સમારકામના 6 મહિના પણ નથી થયા ત્યાં ફરી બંધ કરાશે વિશાલાનો શાસ્ત્રી બ્રિજ! સમારકામ થશે તેવી ચર્ચા
Image: X @InfoAhmedabadGoG |
Ahmedabad Vishala Shastri Bridge: ગુજરાતમાં જાણે હવે એ પ્રથા સામાન્ય બની ગઈ છે કે, કોઈ મોટી દુર્ઘટના બને, લોકોના મૃત્યુ થાય અને ત્યારબાદ સરકાર એકાએક જાગશે અને સુરક્ષાને લઈને કાર્યવાહી હાથ ધરશે. આવી ઘટનાઓ ફરી એકવાર જોવા મળી રહી છે. વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટ્યો અને તેમાં 20 લોકોના મૃત્યુ થયા બાદ સરકાર સફાળી જાગી અને રાજ્યના તમામ બ્રિજના ચકાસણીના આદેશ આપ્યા. જે હેઠળ અનેક બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યા. આવો જ એક બ્રિજ અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ છે. જેનું હવે ફરીથી સમારકામ હાથ ધરવામાં આવશે તેવી ચર્ચા છે.
વિશાલાનો શાસ્ત્રી બ્રિજ ફરી બંધ કરાશે
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વિશાલા ખાતેના શાસ્ત્રી બ્રિજનું R & B ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિજની સ્થિતિ ખરાબ હોવાનું સામે આવ્યું છે. હવે આ બ્રિજને ફરી બંધ કરવામાં આવશે અને સમારકામ કરવામાં આવશે તેવી ચર્ચા છે.
આ પણ વાંચોઃ ધોધમાર વરસાદની આગાહી : વડોદરાના ઉપરવાસમાં વરસાદથી આજવાની સપાટી વધી : વધીને 211.45 ફૂટ થઈ
6 મહિના પહેલાં જ ખુલ્લો મૂકાયો હતો આ બ્રિજ
નોંધનીય છે કે, આશરે 15 મહિના સુધી આ બ્રિજ બંધ રહ્યો હતો અને લગભગ 6 મહિના પહેલાં જ તેને ફરી સ્થાનિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરાયો હતો જોકે હજુ તેની હાલત જર્જરિત દેખાઈ રહી હોવાથી તેનું સમારકામ કરવામાં આવશે તેવી ચર્ચા છે. જોકે, અહીં એ સવાલ થાય છે કે, 15 મહિના સુધી જે સમારકામ ચાલ્યું હતું તેમાં શું કામ કરાયું હતું? 15 મહિના સુધી શહેરીજનોએ હાલાકી ભોગવ્યા બાદ પણ પરિસ્થિતિ જેમની તેમ રહી છે, ત્યારે સમારકામની કામગીરીને લઈને પણ ભ્રષ્ટાચાર કે કટકી થઈ હોય તેવી આશંકા સેવાઈ રહી છે.
લોકોને પડશે હાલાકી
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો શાસ્ત્રી બ્રિજ ફરી સમારકામ માટે બંધ થશે અને પાછો કેટલો સમય લેશે તે જોવાનું રહ્યું. જોકે, બ્રિજ બંધ થતા હવે ફરીથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડશે અને ફરીથી સમારકામ થયેલો બ્રિજ લોકોને સારી અવસ્થામાં મળે છે કે, તે પૈસાનો પણ ધુમાડો થશે તે એક સળગતો સવાલ હાલ લોકોના મનમાં ઊભો થઈ રહ્યો છે.