Gujarat
કરમસદમાં 35.41 ગૂંઠા જમીન વેચવાના બહાને મહિલા સાથે 8.90 લાખની ઠગાઈ
By GS TEAM
18 Oct 20251 min read

- વિદ્યાનગર પોલીસ મથકે બે મહિલા સહિત 3 વિરૂદ્ધ ફરિયાદ
- 20 લાખમાં સોદો નક્કી કર્યા બાદ 2022 માં બાનાખત પેટે 5 લાખ, જમીન જૂની શરતના દોઢ લાખ આપ્યા
આણંદ : આણંદ પાસેના કરમસદ ગામની સીમમાં આવેલી ૩૫.૪૧ ગૂંઠા જમીન વેચાણ આપવાના બહાને જમીન પેટે કુલ રૂપિયા ૮.૯૦ લાખ ઉપરાંતની રકમ લીધા બાદ વેચાણ દસ્તાવેજ નહીં કરી આપી તેમજ નાણાં પરત નહીં આપી છેતરપિંડી આચરી હોવા અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે છેતરપિંડી આચરનારી બે મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ પાસેના કરમસદ ગામે રહેતા મૌલિનીબેન નૈલેશભાઈ પટેલ ને જમીન ખરીદવી હોવાથી એપ્રિલ-૨૦૨૨માં કરમસદ ગામની સીમમાં આવેલી કમળાબેન ભાથીભાઈ ચૌહાણ તથા જશોદાબેન ભાથીભાઈ ચૌહાણની ૩૫.૪૧ ગુંઠા જમીન વેચવાની હોવાથી ચંદુભાઈ બુધાભાઈ પરમારે તેમનો સંપર્ક કરાવ્યો હતો.
આ જમીનની કિંમત રૂપિયા ૨૦ લાખ જેટલી નક્કી કરવામાં આવી હતી. સોદો નક્કી થતાં એપ્રિલ-૨૦૨૨માં આ અંગે આણંદના નોટરી એડવોકેટ સમક્ષ વેચાણ બાનાખત કરવામાં આવ્યો હતો અને તે પેટે રૂા. ૫ લાખના અલગ અલગ ચેક આપવામાં આવ્યા હતા. બાદમાં જમીન નવી શરતની હોય જૂની શરતની જમીન કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તેના પ્રીમિયમ પેટેની રકમ પણ ભરવામાં આવી હતી.








