બેટી બચાવો- બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને ફદિયું પણ આપ્યું નહીં

Beti Bachao Beti Padhao: ગુજરાતમાં બેટી બચાવો-બેટી પઢાવોના નારાં ગુંજી રહ્યાં છે. પરંતુ ખુદ કેન્દ્ર સરકારે આ યોજનામાં રાજ્ય સરકારને સહયોગ આપ્યો નહીં. વર્ષ 2024-25માં મહિલા-બાળ કલ્યાણ માટે મહત્ત્વરૂપ ગણાતી બેટી બચાવો-બેટી પઢાવો યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને કાણી પાઈ આપી નહીં. મહિલા અને બાળ કલ્યાણના ઉત્કર્ષની અન્ય યોજનામાં નાણાં ફાળવવામાં કેન્દ્રએ ઉદાસિનતા દાખવી છે.
અમુક યોજના કાગળ પર જ રહેશે
ગુજરાતમાં બાળકોની સરખામણીમાં બાળકીઓની સંખ્યાનો દર ઓછો રહ્યો છે. મહિલા અને પુરુષનો રેશિયો સમતોલ રાખવા માટે સરકારે પ્રયાસો કર્યાં છે. વર્ષ 2020-21 મુજબ રાજ્યમાં એક હજાર બાળકોની સામે 915 બાળકીઓનું પ્રમાણ રહ્યુ છે. જન્મ સમયે જાતિની પસંદગી રોકવા માટે અનેકવિધ પગલાં લેવાઈ રહ્યાં છે, જેના ભાગરુપે જ લિંગનું પ્રમાણ જળવાઈ રહે તે હેતુસર બેટી બચાવો-બેટી પઢાઓ યોજના અમલી બનાવવામાં આવી હતી.
ખુદ કેન્દ્ર સરકારે સ્વિકાર્યુ કે, વર્ષ 2024-25માં બેટી બચાવો-બેટી પઢાવો યોજના માટે એક રૂપિયો ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. કેન્દ્ર સરકારે ગુજરાતને માત્રને માત્ર સક્ષમ આંગણવાડી યોજના પાછળ સૌથી વધુ 601 કરોડ રૂપિયા ફાળવ્યા હતાં. રાજ્યમાં મહિલાઓ અને બાળકોના ઉત્કર્ષને લઈને ઘણી યોજનાઓ કાર્યરત છે. જો કે, કેન્દ્ર સરકારે વર્ષ 2024-25માં ગુજરાતને શક્તિ સદન, સખી નિવાસ, પાલના જેવી યોજના માટે પણ ફદિયું ય ચૂકવ્યુ ન હતું. આ જોતાં આ યોજના માત્ર કાગળ પર રહેશે.
કેન્દ્ર સરકારની નાણાંકીય મદદ વિના આવી યોજનાઓનો અસરકારક અમલ થઈ શકતો નથી. જો કે, કેન્દ્ર સરકારે વન સ્ટોપ સેન્ટર, વુમન હેલ્પલાઈન અને મિશન વાત્સલ્ય માટે નાણાં ફાળવ્યાં હતાં. અમુક યોજનાના અભાવે વર્કિંગ વુમન લાભથી વંચિત રહી જશે. મહિલા હોસ્ટેલ સહિત અન્ય લાભ નહીં મળે. આ ઉપરાંત સ્વરોજગારી મેળવવા ઇચ્છુક મહિલાઓને પણ લાભથી વંચિત રહેવુ તેવી સ્થિતિ છે.

