Get The App

વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો 'દરિયાની દીકરી' માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધીની પ્રેરક કહાની

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો 'દરિયાની દીકરી' માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધીની પ્રેરક કહાની 1 - image

Junagadh News : ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે (20 નવેમ્બર) કારતક મહિનાની અમાસના પવિત્ર દિવસે 19મા 'વ્હેલ શાર્ક દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે, આ વિશેષ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે યોજાયો છે. જે ગુજરાત સરકાર, સ્થાનિક સમુદાય અને માછીમારોના અદ્ભુત સહકારનું પ્રતીક બન્યો છે.

1000 થી વધુ વ્હેલ શાર્કને અપાયું જીવનદાન

વિશ્વની સૌથી મોટી માછલી, વ્હેલ શાર્કના સંરક્ષણ માટે ગુજરાતના માછીમારોએ જે સકારાત્મક અભિયાન ચલાવ્યું છે, તેના પરિણામે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ થઈ છે. અત્યાર સુધીમાં 1000થી વધુ વ્હેલ શાર્કને સફળતાપૂર્વક બચાવીને સુરક્ષિત રીતે દરિયામાં છોડવામાં આવી છે. એક સમયે જ્યાં વ્હેલ શાર્કનો શિકાર થતો હતો, આજે ત્યાં માછીમારો જ તેના 'સંરક્ષક' બનીને ઊભરી આવ્યા છે. આ પરિવર્તન માનવ અને પ્રકૃતિના સહકારનું એક અદ્ભુત ઉદાહરણ છે.

વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો 'દરિયાની દીકરી' માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધીની પ્રેરક કહાની 2 - image

શિકારમાંથી સંરક્ષણ સુધીની પ્રેરક યાત્રા

આ પરિવર્તનની શરૂઆત વર્ષ 2006માં થઈ હતી, જ્યારે ગુજરાત સરકારે વ્હેલ શાર્કના શિકારને રોકવા માટે એક વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કર્યું. 2007માં દરિયાકાંઠાના વિસ્તારોમાં 'વ્હેલ શાર્ક દિવસ'ની ઉજવણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. આ અભિયાનનો સૌથી મહત્ત્વનો ભાગ માછીમારોને આપવામાં આવેલ પ્રોત્સાહન હતું. વ્હેલ શાર્કને બચાવતી વખતે જો માછીમારોની જાળને નુકસાન થાય, તો તેમને રૂ.50,000 સુધીનું વળતર આપવાની જોગવાઈ સરકારે કરી.

નીતિગત પ્રોત્સાહને બદલી માછીમારોની માનસિકતા

આ સકારાત્મક નીતિ અને સતત જાગૃતિના કારણે સૌરાષ્ટ્રના માછીમારોની માનસિકતામાં ધરખમ પરિવર્તન આવ્યું. હવે, તેઓ વ્હેલ શાર્કને જાળમાંથી મુક્ત કરવાના અભિયાનમાં માત્ર સહકાર જ નથી આપતા, પરંતુ સક્રિય ભૂમિકા પણ ભજવે છે. તેઓ સમજી ગયા છે કે દરિયાઈ જીવનનું સંરક્ષણ જ તેમનું ભવિષ્ય છે.

ગુજરાતનું વ્હેલ શાર્ક સંરક્ષણ અભિયાન વિશ્વભરમાં એક સફળ મોડેલ તરીકે જાણીતું છે, જેમાં કેટલાક પ્રયાસો મહત્વના સાબિત થયા.

વ્હેલ શાર્ક દિવસ: ગુજરાતના માછીમારો 'દરિયાની દીકરી' માટે બન્યા સંરક્ષક, જાણો શિકારમાંથી સંરક્ષણ સુધીની પ્રેરક કહાની 3 - image

ધાર્મિક અને સાંસ્કૃતિક જોડાણ

આ અભિયાનને સ્થાનિક સંસ્કૃતિ અને ધર્મ ગુરુઓ, સંતો સાથે જોડીને પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે. ધર્મ ગુરુઓ, સંતો દ્વારા વ્હેલ શાર્કને 'દરિયાની દીકરી' (Daughter of the Sea) તરીકે સંબોધિત કરવામાં આવી, જેનાથી માછીમારોમાં તેના પ્રત્યે લાગણી અને આદર ઉત્પન્ન થયો.

આ પણ વાંચો: નવી આધાર App લાવશે UIDAI! ઈન્ટરનેટ વિના મળશે આ સુવિધા, જાણો કેવા હશે ફિચર્સ

શાળા અભિયાન અને માછીમારોની સક્રિય ભાગીદારી

દરિયાકાંઠાના વિસ્તારોમાં શાળાના બાળકો અને યુવાનોને વ્હેલ શાર્કના મહત્વ વિશે શીખવવામાં આવ્યું. તો બીજી તરફ માછીમારોને વ્હેલ શાર્કને નુકસાન પહોંચાડ્યા વિના જાળમાંથી મુક્ત કરવાની વિશેષ તાલીમ આપવામાં આવી છે.

વળતર યોજના બની મોટું પ્રોત્સાહન

જો વ્હેલ શાર્કને બચાવવાના પ્રયાસમાં માછીમારોની જાળને નુકસાન થાય, તો ગુજરાત વન વિભાગ દ્વારા તેમને રૂ.50,000 સુધીનું વળતર આપવામાં આવે છે, જે તેમની સક્રિય ભાગીદારી માટે એક મોટું પ્રોત્સાહન બન્યું છે.

સંશોધન અને દેખરેખ 

ટેગિંગ પ્રોગ્રામ: વન વિભાગ અને સંરક્ષણ સંસ્થાઓ વ્હેલ શાર્કને સેટેલાઇટ ટેગ લગાવીને તેમના સ્થળાંતર માર્ગો અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમની હાજરીનો સમયગાળો સમજે છે. આનાથી સંરક્ષણ નીતિઓ વધુ અસરકારક બની છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 6 નવી DEO કચેરી શરુ થશે, વહીવટી માળખામાં શિક્ષણ વિભાગે કર્યા ધરખમ ફેરફાર

આ ત્રિ-સ્તરીય અભિગમના કારણે જ, ગુજરાતના દરિયાકાંઠાને વ્હેલ શાર્ક માટે વિશ્વના સૌથી સુરક્ષિત સંવર્ધન અને સંરક્ષણ ક્ષેત્રોમાંનું એક ગણવામાં આવે છે. ગુજરાતનો આ પ્રયાસ સમગ્ર વિશ્વ માટે માનવ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતાનું એક અદ્ભુત અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે, જે અન્ય દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ અનુકરણીય છે.