નવી આધાર App લાવશે UIDAI! ઇન્ટરનેટ વિના મળશે આ સુવિધા, જાણો કેવા હશે ફિચર્સ

| (file photo) |
New Aadhaar App for Offline Verification: આધાર કાર્ડ જારી કરનાર સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા(UIDAI), ટૂંક સમયમાં જ એક નવી આધાર એપ લોન્ચ કરશે. આ એપનો મુખ્ય ઉદ્દેશ્ય ઇન્ટરનેટ કનેક્શન વિના પણ સંપૂર્ણપણે સુરક્ષિત અને પેપરલેસ ઓળખ ચકાસણી પૂરી પાડવાનો છે. આ નવી પહેલથી સામાન્ય નાગરિકોને તેમની ખાનગી માહિતી પર સંપૂર્ણ નિયંત્રણ મળશે, જેના પરિણામે ડેટા લીક અથવા દુરુપયોગનો ખતરો ઘણો ઓછો થઈ જશે.
ઇન્ટરનેટ વિના આધાર વેરિફિકેશન
UIDAIના અધિકારીઓએ જણાવ્યું છે કે, 'આ નવી એપ ઇન્ટરનેટ વગર આધાર વેરિફિકેશન કરવાની સગવડ આપશે. આ એપની મદદથી, યુઝર પોતાની મરજી મુજબ આધારની વિગતો અથવા ફક્ત જરૂરી માહિતી જ સામેની વ્યક્તિ કે સંસ્થા સાથે શેર કરી શકશે. સૌથી ખાસ વાત એ છે કે, ઇન્ટરનેટ ન હોય તો પણ, ચહેરાની ઓળખ(ફેસ વેરિફિકેશન) દ્વારા વ્યક્તિની હાજરીની વેરિફિકેશન કરી શકાશે, જેનાથી પ્રક્રિયા વધુ સરળ અને સુરક્ષિત બનશે.
રોજિંદા કામોમાં થશે સરળ ઉપયોગ
અધિકારીઓનું કહેવું છે કે આ એપ દ્વારા નાગરિકો કાગળના આધાર કાર્ડ વગર જ હોટેલ ચેક-ઇન, સોસાયટીમાં પ્રવેશ, ઇવેન્ટમાં એન્ટ્રી જેવી અનેક જગ્યાઓ પર સરળતાથી ઉપયોગ કરી શકશે. વળી, QR કોડ આધારિત ચકાસણીને કારણે આ આખી પ્રક્રિયા વધુ ઝડપી અને સુરક્ષિત બની જશે.
નવા આધાર એપની મુખ્ય સુવિધાઓ નીચે મુજબ છે:
માહિતી શેરિંગ પર નિયંત્રણ: આ એપ યુઝરને સંપૂર્ણ આધાર માહિતી અથવા માત્ર નામ, ફોટો, સરનામું જેવી જરૂરી વિગતો જ શેર કરવાની છૂટ આપે છે. નિર્ણય સંપૂર્ણપણે યુઝરનો રહેશે.
ઇન્ટરનેટ વિના ચકાસણી: આ એપ દ્વારા વેરિફિકેશન સંપૂર્ણપણે ઓફલાઇન થઈ શકશે એટલે કે દૂરના વિસ્તારોમાં પણ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નહીં પડે.
બાયોમેટ્રિક ડેટા સુરક્ષા: યુઝર એક જ ક્લિકમાં પોતાના બાયોમેટ્રિક ડેટાને લોક અથવા અનલોક કરી શકે છે, જેનાથી સુરક્ષા વધે છે.
ફેમિલી મેનેજમેન્ટ: એક જ એપમાં પરિવારના 5 સભ્યો (મહત્તમ) સુધીની આધાર વિગતો સરળતાથી મેનેજ કરી શકાશે.
સરળ અપડેટ સુવિધા: મોબાઇલ નંબર અને સરનામું બદલવાની પ્રક્રિયા હવે આ એપ દ્વારા વધુ સરળ બની જશે.
આ પણ વાંચો: 'અમે RBI ઓફિસર છીએ, રોકડા જમા કરો', બેંગલુરુમાં ફિલ્મી સ્ટાઈલમાં રૂ. 7 કરોડની લૂંટ
નવી આધાર એપ ક્યારે લોન્ચ થશે?
એપના લોન્ચની તારીખ હજી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર તે ખૂબ જ જલ્દી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થશે. આધાર ધારકો માટે આ એપ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં એક વધુ મોટું પગલું સાબિત થવાની છે.

