Get The App

મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ વડોદરામાં નામ ઉમેરવા, કાઢવા કે સુધારણા માટે ૫૮ હજાર અરજીઓ

તા.૧૦ ફેબુ્રઆરી સુધીમાં તમામ અરજીઓની ચકાસણી કરીને મતદાર અધિકારી અરજીનો નિકાલ કરશે

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ  વડોદરામાં નામ ઉમેરવા, કાઢવા કે સુધારણા માટે ૫૮ હજાર અરજીઓ 1 - image

વડોદરા, તા.1 ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)નો બીજો તબક્કો હાલ પૂર્ણ થવાને આરે છે. વડોદરામાં નામ ઉમેરવા, નામ કમી કરવા તેમજ વિવિધ સુધારણા માટે કુલ ૫૮ હજારથી વધુ અરજીઓ તંત્રને મળી છે.

ઉલ્લેખનીય છે કે તા.૨૭ ઓક્ટોબરથી રાજ્યભરમાં શરૃ કરવામાં આવેલી મતદારયાદી સુધારણા ઝુંબેશ અઁતર્ગત ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ તા.૧૯ ડિસેમ્બરના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. આ મતદારયાદી પ્રસિધ્ધ કર્યા બાદ નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે તા.૧૮ જાન્યુઆરીની સમય મર્યાદા નક્કી કરાઇ  હતી પરંતુ તેમા વધારો કરીને ચૂંટણીપંચે તા.૩૦ જાન્યુઆરી નિર્ધારિત કરાઇ હતી.

વડોદરા શહેર અને જિલ્લાની ૧૦ વિધાનસભા બેઠકોમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત બીજા તબક્કામાં કુલ ૫૮ હજારથી વધુ અરજીઓ તંત્રને મળી છે જેમાં નામ ઉમેરવા માટે ૩૩૧૬૦, નામ કમી કરવા માટે ૨૦૬૭ અરજીઓ અને મતદારયાદીમાં નામ સરનામામાં સુધારા માટે ૨૩૫૯૫ અરજીઓનો સમાવેશ થાય છે. ઉપરોક્ત અરજીઓ બાદ મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોધણી અધિકારીઓ આ તમામ ફોર્મની ચકાસણી કરીને તા.૧૦ ફેબુ્રઆરી સુધીમાં નિકાલ કરશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે કોઇપણ કારણોસર જો ફોર્મ ભરવામાં કે પછી તેને જમા કરાવવાનું ચૂકી ગયા હોય કે પછી મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં ના જોડાઇ શક્યા હોય તો આગામી સમયમાં સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત તેઓ ફોર્મ ભરી શકશે. આ કાર્યક્રમમાં મતદાર યાદીમાં નામ ઉમેરવું, રદ કરવું કે સ્થળાંતર સહિતના ફેરફાર કરાવી શકાશે.