ગુજરાતમાં વન્યજીવોના હુમલા વધ્યા: 1 મહિનામાં 8 લોકોના મોતથી ચિંતાજનક સ્થિતિ, સિંહોએ લીધો 7 લોકોનો ભોગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Lion Kills 11 Year Old Boy On Girnar Steps In Junagadh : જૂનાગઢના ગિરનાર પર્વત પર બનેલી હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર રાજ્યને ઝંઝોળી દીધું છે. વહેલી સવારે દર્શન માટે આવેલા ખેડા જિલ્લાના મોદજ ગામના એક પરિવારના 11 વર્ષના બાળક પર સિંહે હુમલો કરી તેને ખેંચી જતાં તેનું મોત થયું. ઘટનાની જાણ થતાં વન વિભાગ, પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. જોકે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલાઓની ઘટનાઓ વધી ગઇ છે. છેલ્લા એક મહિનામાં જ 8 લોકોના જીવ આ કારણે જતા રહ્યા છે. જે એક ચિંતાનો વિષય બની ગયો છે.
મળતી માહિતી મુજબ બાળક પરિવાર સાથે ગિરનારની સીડી પરથી ઉપર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક સિંહ ઝાડીમાંથી બહાર આવ્યો, અને બાળકને ખેંચીને જંગલ તરફ લઈ ગયો હતો. બચાવ માટે પરિવાર અને આસપાસના લોકો બૂમાબૂમ કરતા રહ્યા, પરંતુ સિંહ બાળકને દૂર લઈ ગયો. બાદમાં વન વિભાગે શોધખોળ હાથ ધરતા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.વન વિભાગે મૃતકના પરિવારને સરકારની જોગવાઈ મુજબ રૂપિયા 10 લાખની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે, અને સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ ઘટના બાદ ગિરનાર યાત્રામાર્ગ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. વન વિભાગે યાત્રાળુઓને સાવચેતી રાખવા, નિર્ધારિત માર્ગ પર જ અવરજવર કરવા અને એકલા ન જવાની અપીલ કરી છે.
એક મહિનામાં 8 માનવ જિંદગીનો વન્યપ્રાણીઓએ લીધો ભોગ

તારીખ વિસ્તાર વન્યપ્રાણી
11-06-2026 ઘંટીયાળા,બગસરા સિંહ
15-06-2026 જૂના સાવર,સાવરકુંડલા સિંહ
16-06-2026 કોળીયા,રાજુલા સિંહ
17-06-2026 ગઢડા,મહુવા સિંહ
24-06-2026 વૃંદાવન,પાળીયા સિંહ
03-07-2026 બાંભણીયા,મહુવા દીપડો
08-07-2026 અંટાળીયા,અમરેલી સિંહ
11-07-2026 ગિરનાર,જૂનાગઢ સિંહ
ગિરનાર ચડવા પર અનિશ્ચિત સમય સુધી પ્રતિબંધ, બે સિંહોને પાંજરે પૂરાયા
બાળક પર હુમલાની ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે ગિરનાર ચડવા પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વન વિભાગે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી બે સિંહોને પકડી પાંજરે પૂર્યા છે. બંને સિંહોની તબીબી તપાસ અને વર્તનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
41% કિસ્સામાં શિકાર પછી સિંહને મારણ મળતુ નથી
સિંહોના વર્તન પર અભ્યાસ કરતા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઘણા બનાવોમાં સિંહ શિકાર કર્યા બાદ, તરત જ જંગલના ગાઢ વિસ્તારમાં ખસી જાય છે. જેના કારણે તેમને શોધવાનું કામ મુશ્કેલ બની જાય છે. જંગલમાં માનવીની અવરજવર વધતા આવા બનાવો રોકવા માટે સાવચેતી રાખવાની પણ ખુબ જરૂર છે.
સીડીની લાઇટ બંધ હોવાની ઘટનાથી યાત્રાળુઓમાં રોષ
સ્થાનિક લોકો અને યાત્રાળુઓએ જણાવ્યું કે, ગિરનારની કેટલીક સીડી પર લાઇટ વ્યવસ્થા યોગ્ય રીતે કાર્યરત નહોતી. જેના કારણે વહેલી સવારે અને મોડી સાંજે યાત્રા કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઘટનાને પગલે લાઇટ વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાની માંગ ઉઠી છે.
એક મહિનામાં 8 લોકો વન્યપ્રાણીઓના હુમલાનો ભોગ બન્યા
છેલ્લા એક મહિનામાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં 8 લોકોના વન્યપ્રાણીઓના હુમલામાં મોત થયા છે. તેમાં 7 બનાવ સિંહના હુમલાના અને 1 બનાવ દીપડાના હુમલાનો નોંધાયો છે. ગિર વિસ્તારની આસપાસ માનવ-વન્યપ્રાણી સંઘર્ષ વધતા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગિરનાર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની અવરજવર વધી હોવાનું સ્થાનિકોનું કહેવું છે. નિષ્ણાતોના મતે જંગલ વિસ્તારની બહાર શિકારની ઉપલબ્ધિ ઘટતા અને માનવ વસાહતો નજીક જંગલી પ્રાણીઓની હિલચાલ વધતા આવા બનાવોમાં વધારો થઈ રહ્યો છે.









