ગુજરાતમાં નંબર પ્લેટના નિયમોનું ઉલ્લંઘન: સામાન્ય જનતા માટે દંડ અને વગદારોને છૂટ?
Panchmahal News : ગુજરાતના અન્ય શહેરોની જેમ પંચમહાલના ગોધરામાં પણ વાહનચાલકો દ્વારા સરકાર માન્ય નંબર પ્લેટના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ઘણા વાહનચાલકો તેમના વાહનની નંબર પ્લેટ પર મનપસંદ શબ્દો, આકૃતિઓ, કે પોતાના નામ લખાવીને જાણે કાયદાને પડકાર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
નિયમનો ઉલાળિયો
RTOના નિયમો મુજબ, વાહનની નંબર પ્લેટ પર માત્ર માન્ય રજિસ્ટ્રેશન નંબર જ સ્પષ્ટ અને નિર્ધારિત ફોન્ટમાં દર્શાવવો ફરજિયાત છે. તેમ છતાં વાહનચાલકો 'રાજા', 'દાદા' જેવા શબ્દો કે પછી પોતાની જાતિ સૂચક શબ્દો લખાવીને પોતાની ઓળખ પ્રદર્શિત કરી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, આવા વાહનોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે, જેમાં દેખાતી નંબર પ્લેટ RTOના ધારાધોરણો મુજબ એમ્બોસ કરેલા ફોન્ટની જેમ જ બનાવાયેલી છે, જે એક ગંભીર બાબત છે.
પોલીસની કામગીરી પર સવાલ
રસ્તા પર આવા અનેક વાહનો બેરોકટોક ફરતાં જોવા મળે છે, પરંતુ તેમની સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સામાન્ય નાગરિકોને નાની અને નજીવી બાબતો માટે દંડ ફટકારતી ટ્રાફિક પોલીસ કે પછી રસ્તા પરના સરકારી CCTV કેમેરાની નજરમાં આવા "વગદાર" કે "માલેતુજારો" આવતા નથી કે પછી જાણી જોઈને તેમને નજરઅંદાજ કરવામાં આવે છે, તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. આ ઘટના માત્ર ગોધરા પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં આવી બેદરકારી જોવા મળે છે, જે ટ્રાફિક વ્યવસ્થા અને કાયદાના પાલન પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
આ પણ વાંચો: કચ્છમાં ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડતાં રોડ પર પટકાયું, સ્કૂટર પર જતાં 3 લોકોના મોત
રજિસ્ટ્રેશન વગરના વાહનોનો મામલો
આ સિવાય, ઘણા વાહનો પર 'અપ્લાય ફોર રજિસ્ટ્રેશન' લખેલી પ્લેટ જોવા મળે છે. સવાલ એ થાય છે કે જ્યારે નિયમ પ્રમાણે રજિસ્ટ્રેશન નંબર વગર કોઈ પણ શોરૂમ ગ્રાહકોને વાહન આપી શકતો નથી, ત્યારે આ પ્રકારના વાહનો સરેઆમ રસ્તા પર કેવી રીતે જોવા મળે છે. આ પ્રકારની પ્લેટ પણ ભારે પૈસા ખર્ચીને ખાસ બનાવાઈ હોય છે. કાયદાનું આ ઉલ્લંઘન માત્ર સુરક્ષા માટે જ નહીં, પરંતુ સરકારના મહેસૂલ માટે પણ ચિંતાનો વિષય છે.
જો આ પ્રકારની બેદરકારી સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં કાયદાનું પાલન કરવું એક પડકારરૂપ બની રહેશે. આવા વાહનચાલકો સામે યોગ્ય કાર્યવાહી કરી કાયદાના શાસનનો અમલ થાય તે જરૂરી છે.
આ પણ વાંચો: સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્નનો ઈનકાર દુષ્કર્મ ન ગણાય, સુરત કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
ભારતમાં વાહનના શોરૂમ્સ ગ્રાહકોને રજિસ્ટ્રેશન નંબર વગર વાહન આપી શકતા નથી, અને આવો સ્પષ્ટ નિયમ છે. આ નિયમ મોટર વાહન અધિનિયમ, 1988 (Motor Vehicles Act, 1988) હેઠળ લાગુ પડે છે.
મુખ્ય નિયમ અને તેના કારણો
કાયદાકીય ફરજિયાત:
કાયદા મુજબ, ભારતમાં કોઈ પણ વાહન જાહેર સ્થળે ચલાવી શકાતું નથી, જ્યાં સુધી તેની પાસે કાયદેસરનું રજિસ્ટ્રેશન ન હોય. આ નિયમ વાહનની ઓળખ અને સલામતી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ડીલરની જવાબદારી:
મોટર વાહન કાયદાની કલમ 39 મુજબ, કોઈ પણ વ્યક્તિ રજિસ્ટર્ડ વાહન વગર વાહન ચલાવી શકતી નથી અને કોઈ માલિક પણ તેના વાહનને રજિસ્ટ્રેશન વગર ચલાવવાની મંજૂરી આપી શકતો નથી. આ નિયમ અનુસાર, ડીલરોની જવાબદારી છે કે તેઓ વાહનનું રજિસ્ટ્રેશન પૂર્ણ થયા પછી જ ગ્રાહકને ડિલિવરી આપે.
ટેમ્પરરી રજિસ્ટ્રેશન:
જો પરમેનન્ટ રજિસ્ટ્રેશનમાં સમય લાગતો હોય, તો ડીલર ટેમ્પરરી રજિસ્ટ્રેશન નંબર (TR Number) મેળવી શકે છે. આ નંબર એક મહિના સુધી માન્ય હોય છે, અને આ દરમિયાન વાહન માલિક કાયમી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ટેમ્પરરી નંબર હોવા છતાં, વાહન પર નંબર પ્લેટ હોવી ફરજિયાત છે.
આ પણ વાંચો: વર્ષ 2024માં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર ચૂકવાશે, ખેડૂતોને 11 હજારની સહાય મળશે
નિયમભંગના પરિણામો:
જો કોઈ ગ્રાહક રજિસ્ટ્રેશન વગર વાહન ચલાવતા પકડાય, તો તેને દંડ થઈ શકે છે અને તેનું વાહન પણ જપ્ત થઈ શકે છે. કેટલીક વાર, ગ્રાહકના દબાણ હેઠળ કે અન્ય કારણોસર ડીલરો કાયદાનું ઉલ્લંઘન કરીને વાહન આપી દેતા હોય છે, પરંતુ આ કાયદેસર રીતે ખોટું છે. તાજેતરમાં પૂણેમાં થયેલા એક ગંભીર અકસ્માત બાદ, ત્યાંના RTOએ વાહન ડીલરોને સ્પષ્ટપણે આ નિયમનું પાલન કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. આમ, ટૂંકમાં, ભારતમાં રજિસ્ટ્રેશન નંબર વગર કોઈ પણ શોરૂમ ગ્રાહકને વાહન આપી શકતો નથી, અને જો આવું થાય તો તે કાયદાનો ભંગ ગણાય છે.