વર્ષ 2024માં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીનું વળતર ચૂકવાશે, ખેડૂતોને 11 હજારની સહાય મળશે
Farmer News : વર્ષ 2024માં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા નુકસાનના વળતર રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. કૃષિ વિભાગે આ અંગે જાહેરાત કરી છે અને ખેડૂતો પાસેથી નુકસાની માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. આ સહાય અંતર્ગત પ્રતિ હેક્ટર રૂ. 11,000ની ચૂકવણી કરવામાં આવશે.
6 જિલ્લામાં કપાસના પાકને નુકસાન
વર્ષ 2024ના ઑક્ટોબર મહિનામાં રાજ્યના 6 જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો, જેના કારણે કપાસના ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. જે ખેડૂતોના પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું હતું, તેમને આ સહાય આપવામાં આવશે.
પ્રતિ હેક્ટર રૂ. 11,000ની સહાય
સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર, ખેડૂતોને બે રીતે સહાય મળશે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) હેઠળ પ્રતિ હેક્ટર રૂ. 8,500 અને રાજ્ય સરકારના બજેટમાંથી પ્રતિ હેક્ટર રૂ. 2,500 એમ કુલ મળીને પ્રતિ હેક્ટર રૂ. 11,000ની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં ખાતાદીઠ 2 હેક્ટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
વિધાનસભા સત્ર પહેલા અરજીઓ મેળવવામાં આવશે
કૃષિ વિભાગે ખેડૂતોને ઝડપી અરજી કરવા અપીલ કરી છે, જેથી વિધાનસભા સત્ર શરુ થાય તે પહેલા તમામ અરજીઓ મેળવી શકાય અને વહેલી તકે વળતર ચૂકવવાની પ્રક્રિયા શરુ કરી શકાય. ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે સરકાર કટિબદ્ધ છે અને ટૂંક સમયમાં સહાયનું વિતરણ શરુ થશે.