Get The App

ગુજરાતમાં 6 નવી DEO કચેરી શરૂ થશે, વહીવટી માળખામાં શિક્ષણ વિભાગે કર્યા ધરખમ ફેરફાર

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં 6 નવી DEO કચેરી શરૂ થશે, વહીવટી માળખામાં શિક્ષણ વિભાગે કર્યા ધરખમ ફેરફાર 1 - image


Education Department News: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાપનને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 17 નવેમ્બર 2025ના રોજ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા ઠરાવ અનુસાર રાજ્યમાં 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓ શરૂ કરાશે. આ નિર્ણય અંતર્ગત અંજાર (કચ્છ), અમદાવાદ શહેર (પૂર્વ વિસ્તાર), વડોદરા (ગ્રામ્ય), રાજકોટ (ગ્રામ્ય), સુરત (ગ્રામ્ય) અને ગાંધીનગર (ગ્રામ્ય) ખાતે નવી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.

કામગીરીનું ભારણ ઘટાડવા અને સરળ વહીવટ માટે વિભાજન 

આ નિર્ણયનો મુખ્ય હેતુ ડીઈઓ કચેરીની કામગીરીનું ભારણ ઘટાડવું અને શાળાઓનું નિરીક્ષણ વધુ અસરકારક બનાવવાનો છે. શિક્ષણ વિભાગે કચ્છ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને સુરત જિલ્લાની હાલની કચેરીઓના કાર્યક્ષેત્રનું વિભાજન કરીને નવી જગ્યાઓ ઊભી કરી છે. આ નવી કચેરીઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી (વર્ગ-1) ની નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે અને વર્ગ-2, 3 અને 4 ના કર્મચારીઓને હાલના મહેકમમાંથી તબદીલ કરવામાં આવશે.



ક્યાં કચેરીઓ શરૂ થશે? 

અંજાર (કચ્છ): શેઠ ડી.વી. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સવાસરા નાકા બહાર, અંજાર.

અમદાવાદ શહેર (પૂર્વ): બ્લોક નં. બી, બહુમાળી ભવન, હિમાલયા મોલની સામે, વસ્ત્રાપુર.

વડોદરા (ગ્રામ્ય): જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ત્રીજો માળ, કારેલીબાગ.

ગાંધીનગર (ગ્રામ્ય): શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર, સેક્ટર-7.

રાજકોટ (ગ્રામ્ય): જૂના વઢવાણનો ઉતારો, કસ્તુરબા માર્ગ, જિલ્લા બેન્કની સામે.

સુરત (ગ્રામ્ય): બ્લોક-એ, ત્રીજો માળ, જિલ્લા સેવા સદન-2, અઠવાલાઇન્સ.

શાળાઓ અને મહેકમની ફાળવણી 

આ વિભાજન બાદ શાળાઓની સંખ્યામાં પણ મોટો ફેરફાર થશે. દાખલા તરીકે અમદાવાદ શહેરમાં કુલ 1892 શાળાઓમાંથી હવે પૂર્વ વિસ્તારમાં 1242 શાળાઓ અને પશ્ચિમ વિસ્તારમાં 650 શાળાઓ રહેશે. સુરત જિલ્લામાં કુલ 1779 શાળાઓમાંથી શહેર વિસ્તારમાં 1401 અને ગ્રામ્ય વિસ્તારમાં 378 શાળાઓ રહેશે. એ જ રીતે કચ્છમાં કુલ 529 શાળાઓમાંથી અંજાર (પૂર્વ) હસ્તક 258 અને ભુજ (પશ્ચિમ) હસ્તક 329 શાળાઓ આવશે.

મહેકમની વાત કરીએ તો અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર માટે કુલ 47 જગ્યાઓ (વર્ગ-1 થી વર્ગ-4) ફાળવવામાં આવી છે, જ્યારે પશ્ચિમ વિસ્તાર માટે 23 જગ્યાઓ રહેશે. વડોદરા ગ્રામ્ય માટે 13 અને શહેરી વિસ્તાર માટે 32 જગ્યાઓ રહેશે. આ જ પ્રકારે અન્ય જિલ્લાઓમાં પણ સ્ટાફનું વિભાજન કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં 6 નવી DEO કચેરી શરૂ થશે, વહીવટી માળખામાં શિક્ષણ વિભાગે કર્યા ધરખમ ફેરફાર 2 - image

Tags :