મહેસાણાના વીજાપુરમાં બે કલાકમાં 6.5 ઈંચ મૂશળધાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો ડૂબ્યાં, ધરોઈ ડેમમાં પાણીની આવક
Mehsana Rain Update: ચોમાસાની શરૂઆતની જ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. એમાં પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. બુધવારથી શરૂ થયેલા વરસાદથી મહેસાણા પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વીજાપુરમાં બે કલાકમાં જ 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય મહેસાણાના ધરોઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે.
મહેસાણાના વીજાપુરમાં ગુરૂવારે બે કલાકામં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. વીજાપુર ટીબી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે જિલ્લામાં પાણી-પાણી થઈ ગયું છે. વિજાપુરમાં આવેલી હાઇસ્કૂલમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ સિવાય અંડરબ્રિજ તેમજ નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય વિસનગર રોડ પણ પાણી ભરાઈ જવાના કારણે બંધ કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે આખું મહેસાણા જાણે તણાઈ રહ્યું છે. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે અને ગાડીઓ તણાતી જોવા મળી હતી.
આ પણ વાંચોઃ વડોદરામાં આજવા ખાતે પૂર નિયંત્રણ માટે સ્ટોર્મ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ થોડા દિવસમાં ચાલુ થશે
ધરોઈ ડેમમાં પાણીની આવક
અનરાધાર વરસાદના કારણે મહેસાણાના ધરોઈ ડેમની પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઈ ડેમની સપાટી 610.29 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ડેમમાં ભયજનક સ્તર 622 ફૂટ છે. સ્ત્રાવ ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે ડેમમાં 59166 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ પાણીનો કુલ જથ્થો 59.59 ટકા નોંધાયો છે.
ભેખડ ધસી પડતા રોડ બંધ કરાયો
મહેસાણા જિલ્લાના સતલાસણા-દાંતા માર્ગ ઉપર આંબાઘાટા નજીક ભેખડ ધસી પડી હતી. મળતી માહિતી મુજબ, ભેખડ ધસી પડતા એક માર્ગીય રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વરસાદને કારણે પથ્થર રોડ ઉપર ધસી આવ્યો હતો. જોકે આ ઘટના રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ.
આ પણ વાંચોઃ 24 કલાકમાં ગુજરાતના 162 તાલુકામાં વરૂણ દેવ વરસ્યા, ઉત્તર ગુજરાતમાં અનરાધાર
હમામાનની આગાહી
3 જુલાઈ
હવામાન વિભાગ દ્વારા 3 જુલાઈના દિવસે 2 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અપાયું છે. આ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય 20 જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યાં ભારે વરસાદ જોવા મળશે.
- ઑરેન્જ ઍલર્ટઃ બનાસકાંઠા અને સાબરકાંઠા
- યલો ઍલર્ટઃ કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી.