Gujarat

વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા

By GS TEAM
19 Mar 20262 mins read
વુડાનું રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ, રસ્તા, રીંગરોડઅને આવાસ યોજનાઓને પ્રાથમિકતા

વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા) દ્વારા વર્ષ ૨૦૨૯-૨૭ માટે રૂ. ૮૦૧.૭૦ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વખતે બજેટમાં રૂ.૧૧૮ કરોડનો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષનું બજેટ રૂ. ૯૧૯.૬૯ કરોડ હતું. તેમ છતાં વિકાસકાર્યો માટે મૂડી ખર્ચમાં વધારો કરી તંત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ભાર મૂક્યો છે.

વુડા આ વર્ષે રૂ. ૫૧૭.૦૧ કરોડની કેપિટલ આવક સામે રૂ.૬૪૩.૭૦ કરોડનો ખર્ચ વિકાસ કામોમાં કરશે. આવકના મુખ્ય સ્રોત તરીકે જમીન અને પ્લોટોના વેચાણ પર વધુ નિર્ભરતા જોવા મળી રહી છે. વુડા દ્વારા આ વર્ષે ૧૦૮૦ નવા આવાસો બનાવવાની યોજના છે. સાથે જ જુના આવાસો વેચીને આશરે રૂ.૪૫ કરોડની આવક મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

અંકોડિયામાં રૂ. ૫૭ કરોડના ખર્ચે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવાશે. ઉપરાંત શહેરના વિકાસ માટે માર્ગ અને ડ્રેનેજ સુવિધાઓમાં પણ મોટાપાયે રોકાણ કરાશે. હાલોલ ખાતેના ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં લોજિસ્ટિક પાર્ક વિકસાવવા રૂ.૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

૭૫ મીટરના રીંગ રોડ પ્રોજેક્ટના બે ફ્રેઝ પૂર્ણ થઈ ચૂક્યા છે. આજવાના જેસંગપુરાથી રતનપુરા તથા અંકોડિયા થી ચાપડ સુધી કુલ ૨૭.૫૪ કિ.મી. માર્ગ પર રૂ. ૨૭૧ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી શહેરના ટ્રાફિક દબાણમાં રાહત મળવાની અપેક્ષા છે.


વિકાસ કામો પાછળ ખર્ચની વિગત

રોડ રસ્તા - રૂ. ૨૦૦ કરોડ રીંગ રોડ- રૂ.૫૦ કરોડ સ્ટોર્મ વોટર/ટ્રીટમેન્ટ પ્લાન્ટ -રૂ.૧૯૭.૭૩ કરોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ- રૂ.૫૭ કરોડે ડેનેજ નેટવર્ક-રૂ.૫૭ કરોડ

આવકના મુખ્ય સ્ત્રોત

દુકાન અને પ્લોટ વેચાણ - રૂ.૧૦૫ કરોડ સરકાર ગ્રાન્ટ - રૂ.૩૦૦ કરોડ ડેવલપમેન્ટ ચાર્જ-રૂ.૮.૨૦ કરોડ એમિનિટી ફી - રૂ. ૧૦ કરોડ એફ એસઆઈ પ્રીમિયમ- રૂ. ૧૩ કરોડ બેટરમેન્ટ ચાર્જ - રૂ. ૨૦ કરોડ