વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્ટાર્ટઅપ ડગુમગુ, પ્રોત્સાહનના દાવા છતાં 348ના પાટિયા પડ્યા

| (AI IMAGE) |
Vibrant Gujarat Startup Crisis: ઈનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રતિભાશાળી ઉદ્યોગ સાહસિક માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલ કરાઈ છે. આ ઉપરાંત તકનીકી પ્રગતિ સાથે આત્મનિર્ભરતાના હેતુસર ગુજરાતમા સ્ટાર્ટઅપની શરુઆત થઈ છે પણ સરકારે પોલીસી ઘડીને નાણાકીય પ્રોત્સાહન છતાંય સ્ટાર્ટઅપ માટે ટકવું મુશ્કેલ બન્યુ છે. આ સ્થિતી વચ્ચે રાજ્યમાં 348 સ્ટાર્ટઅપ બંધ પડયાં છે.
ત્રણ વર્ષમાં સ્ટાર્ટઅપને રૂ. 40 કરોડની લોન
ગુજરાતમાં આરોગ્ય, લાઈફ સાયન્સ, આઇટી. કૃષિ સહિત અન્ય ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ શરૂ થયાં છે. ઇન્ક્યુબેટર્સ, રોકાણકારો અને યંગ એન્ટરપ્રેન્યોર્સને સ્ટાર્ટ અપ માટે નાણાકીય સહાય આપી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023-24માં ગુજરાતને સ્ટાર્ટઅપને રૂ.6.50 કરોડ, વર્ષ 2024-25માં 3 કરોડ જ્યારે વર્ષ 2025-26માં રૂ.30 કરોડ લોન પેટે આપ્યા હતા. છેલ્લાં ત્રણેક વર્ષમાં કુલ મળીને સ્ટાર્ટઅપને રૂ.40 કરોડ લોન અપાઈ હતી.
આ પણ વાંચો: બેટી બચાવો- બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ફદિયું પણ આપ્યું નહીં
કેન્દ્ર સરકારના રિપોર્ટમાં ગુજરાતની સ્થિતિ નબળી
કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ધંધાકીય સ્પર્ધામાં સ્ટાર્ટઅપ માટે ટકી રહેવું અઘરુ બન્યુ છે. જોકે, બિહાર, રાજસ્થાન, કેરાલા, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં સ્ટાર્ટઅપની સ્થિતી ગુજરાત કરતાં સારી છે કેમકે, આ રાજ્યોમાં બંધ થયેલાં સ્ટાર્ટઅપની સંખ્યા સરવાળે ઓછી છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ઉદ્યોગો માટે લાલજાજમ પાથરવામાં આવી રહી છે અને જમીનોથી માંડીને કરોડો રૂપિયા સબસીડીની લ્હાણી કરવામાં આવી રહી છે ત્યારે કોઈને કોઈ કારણસર 348 સ્ટાર્ટઅપને તાળાં વાગ્યાં છે.

