કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ ક્યારે શરૂ કરાશે? ખેડામાં મળેલી સંકલન બેઠકમાં ધારસભ્યનો સવાલ
Railway News: ખેડા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી એક મહત્ત્વપૂર્ણ સંકલન બેઠકમાં રેલવે વિભાગને લગતા વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરાના ડિવિઝનલ રેલવે મેનેજર, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજ દેસાઈ, રાજેશભાઈ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
નડિયાદ રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટને લીલીઝંડી
મળતી માહિતી મુજબ, આ બેઠકનો મુખ્ય એજન્ડા નડિયાદ રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને જિલ્લાના રેલવે સંબંધિત પ્રશ્નો હતો. નડિયાદ મતવિસ્તારના ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે, 'નડિયાદ રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે અને પ્રોજેક્ટ માટે જરૂરી ભંડોળ પણ મંજૂર થઈ ગયું છે. સ્ટેશનનું કામ પૂર્ણતાના આરે હોવાથી તેની NOC અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, નડિયાદ રેલવે સ્ટેશનની બાજુમાં પૂર્વ-પશ્ચિમને જોડતા નવા રેલવે ઓવરબ્રિજને પણ મંજૂરી મળી ગઈ છે અને તેની ડિઝાઇન તૈયાર કરવાની સમીક્ષા કરવામાં આવી હતી. નડિયાદ રેલવે સ્ટેશનના રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કેટલાક સૂચવેલા સુધારા-વધારા સાથે નવી ડિઝાઇનનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, જેને બેઠકમાં ફાઇનલ કરવામાં આવ્યું હતું.'
આ પણ વાંચોઃ ગોરવામાં ઢોર પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ, ત્રણ જણા સામે ફરિયાદ
કોરોનાકાળથી બંધ ટ્રેનો શરૂ કરવા પર સવાલ
મહેમદાવાદ મતવિસ્તારના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ત્રણ ફ્લાયઓવર બ્રિજ અને એક અંડરપાસ સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા. તેમણે ખાસ કરીને કોરોનાકાળથી બંધ પડેલી ટ્રેનોને ક્યારે શરૂ કરવામાં આવશે તે અંગે મહત્ત્વનો સવાલ પૂછ્યો હતો. આ પ્રશ્નથી સ્પષ્ટ થાય છે કે, સામાન્ય જનજીવન પાટા પર આવી ગયું હોવા છતાં, ઘણી રેલ સેવાઓ હજુ પણ કાર્યરત ન થતાં સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સાંકડા અંડરપાસ અને રોડ કનેક્ટિવિટીની ઉઠી માગ
કપડવંજ મતવિસ્તારના ધારાસભ્ય રાજેશકુમાર ઝાલાએ રત્નાકર માર્ગ પરના સાંકડા અંડરપાસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આ અંડરપાસનો ઉપયોગ 150થી વધુ સોસાયટીઓના લોકો કરે છે અને મોટું વાહન સામે આવે તો પસાર થઈ શકતું નથી. તેથી, ગરનાળાને પહોળું કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ડાકોર રોડથી સ્વામિનારાયણ મંદિર થઈ રત્નાકર મંદિરને જોડતા માર્ગ બનાવવા માટે NOC અને સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન નાખવા માટે NOC બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી.