધી હતી. આ દરમ્યાન કેદીએ કમરના ભાગે છુપાવેલ બેટરી અને સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછતાછમાં કેદીએ આ મોબાઈલ ફોનનો પોતે ઉપયોગ કરી રહ્યો હોવાની કબુલાત કરી હતી. આ અંગે ગ્રુપ 2 જેલરએ કેદી વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મોબાઈલ ફોનની એફએસએલ ચકાસણી થાય તો આ અંગે વધુ વિગતો સપાટી પર આવી શકે છે.